માધાપર ચોકડી પાસે બાઈક સ્લીપ થતાં ઘવાયેલા પ્રૌઢને કાળનો કોળીયો બનતા: પરિવારમાં કલ્પાંત
રાજકોટ શહેરમાં જુદા જુદા વે સ્થળોએ અકસ્માતના બે બનાવો સામે આવ્યા છે. જેમાં મવડી હેડ ક્વાર્ટર પાસે સ્પીડવેલ પાર્ટી પ્લોટ નજીક કારની ઠોકરે ઘવાયેલા સાયકલ સવારનું મોત નિપજ્યું હતું.
જ્યારે અન્ય બનાવમાં માધાપર ચોકડી પાસે મોરબી રોડ તરફ જતા પુલની નીચે બાઈક સ્લીપ થતાં ઘવાયેલા પ્રૌઢ વેપારીને કાળ ભેટતા પરિવારમાં કલ્પાંત છવાયો છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટમાં જીવરાજ પાર્કમાં રહેતા અને કાલાવડ રોડ પર એક હોટલમાં હેલ્પર તરીકે કામ કરતા રેમંત સુરતબહાદુર સાઉદ નામનાં 24 વર્ષીય નેપાળી યુવાનનું સ્પિડવેલ પાર્ટી પ્લોટ પાસે કાર ચાલકે ઠોકરે લેતાં તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
આ અંગે ઘટનાની જાણ થતા તાલુકા પોલીસ મથકનો સ્ટાફ તાબડતોડ ઘટના સ્થળે દોડી જઇ આગળની તપાસ હાથઘરી હતી. જેમાં પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ મૃતક રેમંત પોતાના સહકર્મી સાથે જુદી જુદી સાયકલ પર હોટલ પરથી ઘરે જવા માટે નીકળ્યા હતા. તે દરમિયાન સ્પિડવેલ પાર્ટી પ્લોટ પાસે એક કારીગરે રોડ ક્રોસ કરી લીધો હતો.
જ્યારે રેમંત રોડ ક્રોસ કરવા જતાં કાર ચાલકે તેને હડફેટે લેતા તેનું કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતું.પોલીસે તેના મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી છે.તો અન્ય બનાવમાં માધાપર ચોકડીથી મોરબી રોડ તરફ જવાના રસ્તા પાસે પૂલ નજીક આવેલી સોસાયટીમાં રહેતા જયેશભાઈ નટવરલાલ મહેતા નામના 52 વર્ષીય વેપારી ગઇ કાલે રાત્રીના સમયે પોતાના ઘરે જતા હતા ત્યારે મોરબી રોડનો પૂલ ઉતરતા જ તેમનું બાઈક સ્લીપ થયું હતું.
જેમાં ગંભીર રીતે ઘવાયેલા જયેશભાઈ મહેતાને માથામાં ગંભીર ઇજા થતાં તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ સારવાર કારગત ન નિવડતા તેમનું મોત નિપજ્યું હતું. આ અંગે ઘટનાની જાણ થતા ગાંધીગ્રામ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સલીમભાઈ મકરાણી હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા અને મૃતદેહને પૂમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.