એક વર્ષ પૂર્વે પત્ની સાથે છૂટાછેડા લીધા બાદ માનસિક તણાવના કારણે પોલીસ કર્મીએ કર્યો આપઘાતનો પ્રયાસ
અમદાવાદમાં પોલીસ કર્મચારીએ પોતાના પરિવાર સાથે કરેલા આપઘાતની ઘટના હજુ વીસરી નથી ત્યારે રાજકોટમાં પોલીસ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલે વખ ઘોળ્યું હોવાનું સામે આવ્યું છે. જેમાં એક વર્ષ પહેલાં પત્ની સાથે છૂટાછેડા લીધા બાદ માનસિક તણાવમાં સપડાયેલા પોલીસ કર્મચારીએ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટમાં આંબેડકર નગરમાં રહેતા અને હેડ ક્વાર્ટર ખાતે પોલીસમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ પ્રકાશભાઈ પારધીએ પોતાના ઘરે ઝેરી દવા પી લેતા તેઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
પ્રકાશ પારધી પોતાની ડ્યુટી પૂરી કરી થોરાળા વિસ્તારમાં આવેલા આંબેડકરનગર ખાતે પોતાના ઘરે પહોંચ્યા હતા. ત્યારબાદ ઝેરી દવા પી તેણે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જો કે, પરિવારને જાણ થતા તુરંત તેમને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ઇમરજન્સી વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે.
આ અંગે પ્રકાશ પારધીના પિતા દેવજીભાઈએ જણાવ્યું હતું કે, પ્રકાશના અગાઉ લગ્ન થયા હતા પરંતુ તેની પત્ની બે માસ જેટલો સમય જ સાસરિયામાં વિતાવ્યો હતો. ત્યારબાદ તે પોતાના ઘરે ચાલી ગઈ હતી અને ત્યાંથી પરત નહોતી આવી. સમગ્ર મામલે પતિ પત્નીના છૂટાછેડા પણ આજથી બારેક મહિના અગાઉ થઈ ચૂક્યા હતા. આજે જ્યારે પ્રકાશે દવા પીધી ત્યારે પણ તે ટેન્શનમાં હતો. દવા પીધા પૂર્વે તેણે કોઈ સ્ત્રી સાથે વાતચીત પણ કરી હતી. તેણે પોતાની પૂર્વ પત્ની જોડે વાતચીત કરી હોવાની સંભાવના સેવાઈ રહી છે.
થોરાળા પોલીસે ઘટનાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથધરી છે. કોન્સ્ટેબલ ભાનમાં આવ્યા બાદ જ આપઘાતના પ્રયાસ પાછળનું સાચું કારણ જાણવા મળશે તે અંગે જણાવ્યું હતું. અમદાવાદમાં પોલીસ કર્મીએ પરિવાર સાથે સામૂહિક આપઘાત કર્યા બાદ રાજકોટમાં પણ પોલીસ કર્મીએ આપઘાત કર્યાનો પ્રયાસ કર્યાની ઘટના સામે આવતા પોલીસબેડામાં ખડભડાટ મચી ગયો છે.