• લગ્ન પ્રસંગ પૂરો કરી ચલાલા પંથક પરત ફરતી વેળાએ પરિવારને અકસ્માત નડ્યો
  • અમરેલી ન્યુઝ પેપર નાખવા જતા ઇકોના ચાલકને ઇજા: બાળકના મોતથી પરિવારમાં આક્રંદ

અબતક રાજકોટ
રાજકોટમાં અકસ્માતના બનાવો વધતા જોવા મળી રહ્યા છે. ત્યારે રાજકોટના ભાગોળે આવેલા હલેન્ડા ગામ પાસે ઇકો બંધ ટ્રક પાછળ ધૂસી જતા ચલાલા પંથકના પરિવારને ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. જેમાં ગંભીર રીતે ઘવાયેલા માસુમ બાળકનું મોત નિપજ્યું હતું જ્યારે અન્ય ત્રણ પરિવારજનો સહિત અમરેલી ન્યુઝ પેપર લઈ જતા રાજકોટના ઇકો ડ્રાઈવરને પણ ઇજા થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. માતા – પિતાની નજર સામે જ માસુમ બાળક કાળનો કોળિયો બનતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગત મોડી રાત્રીના 3 વાગ્યાની આસપાસ રાજકોટના ભાગોળે આવેલા હલેન્ડા ગામ પાસે બંધ ટ્રેક પાછળ જીજે 03 બીડબલ્યુ 2401 નંબરની ઇકો કાર ઘુસી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં અમરેલી રહેતા ઇકો કારના ચાલક સંજયભાઈ વજુભાઈ તેરૈયા (ઉ.વ.43) ઘવાયા હતા. જ્યારે તેમની ઇકોમાં બેઠેલા ચલાલા પંથકના મીઠાપુર ગામના પ્રવીણભાઈ બચુભાઈ ચૌહાણ (ઉ.વ.40), તેમના પત્ની રંજનબેન પ્રવીણભાઈ ચૌહાણ (ઉ.વ.38), તેમના પુત્ર યશ ચૌહાણ (ઉ.વ.15) અને હર્ષિલ ચૌહાણ (ઉ.વ.11) ઘવાયા હતા.

પરંતુ આ ગોઝારા અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલાં માસુમ બાળક હર્ષિલ ચૌહાણનું માતા પિતાની હાજરીમાં મોત નીપજતાં પરિવારમાં ગમગીની છવાઈ છે. આ અંગે જાણ થતાં આજીડેમ પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે બાળકના મૃતદેહને પીએમ અર્થે ખસેડી અન્ય પરિવારજનોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ પ્રવીણભાઈ ચૌહાણ પોતાના પરિવાર સાથે રાજકોટ આજીડેમ ચોકડી પાસે કાજલબેન પ્રવીણભાઈ જેઠવાના લગ્ન પ્રસંગમાં આવ્યા હતા. લગ્ન પ્રસંગ પૂરો કરી પરત ચલાલા ડુંગર મીઠાપુર ગામે જઈ રહ્યા હતા. જે સમયે અમરેલીના સંજયભાઈ પોતાની ઈકોમાં ન્યુઝ પેપર લઈ અમરેલી તરફ જતા હતા જેથી મીઠાપુરનો પરિવાર તેમાં બેસી ગયો હતો.

ઇકોમા નીકળેલા પ્રવીણભાઈ ચૌહાણ સહિતનો પરિવાર ઈકોમા બેસી હતો હતો ત્યારે રાજકોટના ભાગોળે હલેન્ડા ગામ નજીક બંધ ટ્રેક પાછળ ધૂસી ગઇ હતી અને હર્ષિલ ચૌહાણ નામના બાળકનું મોત નિપજ્યું હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ મૃતક માસુમ બાળક હર્ષિલ ચૌહાણ ધોરણ 6માં અભ્યાસ કરતો હતો અને ઇજાગ્રસ્ત યશ ચૌહાણે ધોરણ 10ની પરીક્ષા આપી હતી. માતા પિતાની નજર સામે જ માસુમ બાળકને કાળ આંબી જતાં પરિવારમાં કલ્પાંત છવાયો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.