રાજકોટમાં પોણા દસ કરોડના ખર્ચે બનાવવી નવી આરટીઓ બિલ્ડીંગનું ભૂમીપૂજન કરતા વાહન વ્યવહાર મંત્રી અરવિંદ રૈયાણી
અમદાવાદ અને રાજકોટ આરટીઓનું ખાતમુહૂર્ત તેમજ વાહન અને સારથિની ફેસલેસ સેવાઓનો શુભારંભ સમારોહ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષસ્થાને અમદાવાદ ખાતે યોજાયો હતો.
રાજકોટમાં પોણા દસ કરોડના ખર્ચે બનનારી નવી આર.ટી.ઓ.ના બિલ્ડીંગના ખાતમૂહૂર્તનો કાર્યકમ વાહન વ્યવહાર મંત્રીશ્રી અરવિંદભાઈ રૈયાણીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.
આ તકે મંત્રી અરવિંદભાઈ રૈયાણીએ કહ્યું હતું કે, સરકારી કચેરીઓ વધુને વધુ સુવિધાયુક્ત અને આધુનિક બને તે માટે રાજ્ય સરકાર કાર્યક્ષમ વ્યવસ્થાઓ ઉભી કરી રહી છે. આ ઊપરાંત લોકોને પડતી મુશ્કેલીઓ દૂર થઈ શકે અને આર.ટી.ઓ. ખાતે તેમના સમયનો વ્યવ ન થાય તે માટેનું આયોજન સરકાર કરી રહી છે. આ સંદર્ભમાં જ આર.ટી.ઓ.ની સેવાઓ ઓનલાઇન- ડિજિટલ કરાઇ રહી છે. આ તકે ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલે કહ્યું હતું કે હજારો લોકો આર.ટી.ઓ. ખાતે આવતા હોય છે. આ લોકોનો સમય બચે એ માટે વીસથી વધુ સેવાઓ ઓનલાઇન કરાઈ છે. આમ રાજ્ય સરકાર સતત લોકકલ્યાણલક્ષી નિર્ણયો કરી રહી છે. મેયર ડો.પ્રદીપ ડવએ કહ્યું હતું કે આર.ટી.ઓ.નું આધુનિક બિલ્ડીંગ બનવાથી સ્ટાફ અને અરજદારોને ઝડપી સુવિધાઓ ઉપલબ્ધ ગશે.
ઇન્ચાર્જ આર.ટી.ઓ. પ્રતીક લાઠીયાએ પ્રાસંગિક પ્રવચનમાં પ્રાથમિક માહિતી આપી હતી, જે મુજબ આધાર બેઝડ ઇ.કે.વાય.સી.ની વાહન સબંધિત સેવાઓમાં ટ્રાન્સફર ઓફ ઓનરશીપ, વાહનના સરનામામાં ફેરફાર, હાઇપોથિકેશનનો ઉમેરો, હાઇપોથિકેશનને ચાલુ રાખવું, અન્ય રાજયો માટેની એન.ઓ.સી., ડુપ્લીકેટ આર.સી.બુક, નવી પરમિટ, રિન્યુઅલ અને ડુપ્લીકેટ પરમિટ, તેમજ લાયસન્સ સબંધિત સેવાઓમાં લાયસન્સ રિન્યૂઅલ, લાયસન્સ રિપ્લેસમેન્ટ, લાયસન્સ એકસટ્રેકટ, ડુપ્લિકેટ લાયસન્સ, લાયસન્સમાં એકસટ્રેકટ, ડુપ્લિકેટ લાયસન્સ, લાયસન્સમાં સરનામામાં ફેરફાર, હેઝર્ડસ લાયસન્સના કલાસનો ઉમેરો, લાયસન્સમાં નામનો સુધારો, લાયસન્સમાં ફોટો/સિગ્નેચરમાં સુધારો, પહાડી વિસ્તારમાં વાહન ચલાવવાના વર્ગનો લાયસન્સમાં ઉમેરો, લાયસન્સ અથવા બેઝ જમા કરાવવું, ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ પરમિટ, ડિફેન્સ લાયસન્સ હોલ્ડરને લાઇસન્સ ઇસ્યુ કરવા વગેરે સેવાઓનો સમાવેશ થાય છે.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ ભૂપતભાઈ બોદર, ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા, સાંસદ મોહનભાઈ કુંડારીયા, ડેપ્યુટી મેયર ડો.દર્શિતા શાહ, કલેક્ટર અરુણ મહેશ બાબુ, જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહયા હતા.