હીંચકો બાંધી રમતી વેળાએ સર્જાઈ કરુણાંતિકા: પરિવારમાં કલ્પાંત
રાજકોટના નરસિહનગરમાં ઉપરના માળે દુપટ્ટાનો હિચકો બનાવી જૂલા જૂલતી વેળાએ માસુમ બાળકને અકસ્માતે ગળામાં આંટી વળી જતા ગળેટુપો આવી જતા તેનું કરૂણ મોત નીપજ્યું હતું. બાળકના આકસ્મિક મોતના કારણે પરિવારમાં ગમગીની છવાઈ છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટની આરટીઓ કચેરી પાછળ આવેલા નરસિહનગર શેરી નંબર 7માં રહેતા અને સિક્યુરીટી ગાર્ડ તરીકે નોકરી કરતા તથા પેરાલિસિસનો ભોગ બનેલા હરજીવનભાઈ દાફડાનો 11 વર્ષીય પુત્ર હર્ષ દાફડા બપોરે તેના અન્ય ભાઈ-બહેનો સાથે ઉપરના માળે દુપટ્ટાનો હિચકો બાંધી રમતા હતા.
તે દરમિયાન ત્રણેક વાગ્યે અન્ય ભાઈ બહેન ટીવી જોવા માટે નીચે આવી ગયા હતા. જયારે હર્ષ ઉપર જ રમતો હતો તેનો મોટો ભાઈ ઉપર જોવા જતા હર્ષએ દુપટ્ટાનો હિચકો બનાવ્યો હતો તે જ દુપટ્ટાથી ગળામાં આંટી વળી જતા માસુમ હર્ષનું કરુણ મોત નિપજ્યું હતું. હર્ષ મોડે સુધી નીચે ન આવતા પરિવારજનોએ ઉપર શોધખોળ કરતા બાળક લટકતી હાલતમાં જોવા મળતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.
પરિવારજનોએ બાળકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે બી ડિવિઝન પોલીસને જાણ કરતા બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ મૃતક હર્ષ દાફડા છ બેન અને પાંચ ભાઈમાં વચ્ચેટ હોવાનું જણાવ્યું હતું બનાવને પગલે પરિવારમાં શોક વ્યાપી ગયો છે. આ અંગે બી ડિવિઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.