રોગચાળાને નાથવા શહેરના 18 વોર્ડમાં કોર્પોરેશને 18 ટીમો મેદાનમાં ઉતારી: ફોગીંગ, દવા છંટકાવ સહિતની કામગીરી
રોગચાળાને નાથવા યુદ્વના ધોરણે કામગીરી કરવા મેયર ડો.પ્રદિપ ડવ દ્વારા આપવામાં આવેલા આદેશને પગલે કોર્પોરેશન દ્વારા ડેન્ગ્યૂ, મેલેરિયા અને ચીકન ગુનિયાને ડામવા માટે 18 વોર્ડમાં 18 ટીમો મેદાનમાં ઉતારી દેવામાં આવી છે. જેમાં 18 સુપીરીયર ફિલ્ડ વર્કર, 68 ફિલ્ડ વર્કર અને 9 વીબીડી સહિત કુલ 158 સ્ટાફ કામે લાગી ગયો છે.
દરમિયાન આજે વોર્ડ નં.11માં નાનામવા રોડ પર ડેન્ગ્યૂનો પોઝીટીવ કેસ મળી આવતા આરોગ્ય શાખામાં દોડધામ મચી જવા પામી છે.
વોર્ડ નં.11માં શાસ્ત્રીનગર અજમેરા, નાનામોવા ખાતે ડેન્ગ્યૂ પોઝિટીવ કેસ મળી આવતા નાયબ આરોગ્ય અધિકારી પી.પી. રાઠોડના માર્ગદર્શન હેઠળ પોરાનાશક, ફોગીંગ તથા આરોગ્ય શિક્ષણની કામગીરી કરવામાં આવી છે. આ કામગીરી હેઠળ 153 ઘરોમાં લોકોના ઘરોની અંદર પાણી ભરવાના તમામ પાત્રો ચકાસીને દવા છંટકાવની કામગીરી, પોઝિટીવ પાત્રોને નાશ કરાવવાની કામગીરી, ઇન્ડોર ફોગીંગ, ખાડામાં દવા છંટકાવની કામગીરી, મોટા પાણીના પાત્રોમાં પોરાભક્ષક માછલી મુકવાની કામગીરી તથા લોકોને પોરાના જીવંત નિદર્શન દવા જનજાગૃત્તિની કામગીરી હાથ ધરવામાં આવેલ છે.
ટાયર, છોડના કુંડા, પક્ષીકુંજ, વોટર કૂલર , ખાલી પ્લાસ્ટીક બોટલ, પ્લાસ્ટિકની ખુરશી વિગેરેમાં જમા રહેલ પાણીમાં પોરા મળી આવતા 12 ઘરોમાં નોટીસ આપવામાં આવેલ છે.