લમ્પી વાયરસનો પગપેસારો થયો હોવાની પણ શંકા: ચેકીંગની ઉઠતી માંગ
શહેરના આજી ડેમ પાસે પશુઓનો વાડો ધરાવતા માલધારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. કારણ કે છેલ્લા પાંચ દિવસ દરમ્યાન 17 ગાયોના મોત નિપજ્યા છે. લમ્પી વાયરસની અસર થયાની પણ શંકાઓ સેવાઇ રહી છે. અહીં તાત્કાલીક અસરથી ચેકીંગ ઝુંબેશ શરૂ કરવામાં આવે તેવી માંગણી પણ કોંગ્રેસ સેવા દળના પ્રમુખ રણજીત મુંધવા દ્વારા ઉઠાવવામાં આવી રહી છે.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ આજીડેમ આસપાસ વસવાટ કરતા માલધારીઓના ઢોરના વાડામાં છેલ્લા પાંચ દિવસમાં 17 જેટલી ગાયોના મોત નિપજ્યા છે. જેમાં સુરેશભાઇ બિજલભાઇ પાંચ ગાય, સુખાભાઇ સાત ગાય અને લાખાભાઇની પાંચ ગાયના સમાવેશ થાય છે. ગાયોના પગ પકડાઇ જાય છે અને શરીરમાં ધ્રૂજારી આવ્યા બાદ મોત નિપજે છે. જેના કારણે તાત્કાલીક અસરથી અહીં લમ્પી વાયરસ અંગે ચેકીંગ કરવાની માંગ ઉઠી રહી છે.