મોબાઇલ, ટીવી, જંકફૂડ સાથે આહારમાં લીલોતરી શાકનો અભાવનું મુખ્ય કારણ નિષ્ણાંતોનો ‘મત’
આજના યુગમાં આહાર અને ખોટી જીવનશૈલીને કારણે બધામાં નાની મોટી શારીરીક સમસ્યા જોવા મળી રહી છે ત્યારે મોબાઇલ તથા ટીવી જોવાને કારણે થતી આંખની તકલીફ ભયંકર રીતે વકરી રહી છે. શાળા આરોગ્ય તપાસણીમાં વિદ્યાર્થીઓમાં ઘણી ખામીઓ સાથે ઘણા મોટા રોગો પણ જોવા મળી રહ્યા છે. આંખ, કાન અને નાક સૌથી મહત્વના અંગો છે જો તેમાં કશી તકલીફ જોવા મળે તો સત્વરે નિદાન કરાવવું જરૂરી છે.
શહેરની વિરાણી હાઇસ્કૂલમાં કુલ 951 છાત્રોની આંખની તપાસમાં 330ને રીફર કરવામાં આવ્યા હતા એનો મતલબ કે તેમને આંખના નંબર છે. નાની વયમાં જોવા મળતી આ તકલીફનું મુખ્ય કારણ મોબાઇલ અને ટીવી સૌથી વધુ જવાબદાર છે.
નેત્રદીપ મેક્સિવિઝન દ્વારા આ વિનામૂલ્યે તપાસણીમાં 330 પૈકી એકમાં ત્રાસી આંખ અને એકમાં સામાન્ય 6 ડ્ઢ 6 વિઝન સામે 6 ડ્ઢ 48 નું ખામીવાળું વિઝન જોવા મળ્યું હતું. રીફર કરેલા તમામ વિદ્યાર્થીઓને આંખમાં ટીપા નાંખીને ફરી તપાસ કરીને પાકુ નિદાન કરવામાં આવશે.
જાણિતા ડો.સાયોવડીયાના માર્ગદર્શન તળે ‘ઓટ ટોમ’ ડોક્ટરે છાત્રોને અદ્યતન મશીન દ્વારા ચકાસણી કરી હતી. 951માંથી 330ને ખામી જોવા મળતા છાત્રોમાં 33 ટકાની ખામી જોવા મળી હતી. મોટાભાગના છાત્રોમાં આંખના નંબરની ખામી મુખ્યત્વે જોવા મળી હતી. તબીબ મોઇનુદ્ીન મહિડાએ ‘અબતક’ સાથેની વાતચિતમાં જણાવેલ છે કે આજના યુગમાં મોબાઇલનો વધુ પડતો ઉપયોગ, ટીવી જોવાનો અતીરેક સાથે જંકફૂડ અને આહારમાં લીલોતરી શાકનો અભાવ મુખ્યત્વે જોવા મળ્યો હતો. સંસ્થા દ્વારા 10 થી વધુ શાળામાં આ પ્રોજેક્ટ કરીને હજારો બાળકોની આંખોની તપાસ કરાયેલ હતી.
કોરોના કાળ દરમ્યાન બહુ જ નજીકથી ઓનલાઇન એજ્યુકેશન લેતા છાત્રોને પણ આ ખામી જોવા મળવાના કારણો હોય શકે છે. છાત્રોમાં નજીક અને દૂરનું જોવામાં તકલીફ વધુ પડતી હોવાનું આચાર્ય હરેન્દ્રસિંહ ડોડીયાએ ‘અબતક’ સાથેની વાતચિતમાં જણાવ્યું હતું.
આજના યુગમાં મોબાઇલનો અતીરેક આગામી દિવસોમાં આંખની તકલીફોમાં વધારો કરશે એ નક્કી છે. હાલમાં 33 ટકા જેટલું પ્રમાણ ભવિષ્યમાં સતત વધતું રહેતું હોવાથી મોટાભાગના વિદ્યાર્થીઓને ચશ્મા જોવા મળશે એ નક્કી છે. આંખોની સંભાળ બાબતે હવે સૌએ જાગૃત થવાની જરૂર છે. 42 વર્ષ પછી જનરલી જોવામાં પડતી તકલીફને ‘બેતાલા’ કહેવામાં આવે છે પણ જો થોડી તકેદારીને ખોરાકની પરેજી રાખીએ અને સંભાળ રાખીએ તો ઘણાને મોટી ઉંમરે પણ નંબર નથી આવતા તેમ નિદાન કમીટીનો મુખ્ય સુર હતો.