અમૃત મહોત્સવના ઉપક્રમે રકતદાન સહિતના કાર્યક્રમોનું આયોજન
સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન અને 75 વર્ષ પૂર્ણ થતા તારીખ 22 થી 26 ડિસેમ્બર રાજકોટની મવડી ચોકડીથી અઢી કિલોમીટર દૂર મવડી – કણકોટ રોડ પર બનાવાયેલ સહજાનંદ નગરમાં ભવ્ય અમૃત મહોત્સવ યોજાનાર છે. તે પૂર્વે સમાજ ઉપયોગી વિવિધ કાર્યક્રમો થશે . જેમાં સર્વ જ્ઞાતિય સમૂહ લગ્ન તા.14 ડિસેમ્બર, બુધવારના રોજ સવારે 7:00 થી 12:30 વાગ્યા દરમિયાન સહજાનંદ નગરમાં જ ઉજવાશે.
જન્મથી મરણ સુધીના વિવિધ પ્રસંગોને આપણે ત્યાં સંસ્કારો સાથે સાંકળી લેવાયા છે. 16 સંસ્કાર આપણી પરંપરાનું આગવું અને વિલક્ષણ પાસુ છે. આ સંસ્કારમાં ’વિવાહ સંસ્કાર’ ને આપણી સંસ્કૃતિના જ્યોતિર્ધર એવા ઋષિમુનિઓએ “ધન્ય ગૃહસ્થાશ્રમ” કહી યશોગાન ગાયા છે. આ ગૃહસ્થાશ્રમ સ્ત્રી અને પુરુષ જીવનના ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચાર પુરુષાર્થની પ્રાપ્તિમાં એકબીજાના પૂરક , પ્રેરક, અને સહયોગી બની રહેવા પ્રતિજ્ઞાબદ્ધ થાય છે.
ચારે આશ્રમોમાં ગૃહસ્થાશ્રમ શ્રેષ્ઠ છે. કેમ જે સમગ્ર જીવ પ્રાણી માત્ર આ આશ્રમના સહારે જ જીવિત રહે છે. અને આ આશ્રમ જ અન્ય ત્રણ આશ્રમોનું પોષણ કરે છે.
આજકાલ સુખી સંપન્ન પરિવારો આ ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરવાની વિધિ એટલે કે લગ્ન વિધિ ખૂબ જ ધામધૂમથી કરતા હોય છે. મધ્યમ વર્ગીય પરિવારો પણ આ વિધિ સારી રીતે કરી શકે તેવા શુભ આશયથી સામાજિક સંસ્થાઓ અને દાનવીરો સમૂહ લગ્નના આયોજનો કરતા હોય છે. આવા સમૂહ લગ્નમાં ભાગ લેવાથી સમય અને સંપત્તિનો બચાવ થાય છે.
લગ્ન સમારોહના અધ્યક્ષવસંતભાઈ લીંબાસીયાના જણાવ્યા મુજબ સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાન છેલ્લા 75 વર્ષથી શૈક્ષણિક, સામાજિક, અને આધ્યાત્મિક સેવાની સરવાણી વહાવી રહી છે. 75 વર્ષ પૂર્ણ કરી જ્યારે ગુરુકુલ સંસ્થા અમૃતકાળમાં પ્રવેશી રહી છે ત્યારે ’અમૃત મહોત્સવ’ યોજાનાર છે. આ મહોત્સવના સામાજિક સેવાના ભાગરૂપે ગુરુકુલ દ્વારા તા. 14 ડિસેમ્બરે સર્વજ્ઞાતિય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. જેના યજમાન ગુરુકુલના ભૂતપૂર્વ વિદ્યાથીઓ યજમાન સુરતના મુકેશભાઈ મોતીસરીયા, હૈદરાબાદના શિવલાલભાઈ પટેલ આર્થિક સેવા સહયોગ આપી રહ્યા છે.
શ્રીપ્રભુ સ્વામીના કહ્યા અનુસાર આ પ્રસંગે 51 જેટલા નવયુગલો પ્રભુતામાં પગલાં પાડશે. જેમાં ક્ધયાઓને શુકનની વસ્તુઓ ઉપરાંત કબાટ, બેડ, ગાદલા, વાસણો વગેરેની ભેટ અપાશે. નવયુગોલોને ગુરુવર્ય શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામી અને મહંત સ્વામી દેવપ્રસાદદાસજી સ્વામી, ધર્મવલ્લભદાસજી સ્વામી તેમનું ગૃહસ્થ જીવન ખૂબ જ આત્મીયતા ભર્યું પસાર થાય એવા શુભ આશિષ પાઠવશે. આયોજનને સફળ કરવા ગુરુકુલના અગ્રગણ્ય હરિભક્તો વસંતભાઈ લીંબાસીયા, છગનભાઈ પાંભર, ભરતભાઈ કાથરોટીયા, વિજયભાઈ પનારા, લાલજીભાઈ તોરીવાળા, ભગવાનભાઈ કાકડીયા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.
આ સાથે વાપરવા છતાં ન ખૂટે, જે સંપત્તિ માણસને ઈશ્વરે મફતમાં આપેલી છે તેવી અમૂલ્ય દાનરૂપ રક્તદાન કેમ્પનું આયોજન સમૂહલગ્ન સાથે યોજાશે.