વિકાસ કપાસિયા તેલના 266 ડબ્બા અને વી-લાઇટ કપાસિયા તેલના 12 ડબ્બા સીલ કરી નમૂના લેવાયા
શહેરના જૂના માર્કેટીંગ યાર્ડમાં આજે સોનિયા ટ્રેડર્સમાં કોર્પોરેશનની આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. દરમિયાન અલગ-અલગ પ્રકારની બ્રાન્ડના ખાદ્ય તેલના નમૂના લેવામાં આવ્યા હતા અને શંકાસ્પદ જણાતા 278 તેલના ડબ્બા સીઝ કરી દેવામાં આવ્યા છે.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ ફરિયાદના આધારે કોર્પોરેશનની ફૂડ શાખાના ડેઝીગ્નેટેડ ઓફિસર ડો.હાર્દિક મેતા, ફૂડ સેફ્ટી ઓફિસર કે.જે.સરવૈયા, કે.એમ.રાઠોડ અને આર.આર.પરમારની ટીમ જૂના માર્કેટીંગ યાર્ડમાં ગોરર્ધનભાઇ મુરલીભાઇ સુમનાણી તથા ઉત્પાદક અને રિ-પેકર પેઢી સોનિયા ટ્રેડર્સમાં ત્રાટકી હતી. અહિં ચેકીંગ દરમિયાન કપાસિયા તેલમાં પામોલીન સહિતના તેલની ભેળસેળ કરવામાં આવતી હોવાની શંકા જતા વિકાસ રિફાઇન્ડ કોટન સીડ ઓઇલના 266 ડબ્બા કે જેની કિંમત રૂા.4,25,600 અને વજન 3990 કિલો ગ્રામ જથ્થો સીઝ કરી દેવામાં આવ્યો હતો.
જ્યારે વિ-લાઇટ રિફાઇન્ડ કપાસીયા તેલના 15 લીટર પેકીંગના 12 ટીન કે જેની કિંમત રૂ.19402 અને વજન 178 લીટર થવા પામે છે. તેને સીઝ કરી દેવામાં આવ્યો હતો. કાર્યવાહી દરમિયાન વી-લાઇટ રિફાઇન્ડ કોટન સીડ ઓઇલ, ખેડૂત બ્રાન્ડ 100 ટકા શુદ્વ તેલ, વિકાસ રિફાઇન્ડ કોટન સીડ ઓઇલ અને વી-લાઇટ રિફાઇન્ડ સન ફ્લાવર ઓઇલનો નમૂનો લઇ પરિક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ પેઢીમાં ભૂતકાળમાં પણ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું અને મોટા પાયે ભેળસેળયુક્ત જથ્થો મળી આવ્યો હતો.