ઇન્ડિયન મેડિકલ એસોસિએશને આપેલા સુચનોનું દરેક શાળાઓએ ચુસ્તપણે પાલન કરવા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળની અપીલ
રાજકોટ શહેરની સ્કૂલોમાં કોરોનાની એન્ટ્રી થયા બાદ જિલ્લા શિક્ષણ અધિકારી જાગૃત થયા છે અને સ્કૂલોમાં ચેકિંગ માટે ટીમો બનાવી છે. રાજકોટની સ્કૂલોમાં કોરોનાની એન્ટ્રી થતા શનિવારે કલેક્ટર તંત્ર દ્વારા આરોગ્ય વિભાગ અને શિક્ષણ વિભાગને કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી.
જેના ભાગરૂપે આજે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા અલગ અલગ 6 ટીમો બનાવી રાજકોટની 25 શાળાઓમાં ભૂલકાઓને કોરોનામ જાગૃતિ લાવવા માટે માર્ગદર્શન આપ્યું હતું અને ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.ચેકિંગમાં સબ સલામતના દાવો કરવામાં આવ્યો હતો.
સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા દરેક શાળામાં કોવિડ કેર કમિટીની રચના કરાઈ
ડી.વી.મેહતાએ જણાવ્યું હતું કે, કોરોનાના વધતા કેસ અને ઓમિક્રોનની દહેશત વચ્ચે રાજકોટમાં વિદ્યાર્થીઓ અને શિક્ષક સંક્રમિત થતા રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા બેઠક બોલાવી રાજકોટમાં કોવિડ કેર કમિટી બનાવવા નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં સંચાલક, વાલી, ડોક્ટર, અને આચાર્યનો સમાવેશ કરવામાં આવશે.
આ કમિટી દ્વારા અઠવાડિયામાં બે વખત ચેકીંગ કરવામાં આવશે અને તેનો રિપોર્ટ તૈયાર કરી મંડળને સુપ્રત કરવામાં આવશે. થોડા સમય અગાઉ સંચાલક મંડળ અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન વચ્ચે બેઠક મળી હતી. આ બેઠક દરમિયાન કેટલાક સૂચનો કરવામાં આવ્યા હતા જેનું પાલન પણ કરવામાં આવી રહ્યું છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, એક સમયે IMA દ્વારા પ્રાથમિક સ્કૂલો બંધ કરવા સૂચન કરાયું હતું જેની સામે સાયન્ટિફિક કારણ હોય અને સરકાર નિર્ણય કરશે તો તે આવકારી સ્કૂલ બંધ કરવામાં આવશે પરંતુ સ્કૂલ બંધ કરવી એ વિકલ્પ નથી પ્રિકોશન્સ મહત્વના છે. કારણ કે પ્રાથમિક વિદ્યાર્થીઓમાં એક મહિના દરમિયાન લર્નિંગ લોસ ખુબ મોટો જોવા મળ્યો છે.