સ્ટેન્ડિંગ કમીટીની બેઠકમાં તમામ 22 દરખાસ્તોને બહાલી: રૂા.54.76 કરોડના વિકાસ કામોને મંજૂરીની મહોર

રાજકોટ મહાનગરપાલિકામાં આજે બપોરે મળેલી સ્ટેન્ડિંગ કમીટીની બેઠકમાં તમામ 22 દરખાસ્તોને મંજૂરીની મહોર મારી રૂા.54.76 કરોડના વિકાસ કામોને બહાલી આપવામાં આવી હતી. ફરી એક વખત ડ્રેનેજ ફરિયાદ નિકાલનો કોન્ટ્રાકટ તગડી ઓન સાથે આપી દેવામાં આવ્યો છે. ન્યુ રાજકોટમાં પાણી વિતરણ વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવા માટે ન્યારી-1 ડેમથી રૈયાધાર પમ્પીંગ સ્ટેશન સુધી 11 કિ.મી.ના વિસ્તારમાં પાણીની પાઈપલાઈન નાખવા માટે રૂા.43.30 કરોડનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત વોર્ડ નં.6માં નિર્માણાધીન લાઈબ્રેરી બિલ્ડીંગમાં ફર્નીચર અને સંલગ્ન ઈન્ટીરીયર કામગીરી માટે પણ રૂા.3.36 કરોડનો ખર્ચ મંજૂર કરાયો છે.

આ અંગે વધુ માહિતી આપતા સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલે જણાવ્યું હતું કે, આજે મળેલી સ્ટેન્ડિંગ કમીટીની બેઠકમાં તમામ દરખાસ્તોને બહાલી આપવામાં આવી છે. શહેરના વોર્ડ નં.2 અને 3માં ભુગર્ભ ગટરની ફરિયાદ નિકાલનો કોન્ટ્રાકટ ખુશ્બુ ક્ધટ્રકશન નામની એજન્સીને 33.30 ટકા ઓન સાથે આપવામાં આવ્યો છે. આ માટે રૂા.37.81 લાખ મંજૂર કરવામાં આવ્યું છે. ગત વર્ષે આ બન્ને વોર્ડમાં ભૂગર્ભ ગટરની 52751 ફરિયાદ નોંધાઈ હતી. ગત વર્ષે આ જ એજન્સીને ફરિયાદ નિકાલનો કોન્ટ્રાકટ 39 ટકા ઓન સાથે રૂા.42.70 લાખમાં આપવામાં આવ્યો હતો.

આ ઉપરાંત વોર્ડ નં.6માં ભુગર્ભ ગટરની નિકાલનો કોન્ટ્રાકટ નાથાણી ક્ધટ્રકશન નામની એજન્સીને ભાવો-ભાવ આપવામાં આવ્યો છે. આ માટે રૂા.14.20 લાખ મંજૂર કરાયા છે. ગત વર્ષે આ જ એજન્સી પાસે વોર્ડનો કોન્ટ્રાકટ હતો અને 19 ટકા જેવી ઓન ચૂકવવામાં આવી હતી. ગત વર્ષે વોર્ડ નં.6માં ભુગર્ભ ગટરની 14892 ફરિયાદ નોંધાઈ હતી.

તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, 2 વર્ષ માટે ઝોનલ વાલ્વ ઓપરેટીંગનો કોન્ટ્રાકટ આપવા 2.83 કરોડનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. વોર્ડ નં.1,9 અને 10માં વાલ્વ ઓપરેટીંગનો કોન્ટ્રાકટ આપવા માટે રિ-ટેન્ડરીંગ કરવાનો નિર્ણય લેવાયો છે. ન્યારી-1 ડેમથી રૈયાધાર ફિલ્ટર પ્લાન્ટ સુધી 11 કિ.મી.ના વિસ્તારમાં 1219 મીમી વ્યાસની 3 એલપી કોટીંગવાળી એમએસ પાઈપ લાઈન નાખવા માટે રૂા.43.30 કરોડનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે.

જ્યારે વોર્ડ નં.6માં મોરબી રોડ પર બની રહેલી લાઈબ્રેરીમાં ફર્નીચર કામ માટે રૂા.3.36 કરોડના ખર્ચ મંજૂરીની દરખાસ્તને બહાલી આપવામાં આવી છે. પ્રદ્યુમન પાર્કમાં પ્રાણી અને પક્ષી માટે ખોરાક પુરો પાડવાનો કોન્ટ્રાકટ આપવા રૂા.31.75 લાખ મંજૂર કરાયા છે. ભંગાર વેંચાણ અને રેસકોર્સ સ્થિત માધવરાવ સિંધીયામાં સિમેન્ટ વિકેટ વિમેન્સ ક્રિકેટ એકેડેમીને 1 વર્ષ માટે ફાળવવા અંગે નિર્ણય લેવાતા રૂા.55.80 લાખની આવક થવા પામશે.

ઓડિટ રિપોર્ટમાં રૂા.5.55 લાખના ઓવર પેમેન્ટનો ગફલો

કોર્પોરેશનમાં આજે મળેલી સ્ટેન્ડિંગ કમીટીની બેઠકમાં ધી જીપીએમસી એકટની કલમ 105ની જોગવાઈ હેઠળ તા.1-4-2021 થી તા.30-6-2021 સુધીના સમયગાળાના ત્રિ-વાર્ષિક ઓડિટ અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં 5.55 લાખના ઓવર પેમેન્ટનો ગફલો સામે આવ્યો છે. જ્યારે રૂા.7475નું અંડર પેમેન્ટ અટકાવાયું છે. સોલીડ વેસ્ટ શાખામાં રૂા.4.14 લાખનું ઓવરપેમેન્ટ, બાંધકામ શાખામાં રૂા.82786નું ગાર્ડન શાખામાં રૂા.40337નું ડ્રેનેજ શાખામાં રૂા.15379 અને વોટર વર્કસ શાખામાં રૂા.2110નું ઓવર પેમેન્ટ થયાનું રિપોર્ટમાં માલુમ પડ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.