મૃતકની પત્નિ છ માસમાં જ વિધવા બનતા પરિવારમાં અરેરાટી
રાજકોટમાં નિલકંઠ ટોકીઝ પાસે ગીતાંજલિ સોસાયટીમાં રહેતા અને આજી વસાહતમાં કારખાનું ધરાવતા કારખાનેદારે ગઇકાલે આજીડેમમાં પડતું મૂકી આપઘાત કર્યાની ઘટના પોલીસ ચોપડે નોંધાઇ છે. 6 માસ પહેલા જ મૃતકના લગ્ન થયા હોય જેના કારણે તેની પત્નિ વિધવા બનતા પરિવારમાં અરેરાટી મચી ગઇ છે. મૃતકને બેંકમાં અલગ ખાતુ ખોલાવવું હોય તે બાબતે પિતાએ ના પાડતા પુત્રએ આપઘાત કર્યાનું શંકા સેવાઇ રહી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગઇકાલે મોડી રાત્રે આજીડેમમાંથી એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાસ્થળની બાજુમાં જ પાકીટ અને મોબાઇલ મળી આવતા આ મૃતદેહ નિલકંઠ ટોકીઝ પાસે ગીતાજંલી સોસાયટીમાં શેરી નં.9માં રહેતા પાર્થભાઇ ચંદુભાઇ રૈયાણી નામના 27 વર્ષના યુવાનનો મૃતદેહ હોવાનું જાણવા મળતા તેમના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી.
આ અંગે ઘટનાની જાણ થતાં આજીડેમ પોલીસ મથકનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહને પીએમ અર્થે ખસેડી તપાસ હાથધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ મૃતક પાર્થભાઇ રૈયાણી આજી વસાહતમાં ઓઇલ એન્જીનનું કારખાનું ધરાવે છે. પાર્થભાઇ રૈયાણીના 6 માસ પહેલા જ લગ્ન થયા હતા. જેથી છ મહિનામાં જ નવોઢા વિધવા બનતા પરિવારમાં કલ્પાંત છવાયો છે.
પોલીસની તપાસમાં જાણવા મળ્યા મુજબ ગઇકાલે પાર્થભાઇ રૈયાણી પોતાના કારખાનેથી સીએનસી મશિનના વાયર લેવા જવાનું કહીને કારખાનેથી નિકળ્યા હતા ત્યારબાદ કારખાનાના કર્મચારીઓ અને પરિવારજનો સતત તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ કરતા હતા પરંતુ કોઇપણ પ્રકારે પાર્થભાઇ રૈયાણીનો સંપર્ક ન થતા તેની શોધખોળ હાથધરી હતી તો બીજી તરફ ગત રાત્રે આજીડેમમાંથી તેમનો મૃતદેહ મળતાં પોલીસે ડેડબોડી ઓળખવા માટે તેમના પરિવારજનોને જાણ કરી હતી અને પરિવારજનોએ મૃતકને ઓળખી બતાવ્યો હતો. મૃતક પાર્થભાઇ રૈયાણીને બેંકમાં અલગથી ખાતુ ખોલાવવું હોય પરંતુ પિતાએ તે બાબતે ના પાડતા થોડા સમયથી મૃતક બેચેન રહેતો હોવાનું જાણવા મળ્યું છે.