જરૂર જણાશે તો નાના મવા અને પ્રદ્યુમન પાર્ક વિસ્તારમાં એનિમલ હોસ્ટેલ બનાવવાની ગણતરી
રાજમાર્ગો પર રખડતા-ભટકતા ઢોરની સમસ્યા હલ કરવા માટે ગંભીરતાથી કામગીરી કરવા માટે હાઇકોર્ટ દ્વારા રાજ્ય સરકારને કરવામાં આવેલી કડક તાકીદ બાદ રાજ્યભરમાં વહીવટી તંત્ર હરકતમાં આવી ગયું છે. શહેરમાં રાત-દિવસ ઢોર પકડવાની કામગીરી ચાલુ રાખવા માટે કોર્પોરેશને 6 ટીમો બનાવી હોવાનું જાણવા મળી રહ્યું છે. હવે દિવસે તો ઠીક રાત્રે પણ ઢોર પકડવાની કામગીરી શરૂ કરવામાં આવશે.
દિવસ દરમિયાન અલગ-અલગ બે શિફ્ટમાં ચાર ટીમો દ્વારા રસ્તે રઝળતા ઢોર પકડવામાં આવશે. જ્યારે રાત્રે પણ આ કામગીરી ચાલુ રહે તે માટે બે વધારાની ટીમો બનાવવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલ કોર્પોરેશનના 80 ફૂટ રોડ પર આવેલા ઢોર ડબ્બામાં 1300 જેટલા પશુઓ સચવાય તેવી વ્યવસ્થા છે. જ્યારે રોણકી એનિમલ હોસ્ટેલ ખાતે 700 ઢોર રહે તેટલી જગ્યા છે.
રાજ્ય સરકાર દ્વારા રેઢીયાળ પશુઓને સચાવવા માટેની જવાબદારી લેવામાં આવી હોય આગામી દિવસોમાં પશુઓની સંખ્યા વધે તેવી પ્રબળ સંભાવના જણાઇ રહી છે. આવામાં નાના મવા વિસ્તારમાં ગાર્બેજ સ્ટેશનની બાજુમાં આવેલા કોર્પોરેશનના પ્લોટ ઉપરાંત પ્રદ્યુમન પાર્ક વિસ્તારમાં આવેલા કોર્પોરેશનના પ્લોટ પર વધારાની હંગામી એનિમલ હોસ્ટેલ બનાવવાની પણ વિચારણા ચાલુ કરવામાં આવી છે.