કોઠારીયામાં સરકારી જમીન ઉપર ખડકાયેલા દબાણ હટાવી પ્રાંત ચરણસિંહ ગોહિલે ભુમાફિયાઓ સામે જંગ છેડયો છે. જેમાં 17 કરોડની સરકારી જમીન ઉપર ખડાયેલા 5 કરોડના બાંધકામનો કડુસલો બોલવાયો છે. આ ડીમોલિશનને પગલે યુએલસીની ફાજલ થયેલી 5000થી વધુ ચો. મી. જમીન ઉપર ગેરકાયદે 29 શેડ ખડકી દઇ 50 કરોડનો વેપલો કરવાનું કારસ્તાન નિષ્ફળ નીવડ્યું છે.રાજય સરકારની વખતો વખતની સૂચના છે કે સરકારી જમીન પર થતા ગેરકાયદેસર દબાણો તાત્કાલીક ધોરણે શોધી દૂર કરવા.
જે અંતર્ગત જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુની સૂચના મુજબ પ્રાથમિક સર્વે હાથ ધરી ડિમોલીશન આયોજન કરવા સૂચના મળતા પ્રાંત અધિકારી રાજકોટ શહરે-2 ચરણસિંહ ગોહિલની સીધી દેખરેખ હેઠળ તાલુકા મામલતદાર કે.એમ. કથીરીયાની ટીમ દ્વારા પોલીસ તંત્ર, કોર્પોરેશનના સહયોગથી દબાણો દૂર કરવા મેગા ડીમોલીશન ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી જે મુજબ કોઠારીયાની 5245 ચો.મી. જમીન પર બનેલા અંદાજીત 30 થી વધુ ઔદ્યોગિક શેડ તોડી પાડી અંદાજીત 17 કરોડથી વધુ કિંમતની જમીન પરનું અંદાજીત 5 કરોડ રૂપીયાનું બાંધકામ તોડી પાડવામા આવ્યું છે.
રાજકોટના કોઠારીયા ગામનાં સરકારી ખરાબાના સર્વે. 352 પૈની જમીનમાં રાજકોટ તાલુકાના કોઠારીયા ગામની યુ.એલ.સી. ફાજલ જમીન સ.નં. 262 પૈકીની જમીન આશરે 5245 ચો.મી. પૈકી જમીનોમાં 29 જેટલા શેડોનું બાંધકામ કરવામાં આવેલ જેની બજાર કિંમત આશરે 50 કરોડ જેટલી થવા જાય છે.
જેનું આજરોજ મેગા ડીમોલેશન કરી બાંધકામ દૂર કરવામાં આવેલ છે.
આ ડીમોલીશનમાં કલેકટરેની સુચનાથી ચરણસિંહ ગોહિલ, પ્રાંત અધિકારી રાજકોટ શહેર-2ની સીધી દેખરેખ હેઠળ તાલુકા મામલતદાર કથીરીયા તથા સર્કલ ઓફીસર દેકાવાડીયા, વસાણીભાઈ, મહેન્દ્રસિંહ તથા રેવન્યુ તલાટીઓ, હાંસલીયાભાઈ, પવનભાઈ, પુરોહિતભાઈ, જેસડીયાભાઈ, વસીલભાઈ, ડી.આર. ઝાલા, કવિતાબેન તથા પાયલની સમગ્ર ટીમ તેમજ આજીડેમ પોલીસ સ્ટેશનની ટીમ, ડી.આઈ. એલ. આર.ની ટીમ, રાજકોટ મહાનગરપાલીકા તથા ફાયર બિગ્રેડની ટીમ જોડાઈ હતી.
શહેરના તમામ વિસ્તારોમાં સરકારી જમીનોમાં ગેરકાયદે બાંધકામ તોડી પાડવા તંત્ર સજ્જ: ચરણસિંહ ગોહિલ
રાજકોટ સીટી-2 પ્રાંત ચરણસિંહ ગોહિલે કહ્યું હતું કે, હાલ કોઠારીયામાં મેગા ડિમોલિશન પ્રક્રિયા હાથ ધરીને રૂ. 17 કરોડની સરકારી યુ.એલ.સી.ની જગ્યા ખુલ્લી કરવામાં આવી છે. રાજકોટ શહેરની સરકારી જમીનોમાં ગેરકાયદે ખડકાયેલા બાંધકામો તોડી પાડવા તંત્ર દ્વારા પ્રક્રિયા હાથ ધરી દેવામાં આવી છે. હાલ શહેરના વિવિધ વિસ્તારોમાં આ પ્રકારના ગેરકાયદે બાંધકામના આઇડેન્ટિફિકેશનની પ્રક્રિયા ચાલુ છે.
આઇડેન્ટિફિકેશન પ્રક્રિયા બાદ તબક્કાવાર ડીમોલીશન હાથ ધરીને સરકારી જમીનો ખુલ્લી કરવામાં આવશે તેવું ચરણસિંહે કહ્યું હતું. તેમણે વિગતવાર કહ્યું હતું કે, રાજકોટ જિલ્લા કલેકટર દ્વારા પણ આ મામલે કડક વલણ અપનાવવા આદેશો આપવામાં આવ્યા છે. સરકારી જમીનમાં દબાણ કરનારાઓ વિરુદ્ધ પુરાવા એકત્ર કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
શેડમાં વીજ કનેક્શન પણ હતા : વીજતંત્ર પણ ફુટેલું નીકળ્યું!!
કોઠારીયામાં સરકારી જમીન ઉપર દબાણ ખડકીને તેમાં શેડ બનાવવામાં આવ્યા હતા. જો કે આશ્ચર્યની વાત તો એ હતી કે આ શેડમાં વીજ કનેક્શન પણ હતા. એક સામાન્ય માણસને વીજ કનેક્શન લેવા માટે એક મહિના સુધી ધક્કે ચડાવતા વીજ તંત્રને એવી તો શું મજબૂરી હશે કે દબાણવાળી જગ્યામાં વીજ કનેક્શન આપવા પડ્યા ? જો કે આ બનાવથી એવી પણ ચર્ચા જાગી છે કે વીજ તંત્ર પણ ફૂટેલુ છે. આ દબાણકર્તાઓએ તેઓને રાજી કર્યા હોય તો જ ત્યાં કનેક્શન લાગી શકે. જો કે બીજી તરફ એવી પણ ચર્ચા ઉઠી છે કે દર વખતની જેમ આ વખતે પણ દબાણમાં કઈ રીતે વીજ કનેક્શન લાગવા દેવાયું તેની વીજતંત્ર કોઈ તપાસ કરવાનું નથી.
સરકારી જમીન પચાવનાર વિરુદ્ધ એન્ટી લેન્ડ ગ્રેબિંગ એકટ વિરુદ્ધ ફરિયાદ નોંધાશે
કોઠારીયાની સરકારી જમીન પર ગેરકાયદે ખડકી દેવાયેલા ઇન્ડસ્ટ્રીલ શેડ પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. જેમાં હાલ બે વ્યક્તિઓના નામ પ્રકાશમાં આવ્યાનું ચરણસિંહે જણાવ્યું હતું. વહીવટી તંત્ર દ્વારા આ પ્રકરણમાં વિજબીલ સહિતના પુરાવાઓ હસ્તગત કરીને નિવેદનો નોંધવાની પ્રક્રિયા ચાલુ છે. ટૂંક સમયમાં ફોજદારી ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ચરણસિંહ ગોહિલે વધુમાં જણાવ્યું હતું કે, જિલ્લા કલેકટરની સૂચના અને માર્ગદર્શન હેઠળ કાયદેસરની પ્રક્રિયા કરવામાં આવશે. સમગ્ર પ્રકરણમાં સરકારી જમીન પચાવી રૂ. 50 કરોડનો લાભ મેળવવા પ્રયત્નશીલ ઈસમો વિરુદ્ધ એન્ટી લેન્ડ ગ્રેબિંગ એકટ જિલ્લા કલેકટર પગલાં લ્યે તો પણ નવાઈ નહીં.