વૈકલ્પિક વ્યવસ્થા કર્યા બાદ જ ટીપીનો રોડ પહોળો કરવા માટે ડિમોલીશનની કામગીરી હાથ ધરવાની અસરગ્રસ્તોની માંગણી
રાજકોટ મહાનગર પાલિકાની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા શહેરના વોર્ડ નં.13માં ટીપી સ્કીમ નં.13 (કોઠારીયા)માં અલગ અલગ ટીપીના રોડ પહોળા કરવા માટે ખોડીયારપરા વિસ્તારમાં રોડ પર ગેરકાયદે ખડકાયેલા 83 મકાનો તોડી પાડવા માટે એક વર્ષ અગાઉ નોટિસ આપવામાં આવી હતી. દરમિયાન તાજેતરમાં જ મકાન ખાલી કરવામાં નહીં આવે તો ડિમોલીશન હાથ ધરવામાં આવશે તેવું અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું દરમિયાન અસરગ્રસ્તોનું ટોળુ આજે બપોરે કોર્પોરેશન કચેરીએ ધસી આવ્યું હતું અને જ્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા ન કરવામાં આવે ત્યાં સુધી ડિમોલીશનની કામગીરી મોકુફ રાખવામાં આવે તેવા મતલબની રજૂઆત મેયર ડો.પ્રદિપ ડવ સમક્ષ કરવામાં આવી હતી.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ વોર્ડ નં.13માં ટીપી સ્કીમ નં.13 (કોઠારીયા)માં 7.5 મીટર, 12 મીટર અને 15 મીટરના ટીપી રોડને ખુલ્લા કરાવવા માટે રોડ પર ખડકાયેલા 83 જેટલા દબાણો દૂર કરવા માટે આજથી એક વર્ષ પૂર્વે ડિમોલીશનની નોટિસ આપવામાં આવી હતી. દરમિયાન લોકડાઉન અને કોરોનાકાળમાં ડિમોલીશનની કામગીરી થઈ શકી ન હતી. તાજેતરમાં ટીપી સ્કીમ દ્વારા આગામી મંગળવાર સુધીમાં દબાણકર્તાને મકાનો ખાલી કરી દેવા માટેનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. જો મકાનો ખાલી નહીં કરે તો ડિમોલીશન હાથ ધરવામાં આવશે તેવી ચીમકી આપતા આજે બપોરે અસરગ્રસ્તોનું ટોળુ કોર્પોરેશન કચેરીએ ધસી આવ્યું હતું.
તેઓએ મેયર ડો.પ્રદિપ ડવ સમક્ષ રજૂઆત કરતા જણાવ્યું હતું કે, એક વર્ષ પૂર્વે જ્યારે ડિમોલીશન માટેની નોટિસ મળી ત્યારે તત્કાલીન મેયર બિનાબેન આચાર્ય અને મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલને રજૂઆત કરવામાં આવી હતી. હાલ ચોમાસાની સીઝન ચાલી રહી છે ત્યારે નિયમ મુજબ ડિમોલીશન કરી શકાતું નથી. વૈકલ્પિક વ્યવસ્થા કર્યા બાદ જ ડિમોલીશન કરવા તેઓએ રજૂઆત કરી હતી. દરમિયાન મેયરે પણ યોગ્ય કરવાની ખાતરી આપી હતી.