65.430 ગ્રામ ફાઇન સોનામાંથી ઘરેણા બનાવવા આપેલું સોનું લઇ બંગાળી શખ્સ ભાગી ગયો
અબતક,રાજકોટ
શહેરના સોની વેપારીઓ સોનાના ઘરેણા બનાવવાની સસ્તી મજુરીની લાલચથી બંગાળી કારીગર પાસે કામ કરાવતા હોય છે. બંગાળી કારીગરો અવાર નવાર વેપારીનું લાખોની કિંમતનું સોનું લઇ પશ્ર્ચિમ બંગાળ ભાગી જતા હોય છે. શહેરના વધુ એક સોની વેપારીનું રૂા.28.36 લાખની કિંમતનું 65.430 ગ્રામ ફાઇન સોનું લઇ ભાગી ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ સાધુવાસવાણી રોડ પર ગોપાલ ચોકમાં કોપર હાઇટસમાં રહેતા અને ભૂપેન્દ્ર રોડ પર મોર્નાક કોમ્પ્લેક્ષમાં બંસી જવેલસ નામનો સોનાના ઘરેણાનો શો રૂમ ધરાવતા સંજયભાઇ હિમતભાઇ ધકાણે મુળ પશ્ર્ચિમ બંગાળના હુંબલી નજીક દક્ષિણપરાના વતની અને રાજકોટમાં પેલેસ રોડ પર અમર પ્લાઝા કોમ્પ્લેક્ષના ચોથા માળે સોનાના ઘરેણા બનાવવાની મજુરી કામ કરતા રોબીલ હુસૈન શેખ સામે રૂા.28.36 લાખની કિંમતનું 65.430 ગ્રામ સોનાના ઘરેણા બનાવવા આપ્યા બાદ ઘરેણા ન બનાવી સોનું લઇ ભાગી ગયાની એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
રોબીલ શેખ ઘણા સમયથી રાજકોટમાં સ્થાયી થઇ સોની વેપારી પાસેથી ફાઇન સોનું લઇ ઘરેણા બનાવતો હોવાથી તેના પર વિશ્ર્વાસ કરીને ગત એપ્રિલ માસમાં રૂા.28.36 લાખની કિંમતના ફાઇન સોનામાંથી ઘરેણા બનાવવા 65.430 ગ્રામ સોનું આપ્યું હતું. રોબીન શેખ ગત તા.1 એપ્રિલના રોજ પોતાની અમર કોમ્પ્લેક્ષની દુકાનને તાળુ મારી ભાગી ગયાનું ફરિયાદમાં જણાવ્યું છે. પી.એસ.આઇ. જે.ડી.વસાવાએ હુબલીના રોબીલ શેખ સામે રૂા.28.36 લાખની છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ હાથધરી છે.