20 ફેબ્રુઆરી સુધી સવારની પ્રાથમિક, ગ્રાન્ટેડ, સરકારી શાળામાં સમય ફેરફાર અમલી રહેશે
છેલ્લા કેટલાય દિવસોથી રાજ્યમાં ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે. રંગીલા રાજકોટવાસીઓ વહેલી સવારે ગુલાબી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે ત્યારે દિવાળી બાદ બીજા શૈક્ષણિક સત્રની શરુઆત થયાના થોડા દિવસોમાં ઠંડીનો ચમકારો દેખાવા લાગ્યો છે.
જેને ધ્યાનમાં રાખી વાલીઓની માંગ હતી કે વહેલી સવારે બાળકોને શાળામાં અભ્યાસ માટે સવારની શિફ્ટમાં ઘરેથી નિકળવામાં વિલંબ થાય અને સ્કૂલમાં મોડા પહોંચે તો શાળા તરફથી ‘સજા’ કરવામાં આવે છે તેની બદલે શાળામાં સવારની શિફ્ટમાં ફેરફાર કરી સમય વધારવા માંગ ઉઠી હતી.
દરમિયાન રાજકોટની ડીઇઓ કચેરી તરફથી પણ કંઇ શાળાએ સવારની શિફ્ટમાં ફેરફાર કરી બાળકોનું હિત જાળવી સમયમાં કેટલો વધારો કર્યો ? તેની વિગતો મેળવી હતી જેના ભાગ સ્વરૂપે મોટાભાગની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં સવારે સાત કલાકનો સમય હતો તેમાં 15થી 30 મિનિટનો ફેરફાર કર્યો છે. 7:15 કલાકનો સમય હોય ત્યાં 7:30, 7 કલાકના સમયની બદલે 7:30 રાખવામાં આવ્યો છે. અત્રે એ ઉલ્લેખનિય છે કે, રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા વર્ષો પૂર્વે શિયાળાની ઠંડીમાં શાળાના સમયમાં સવારની શિફ્ટમાં ફેરફાર કરવાની સત્તા જે તે શાળા સંચાલકોને આપી હતી જેને ધ્યાનમાં રાખી ફેરફાર કરાયા છે.