કોર્પોરેશનની વેરા વસૂલાત શાખા દ્વારા આજે હાથ ધરવામાં આવેલી રિક્વરી ઝુંબેશ અંતર્ગત શહેરના અલગ-અલગ વિસ્તારોમાં બાકીદારોની 33 મિલકતો સીલ કરી દેવામાં આવી હતી. જ્યારે 54 મિલકતોને ટાંચ જપ્તીની નોટિસ આપવામાં આવી છે. બપોર સુધીમાં વેરા પેટે રૂ.47.31 લાખની વસૂલાત થવા પામી છે.
54 બાકીદારોની મિલકતોને ટાંચ જપ્તીની નોટિસ: 48.31 લાખની વસૂલાત
150 ફૂટ રીંગ રોડ પર જાસલ કોમ્પ્લેક્સમાં પાંચ મિલકત, વોર્ડ નં.6માં ગુરુકાળ કોમ્પ્લેક્સમાં ત્રણ મિલકત, ગોડાઉન રોડ પર એક મિલકત, મંગળા રોડ પર એક મિલકત, વોર્ડ નં.15માં કાંતી ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં બે મિલકત, મારૂતિ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ત્રણ મિલકત, મેઘાણી નગરમાં એક મિલકત, વોર્ડ નં.16માં ગોકુલ નગર મેઇન રોડ પર એક મિલકત અને વોર્ડ નં.17માં અટીકા વિસ્તારમાં બે મિલકત સહિત કુલ 33 મિલકતો સીલ કરવામાં આવી હતી.
સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં 13 મિલકતો સીલ કરાઇ છે. જ્યારે 23 મિલકતોને ટાંચ જપ્તીની નોટિસ આપવામાં આવતા 8.19 લાખની વસૂલાત થવા પામી છે. વેસ્ટ ઝોનમાં પાંચ મિલકતો સીલ કરવામાં આવી છે અને 17 મિલકતોને ટાંચ જપ્તીની નોટિસ આપવામાં આવતા 27.65 લાખની વસૂલાત થઇ છે. ઇસ્ટ ઝોનમાં 15 મિલકતો સીલ કરવામાં આવી છે અને 14 મિલકતોને ટાંચ જપ્તીની નોટિસ આપવામાં આવતા 11.47 લાખની વસૂલાત થવા પામી છે.