જીનિયસ ગ્રુપ ઓફ ઇન્સટીટયુશન્સની જીનિયસ સ્કૂલ અને જય ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા રાજકોટ મ્યુનિસીપલ કોર્પોરેશન, રાજકોટ ડિસ્ટ્રીક્ટ સ્વિમિંગ એસો. અને ગુજરાત સ્વિમિંગ એસો.ના સહયોગથી આગામી તા.21 થી 24 જાન્યુઆરી દરમિયાન રાજકોટના આંગણે પ્રથમવાર સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકેન્ડરી એજયુકેશન (સી. બી. એસ. ઈ.) સ્વિમિંગ ચેમ્પિયનશીપનું ભવ્ય આયોજન સરદાર પટેલ સ્વિમિંગ પૂલ ખાતે થવા જઈ રહ્યું છે. જેમાં દેશ-વિદેશની સી.બી.એસ.ઇ ની શાળાઓમાં અભ્યાસ કરતાં 700 થી વધુ વિધાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ ભાગ લેવા જઈ રહ્યા છે. જે રાજકોટ શહેર માટે ખુબ ગૌરવની બાબત છે.
આરએમસી, રાજકોટ ડિસ્ટ્રીક્ટ સ્વીમીંગ એસો. અને રાજ્ય સ્વીમીંગ એસો.ના સહયોગથી 21મીથી ચાર દિવસ સરદાર પટેલ સ્વિમિંગ પુલ ખાતે નેશનલ લેવલની તરણ સ્પર્ધા યોજાશે
આ અંગે વધુ માહિતી આપતા જીનિયસ ગ્રુપના ચેરમેન અને નેશનલ સ્વિમિંગ ચેમ્પીયનશીપ ઇવેન્ટના પણ ચેરમેન ડી. વી. મહેતાએ જણાવ્યું છે કે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેક્ધડરી એજયુકેશન દ્વારા દર વર્ષે જુદી-જુદી રમતોના કલસ્ટર લેવલથી લઈને રાષ્ટ્રીય કક્ષા સુધીની સ્પર્ધાઓ અને ચેમ્પીયનશીપના આયોજન થતા હોય છે. આ વખતે નેશનલ લેવલની સી.બી.એસ.ઇ સ્વિમિંગ ચેમ્પિયનશીપનું પ્રથમ વખત આયોજન કરવાનું સૌભાગ્ય રાજકોટને પ્રાપ્ત થયું છે. જે માટે રાજકોટની જીનિયસ સ્કૂલ અને જય ઇન્ટરનેશનલ સ્કૂલના યજમાન પદે સમગ્ર આયોજન કરવાનો અવસર પ્રાપ્ત થયો છે.
સમગ્ર ભારત અને 20 થી વધુ દેશોમાંથી સીબીએસઇ શાળાનાં 700થી વધુ તરવૈયા રાજકોટ આવશે: રાજ્યકક્ષાના મંત્રી, ધારાસભ્યોની ઉપસ્થિતિમાં 21મીએ સ્પર્ધાનું ઉદ્ઘાટન
રાજકોટમાં પ્રથમ વખત આટલા વિશાળ પાયે યોજાનાર સ્વિમિંગ ચેમ્પિયનશીપ દર્શાવે છે કે સૌરાષ્ટ્રની રાજધાની રાજકોટમાં પણ હવે રમત-ગમતમાં રસ દાખવતા ખેલૈયાઓ માટે ખુબ સારા આયોજનો થઈ રહ્યા છે. તા.21 થી 24 જાન્યુઆરી દરમિયાન શ્રી સરદાર પટેલ સ્વિમિંગ પૂલ ખાતે યોજાનાર આ સ્વિમિંગ ચેમ્પિયનશીપમાં ભારતના જ નહી પરંતુ સી.બી.એસ.ઇ બોર્ડ સંચાલીત શાળાઓ જે આફ્રીકન અને ગલ્ફ દેશોમાં છે ત્યાંથી પણ આંતરરાષ્ટ્રીય કક્ષાના અન્ડર 11, અન્ડર 14, અન્ડર 17 અને અન્ડર 19 વયજુથના 700 થી વધુ તરવૈયાઓ રાજકોટના આંગણે આવશે અને તેમની પ્રતિભાઓનું પ્રદર્શન કરશે. આ ઈવેન્ટના આયોજનમાં રાજકોટ મ્યુનિસીપલ કોર્પોરેશન, રાજકોટ ડિસ્ટ્રીક્ટ સ્વિમિંગ એસો. અને ગુજરાત સ્વિમિંગ એસો.નો ખુબ સારો સહયોગ સાંપડયો છે.
આ સ્વિમિંગ ચેમ્પિયનશીપનું ઉદ્ઘાટન તા. 21 જાન્યુઆરીના રોજ સાંજે 04:00 કલાકે રાજયની કેબિનેટના સામાજીક ન્યાય અને અધિકારીતા – મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયા દ્વારા રાજકોટના તમામ ધારસભ્યો ડો. દર્શિતાબેન શાહ, રમેશભાઇ ટીલાળા, ઉદયભાઇ કાનગડ, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશાનના મેયર ડો.પ્રદિપભાઇ ડવ, સહિતના મહાનુભાવો ભવ્ય ઉદ્દઘાટન સમારંભમાં હાજર રહી પ્રતિયોગીઓનો ઉત્સાહ વધારશે.
શહેરની 25થી વધુ હોસ્ટેલમાં સ્પર્ધકોને રહેવા-જમવાની સુવિધા
સ્પર્ધામાં ભાગ લેવા આવનાર ખેલૈયાઓની રહેવા, જમવા અને ટ્રાન્સ્પોર્ટેશનની તમામ વ્યવસ્થા જીનિયસ ગૃપ દ્વારા કરવામાં આવી છે. રાજકોટની 25થી વધુ હોસ્ટેલમાં સ્પર્ધકો રહી શકશે. આરએમસી તેમનો સ્વિમિંગ પુલ, લાઇફ ગાર્ડ, ફાયર બ્રિગેડ વગેરેની સવલતો પુરી પાડશે. ઉપરાંત સમગ્ર રાજ્ય દેશના વિવિધ ભાગોમાંથી ટેકનીકલ પર્સન, કોચ તેમજ મેનેજર તેમના સ્પર્ધકો માટે ખાસ ઉપસ્થિત રહેશે. સ્વીમીંગ સ્પર્ધાનું ઉદ્ઘાટન 21મી જાન્યુઆરીએ સાંજે ચાર કલાકે કેબીનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, ધારાસભ્ય દર્શિતાબેન, રમેશભાઇ, ઉદયભાઇ તેમજ મેયર ડો.પ્રદિપ ડવ, સ્ટે.કમીટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ સહિતનાઓ ઉપસ્થિત રહેશે.