કાચા કામના અને સજા ભોગવતા કેદીને અપાયો લાભ: મહામારીમાં દવા અને ઇન્જેક્શનનું કાળા બજારી કરતા આરોપી બાકાત
રાજકોટમાં કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખી કોર્ટે મધ્યસ્થ જેલના કેદીઓ માટે મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં કોરોનાના કારણે ૧૩ કેદીઓને જેલ મુક્ત કરાયા છે. કાચા કામના અને સજા ભોગવતા કેદીઓને જેલ મુક્તિનો લાભ મળ્યો છે. તો સામે આવા કપરા કાળમાં કોરોનાની દવા અને ઇન્જેક્શનના કાળા બજારી કરતા આરોપીઓને આ લાભમાંથી બાકાત રાખવામાં આવ્યા છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ કોરોનાની બીજી લહેરમાં ચીફ જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટ દ્વારા જેલમાં બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં રાજ્ય જેલ વડા ડો.કે.એન.એલ. રાવના માર્ગદર્શન હેઠળ રાજકોટ મધ્યસ્થ જેલમાંથી કલમ-૧૨૫ હેઠળ સાદી કેદના ૯ અને માઇનોર કાચા કામના ૪ આરોપી મળી કુલ ૧૩ કેદીઓને જેલ મુક્ત કરવામાં આવ્યા છે. જેઓને જેલ અધિક્ષક બન્નો જોશી અને ડીવાયએસપી રાકેશ દેસાઈના માર્ગદર્શન હેઠળ કોરોના ટેસ્ટ કરાવી જેલ મુક્ત કરવામાં આવ્યા છે.
જેલ તંત્ર દ્વારા વચગાળાના જામીન પર મુક્ત થયેલા કેદીઓનું કોરોના પરિક્ષણ કર્યા બાદ તમામ ૧૩ કેદીઓને જેલ મુક્ત કરાયા હતા. તો આગામી દિવસોમાં સાત વર્ષથી વધુ અને આજીવન કેદ સુધીની સજા ભોગવતા પાકા કામના કેદીઓ લાંબા સમય માટે પેરોલ મેળવવા માંગતા હોય તેવા કેદીઓ પાસે અરજી જિલ્લા મેજીસ્ટ્રેટ મોકલવા માટે જેલ તંત્રએ જણાવ્યું હતું.
જેલ તંત્ર દ્વારા જાણવા મળતી વિગત મુજબ કોરોનાની કપરી સ્થિતિમાં લોકોને લૂંટવા માટે નકલી દવાઓ, ઇન્જેક્શન, ઓક્સિજન તેમજ આરોગ્યલક્ષી વસ્તુઓની કાળા બજારીમાં વહેંચણી અને હેરાફેરીના ગુનામાં સંડોવાયેલા આરોપીઓને જામીનનો લાભ આપવામાં નહીં આવે તેવું જાણવા મળ્યું છે.