કોર્પોરેશને માત્ર 18 મીટરથી વધુ પહોળાઇ વાળા રસ્તાઓના ડેમેજની ઘોષણા કરી: અન્ય માર્ગોનું નુકશાન છુપાવ્યું

ગત સપ્તાહે શહેરમાં એક જ રાતમાં પડેલા 11 ઇંચ જેટલા વરસાદના કારણે રાજકોટના રાજમાર્ગોને ભારે નુકશાની થવા પામી છે. શહેરના તમામ 18 વોર્ડમાં 68.91 રનિંગ મીટરની લંબાઇ ધરાવતા 46,235 ચોરસ મીટર રસ્તાઓ તૂટ્યા છે. જો કે, સૌથી મોટી આશ્ર્ચયની વાતએ છે કે આજે કોર્પોરેશન દ્વારા વરસાદમાં તૂટેલા રસ્તાઓની ઘોષણા ચોક્કસ કરવામાં આવી છે પરંતુ 18 મીટર કે તેથી વધુ પહોળાઇ ધરાવતા રાજમાર્ગોને થયેલી નુકશાની જાહેર કરવામાં આવી છે. તેથી નાના માર્ગોને કેટલી નુકશાની તે જાહેર કરવામાં આવ્યું નથી. જે થોડુંક આશ્ર્ચય પમાડે છે.

ભારે વરસાદના કારણે શહેરના ઇસ્ટ ઝોન વિસ્તારમાં સૌથી વધુ 35.80 રનિંગ મીટરની લંબાઇ ધરાવતા 44,578 ચો.મી.ના રોડને નુકશાન થવા પામ્યું છે. જ્યારે વેસ્ટ ઝોનમાં 19.48 રનિંગ મીટરના 1176 ચો.મી. રસ્તામાં ભંગાણ પડ્યું છે. જ્યારે સેન્ટ્રલ ઝોનમાં 13.63 રનિંગ મીટરના 521 ચો.મી.ના રસ્તાઓ તૂટ્યા છે.

ભારે વરસાદમાં રસ્તાઓ તૂટવા પાછળના અલગ-અલગ કારણો પણ દર્શાવવામાં આવ્યા છે. વેસ્ટ ઝોનમાં અલગ-અલગ 14 રસ્તાઓને યુટીલીટી ડપના ક્રોસ ચરેડા, પાણીની પાઇપલાઇન નાંખવા માટે, પીજીવીસીએલ લાઇન નાંખવા માટે, ડ્રેનેજ લાઇન નાંખવા માટે સહિતના માટે રસ્તાઓ પર ખોદકામ કરવામાં આવ્યું હોવાના કારણે રસ્તાઓ તૂટ્યા છે.

જ્યારે સેન્ટ્રલ ઝોનમાં કુલ 13 રસ્તાઓ પર ગાબડાઓ પડ્યા છે.જેના કારણે માટે સંપૂર્ણપણે ભારે વરસાદ જવાબદાર છે. જ્યારે ઇસ્ટ ઝોનમાં સૌથી વધુ 23 રસ્તાઓને નુકશાન થયું છે. જેની પાછળ એવું કારણ આપવામાં આવ્યું છે કે અહીં ડ્રેનેજ અને પાણીની પાઇપલાઇન નાંખવા આવતી હોવાના કારણે રસ્તાઓ પહેલેથી જ થોડા ઘણા ડેમેજ હતા અને ભારે વરસાદમાં તેને નુકશાની થવા પામી છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.