મહિલા નાયબ મામલતદારને ગાંધીનગર ખાતે નાયબ સેક્શન અધિકારી તરીકે નોકરી મળતા રાજીનામુ ધર્યું
અબતક, રાજકોટ : રાજકોટ શહેરમાં ફરજ બજાવતા ત્રણ નાયબ મામલતદારોએ અનિવાર્ય કારણોસર સ્વૈચ્છિક નિવૃત્તિ જાહેર કરી છે. જ્યારે અન્ય એક મહિલા નાયબ મામલતદારે પણ ગાંધીનગર ખાતે નાયબ સેક્શન અધિકારી તરીકે નોકરી મળતા રાજીનામુ ધર્યું હોવાનું જાણવા મળ્યું છે.
રાજકોટ જિલ્લા કલેકટર તંત્રમાં સ્ટાફની અછત વર્ષોથી ચાલી આવી રહી છે. તેવામાં શહેરમાં વિવિધ જગ્યાએ ફરજ બજાવતા ત્રણ નાયબ મામલતદાર દ્વારા સ્વૈચ્છિક નિવૃતિ જાહેર કરવામાં આવી હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે. જમીન સંપાદન વિભાગમાં ફરજ બજાવતા નાયબ મામલતદાર જે.એન. સોલંકી, હિસાબી શાખાના બી.પી. કવાડિયા અને રજીસ્ટ્રી શાખાના પદમાબેન પડીયાએ સ્વૈચ્છિક નિવૃત્તિ જાહેર કરી આ માટે જિલ્લા વહીવટી તંત્રને અરજી કરી છે. જો કે તેઓની અરજી હજુ સુધી મંજુર ન થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.
બીજી તરફ દક્ષિણ મામલતદાર કચેરીમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા શ્વેતાબેન માખેંચા વર્ષ 2020માં સીધી ભરતીથી નાયબ મામલતદાર તરીકે મુકાયા હતા. તેઓને નાયબ સેક્શન અધિકારી તરીકે ગાંધીનગર નોકરી મળતા તેઓએ જિલ્લા કલેકટર તંત્ર સમક્ષ રાજીનામુ મૂક્યું હતું. આ રાજીનામુ મંજુર કરી દેવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ હજુ દિવાળી પછી પણ બેથી ત્રણ સ્વૈચ્છિક નિવૃત્તિ જાહેર થાય તેવી શકયતા જણાઈ રહી છે.
મહેસુલ અપીલના કેસોનું બોર્ડ મુલતવી રખાયું
રાજકોટ જિલ્લા કલેકટરે જમીન-મકાનના તકરારી કેસનું મહેસુલ બોર્ડ આજે રાખ્યુ હતુ. પરંતુ આજે બેઠકોનો ધમધમાટ હોય તેને લઇને આજે બોલાવેલુ બોર્ડ મોકુફ રાખવામા આવ્યુ હતુ. જમીનને લગતા તકરાર, વાંધા અને આવેલી અપિલ માટે પક્ષકારોને સાંભળવા માટે કલેકટર સમયાંતરે બોર્ડ બોલાવે છે.
આજે રખાયેલા બોર્ડને મુલતવી રાખવામાં આવ્યું છે. આ અંગેનીનોટિસ પણ મુકવામા આવી હતી. જેમાં જણાવાયું હતું કે હવે પછી મુદત ક્યારે રાખવામા આવશે તેની જાણ અરજદારો અને તેમના વકિલને હવે પછી જાણ કરવામા આવશે.