ત્રણ વર્ષનો ભાડા કરાર પૂર્ણ થતા દુકાન પચાવી લઇ રૂ. 1.92 લાખ ભાડુ પણ ન ચુકવ્યું
રાજકોટમાં બેડીનાકામાં રહેતા વેપારીએ પોતાની દુકાન તેના પરિચીત એક વૃઘ્ધને ત્રણ વર્ષનો કરાર કરી ભાડે આપી હતી જે કરાર પૂર્ણ થયા બાદ ભુ-માફીયાએ દુકાન ન ખાલી કરી અને રૂ. 1.92 લાખનુ ભાડુ ન આપી ઝઘડો કર્યો હતો. જેથી કંટાળી વેપારીએ વૃઘ્ધ સામે લેન્ડ ગ્રેબ્રીંગની ફરીયાદ કરતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વિગતો અનુસાર શહેરમાં બેડીનાકા મેઇન રોડ પર હાટકેશ્વર મંદિર પાસે રહેતા કલ્પેશભાઇ શરદચંદ્ર મહેતાએ ખડકીનાકા ચોક પાસે રહેતા રાજેશ નારણ વીરમિયા સામે નોંધાવી છે. વેપારી યુવાનની ફરિયાદ મુજબ, તે જ્યાં રહે છે તે બે માળનું તે બિલ્ડિંગ છે. જે અગાઉ દાદીના નામે હતું. તેમના મૃત્યુ બાદ પિતાના નામે અને પિતાના અવસાન બાદ વારસાઇ મિલકતના માલિક પોતે છે. આ મિલકતમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં બે શટરવાળી દુકાન આવેલી હોય 2015માં રાજેશ વીરમિયાને ત્રણ વર્ષના ભાડા કરારથી રૂ.4 હજારના ભાડે દુકાન આપી હતી. જે દુકાનમાં રાજેશ વીરમિયા આશાપુરા ડેરી એન્ડ ફરસાણના નામથી વેપાર કરતો હતો.
2017માં ભાડા કરાર પૂરા થતા હોવાથી રાજેશ વીરમિયાને જો વધુ સમય માટે દુકાન ભાડે રાખવી હોય તો નવા ભાડા કરાર કરવા વાત કરી હતી. જેથી રાજેશ વીરમિયાએ બે દિવસમાં પોતે નવો ભાડા કરાર કરી આપીશનું કહ્યું હતું, પરંતુ રાજેશ વીરમિયાએ લાંબા સમય પછી પણ નવા ભાડા કરાર ન કર્યા કે ભાડું ન ચૂકવ્યું. જેથી રાજેશ વીરમિયાને આ અંગે અનેક વખત કહેવા છતાં તેને યોગ્ય જવાબ આપવાને બદલે પોતાની સાથે ઝઘડો કરી માથાકૂટ કરતો રહેતો હતો. જેથી પોતે તેની સાથે કોઇ માથાકૂટ કરતા નહિ.આમ લાંબા સમય પછી પણ રાજેશ વીરમિયા નવો ભાડા કરાર ન હતો કરતો કે દુકાન ખાલી કરતો ન હતો. એટલું જ નહિ રાજેશે ન તા.16-6-2018થી આજ દિવસ સુધીનું કુલ રૂ.1.92 લાખનું ચડત ભાડું પણ દેતો ન હોય અંતે પોતાની રૂ.10 લાખના કિંમતની બે ગાળાની દુકાન પચાવી પાડનાર રાજેશ વીરમિયા વિરુદ્ધ કાર્યવાહી કરવા કલેક્ટરમાં અરજી આપી હતી. જેથી કલેકટરે ફરિયાદ નોંધવા હુકમ કરતા એ ડિવિઝન પોલીસે રાજેશ વીરમિયા સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધી ધરપકડની તજવીજ હાથ ધરી છે.