- કાગદડી ગામનો યુવક પ્રસંગમાં બેભાન હાલતમાં ઢળી પડતાં મુત્યુ
ગોંડલ રોડ પર વાવડીમાં મહમદીબાગ પાસે રહેતો 13 વર્ષનો બાળક મિત્રો સાથે દડે રમતો હતો ત્યારે અચાનક ઢળી પડતા મોત નીપજ્યું હતું જયારે બીજા બનાવમાં નવાગામમાં રહેતા 37 વર્ષીય યુવાન કાગદડી ગામે મિત્રના પુત્રના માંડવામાં બેભાન થઇ પડી જતા મૃત્યુ નીપજ્યું હતું.
પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટના ગોંડલ રોડ પર મહમદીબાગ પાસે રહેતા રજાકભાઈ નકાણીનો પુત્ર રેનીસ (ઉ.વ.14)નો ગઈકાલે સાંજે સાતેક વાગ્યે ઘર પાસે શેરીના છોકરાઓ સાથે ક્રિકેટ રમતો હતો, ત્યારે અચાનક બેસી ગયો હતો અને પોતાને દુ:ખાવો થતો હોવાની ફરિયાદ સાથે ઢળી પડતા દેકારો થતાં વિસ્તારવાસીઓ અને પરિવારજનો સહિતના દોડી આવ્યા હતા અને 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કરતા પરિવારમાં ઘેરો આક્રંદ સર્જાયો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના તોફિકભાઈએ તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલ પહોંચી જરૂરી કાગળો કર્યા હતા.
મૃતક રેનીસ ત્રણ નંબરે હતો અને ધો.8માં અભ્યાસ કરતો હતો. પિતા રજાકભાઈ ડ્રાઇવિંગનું કામ કરે છે. બાળકનું મોત ક્યાં કારણથી થયું છે એ ચોક્કસ જાણવા માટે સિવિલમાં તબીબએ વિશેરા લીધા છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ કારણ જાણી શકાશે. માસુમ પુત્રના મોતથી પરિવારમાં માતમ છવાયો છે.
જ્યારે નવાગામ સાત હનુમાન પાસે રહેતા અને રીક્ષા હંકારતા મનોજ નાગજીભાઈ બાવળીયા નામના 37 વર્ષીય યુવાન ગઈકાલે રાત્રે કાગદડી ગામે હરેશભાઈની વાડી હતા, ત્યારે અચાનક બેભાન થઇ પડી જતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા માત્ર નિષ્પ્રાણ દેહ પહોંચ્યો હતો. મૃતક ચાર ભાઈ ત્રણ બહેનમાં નાના હતા. સંતાનમાં એક પુત્ર પુત્રી છે. પરિવારજનોના કહેવા મુજબ કાગદડી ગામે મનોજભાઈના મિત્ર બાબુભાઈના પુત્રના લગ્ન હોવાથી માંડવાના પ્રસંગમાં ગયા હતા અને આજે સવારે કેશોદ જાન જવાની હતી. એ પહેલા જ હાર્ટ બેસી જતા બનાવ બન્યો હતો. બનાવના પગલે કુવાડવા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. યુવકના મોતથી પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.