પ્લેટફોર્મ નં.1 પર બિનવારસુ બે થેલામાં તપાસતા ગાંજાનો જથ્થો મળી આવ્યો કઈ ટ્રેનમાં ગાંજો આવ્યો તે અંગે રહસ્ય સીસીટીવી ફુટેજના આધારે તપાસ
રાજકોટ રેલ્વે સ્ટેશન પરથી આજે સવારે 17 કિલો ગાંજો બિનવારસુ હાલતમાં મળી આવતા પોલીસ બેડામાં દોડધામ મચી જવા પામી છે.પ્લેટફોર્મ નં. 1 ઉપર બે થેલા બિનવારસુ હાલતમાં પડયા હોવાની જાણ થતા એસઓજીના સ્ટાફે બંને થેલા તપાસતાં તેમાંથી ગાંજો મળી આવ્યો હતો.જેથી રેલ્વેની એસઓજીએ સીસીટીવી ફુટેજના આધારે ગાંજો કઈ ટ્રેનમાંથી લાવવામાં આવ્યો તે અંગે તપાસ આગળ કરવામાં આવી રહી છે.
પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, રાજકોટના રેલવે સ્ટેશન પર લના પ્લેટફોર્મ નં. 1 ઉપર બે થેલા બિનવારસુ હાલતમાં પડયા હોવાની જાણ થતા એસઓજીના સ્ટાફે બંને થેલા તપાસતાં તેમાંથી અંદાજે 17 કિલો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. આ થેલા મળ્યાં તેની પહેલા બે- ત્રણ ટ્રેનો પસાર થઈ હોવાથી કઈ ટ્રેનમાં આ ગાંજો લવાયો તે અંગે કોઈ ચોકકસ માહિતી મળી નથી. જેને કારણે એસઓજીએ હવે રેલ્વે સ્ટેશન પર લાગેલા સીસીટીવી ફૂટેજ તપાસવાનું શરૂ કર્યું છે.
ચેકિંગમાં ભાંડો ફૂટશે તેવી શંકા પરથી ગાંજો લાવનાર બિનવારસુ થેલા મુકી ભાગી ગયાની શકયતા હાલ દર્શાવામાં આવી રહી છે. ઉલેખનીય છે કે રાજકોટના લોધીકા તાલુકાના ચીભડા ગામ નજીક આવેલી દરગાહમાંથી પખવાડિયા પહેલા 24 કિલો ગાંજાનો જથ્થો મળી આવ્યો છે, આ 24 કિલો ગાંજાના જથ્થા સાથે પોલીસે મૂંઝાવર હબીબ શાહ નામના શખ્સની પણ ધરપકડ કરી હતી. દરગાહમાં ગાંજાનો જથ્થો મળ્યાની જાણ થતાંની સાથે જ આજુબાજુના ગામના લોકોના ટોળે ટોળા દોડી આવ્યા હતા. આ મામલે લોધીકા પોલીસે દરગાહમાં દરોડા પાડીને મૂંઝાવરને ઝડપી પાડ્યો અને તેની સામે ગુનો નોંધી જેલહવાલે કરવામાં આવ્યો હતો.ત્યારે ગઈકાલે ફરી રાજકોટમાંથી મોટા જથ્થામાં ગાંજો મળી આવતા પોલીસ ઊંધા માથે લાગી છે.