સતત વધી રહેલા કોરોનાના સંક્રમણને રોકવા કોર્પોરેશનનો નિર્ણય:હજી કેટલાક આકરા પગલાં લેવામાં આવે તેવી સંભાવના
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ શહેરમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે.સમગ્ર રાજ્યમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે.ત્યારે અમદાવાદ,સુરત અને વડોદરાની માફક હવે બાગ બગીચાઓ અને ઝુ બંધ રાખવાનો નિર્ણય કોર્પોરેશન દ્રારા લેવામાં આવ્યો છે.
આવતીકાલથી અચોક્કસ મુદત સુધી 153 બગીચાઓ અને ઝુ બંધ રાખવાની સત્તાવાર જાહેરાત આજે કરી દેવામાં આવી છે.કોરોનાને નાથવા માટે હજી કેટલાક કડક પગલાં લેવામાં આવે તેવી પણ પ્રબળ સંભાવના જણાય રહી છે.
મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ દ્રારા જણાવવામાં આવ્યું છે કે
આવતીકાલથી શહેરના તમામ 153 બાગ બગીચા અને પ્રાણી સંગ્રહાલય (ઝુ) રાજ્ય સરકારની બીજી કોઈ સૂચના ન મળે ત્યાં સુધી એટલે કે અચોક્કસ મુદત માટે બંધ રાખવામાં આવશે
કોરોના વાઇરસ સંક્રમણ સામેના સાવચેતીના પગલાં રૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આવતીકાલ શનિવારથી શહેરના તમામ બાગ બગીચા અને પ્રાણી સંગ્રહાલય (ઝુ) બંધ કરવા નિર્ણય કરવામાં આવ્યો છે. આગામી સમયમાં સરકાર દ્વારા નવી સૂચના ન આવે ત્યાં સુધી બાગ બગીચા અને પ્રાણી સંગ્રહાલય બંધ રાખવામાં આવશે. સાથોસાથ શહેરીજનોને પણ બાગ બગીચાઓમાં પ્રવેશ ન કરવા અને સહકાર આપે તેવી અપીલ કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે પણ કોરોનાના કારણે 15મી માર્ચથી શહેરમાં તમામ બાગ બગીચોઓ અને ઝુ બંધ કરી દેવામાં આવ્યા હતા. અને સતત છ મહિનાઓ સુધી બંધ રહ્યા હતા.આ વર્ષે ફરી આવી જ નોબત આવી છે.કોરોનાનું સંક્રમણ જે રીતે વધી રહ્યું છે તે જોતા લાગી રહ્યું છે કે કોર્પોરેશન દ્રારા હજી કેટલાક આકરા પગલાંઓ લેવામાં આવે તેવી સંભાવના પણ રહેલી છે.પાનના ગલ્લા અને ચાની કિટલીઓ પર પણ તવાઈ ઉતારવામાં આવે તેવી સંભાવના પણ રહેલી છે.ગઇ કાલે મેયર ડો.પ્રદીપ ડવે પણ જણાવ્યું હતું કે જો રાજકોટવાસીઓ સાવધાની નહીં રાખે તો નાછૂટકે મહાપાલિકાએ આકરા પગલાં લેવા પડશે.