આરોગ્ય શાખામાં દોડધામ: શહેરમાં કોરોનાનો અજગરી ભરડો: બપોર સુધીમાં વધુ 85 કેસ નોંધાયા
કોરોનાને રાજકોટમાં અજગરી ભરડો લીધો હોય તેમ લાગી રહ્યું છે. ગઈકાલે શહેરમાં કોરોનાના 172 કેસ નોંધાયા બાદ આજે બપોર સુધીમાં વધુ 85 કેસો નોંધાયા છે. ન્યુ રાજકોટમાં ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલા ગૌતમનગરમાં એક એપાર્ટમેન્ટમાં પાંચ પરિવારના 10 લોકો કોરોનાના સકંજામાં સપડાતા આરોગ્ય શાખામાં દોડધામ મચી જવા પામી છે. શહેરમાં સતત કોરોનાનું સંક્રમણ વધી રહ્યું હોય શહેરીજનોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.
શહેરનાં 150 ફુટ રીંગ રોડ પર સ્ટર્લીંગ હોસ્પિટલની સામે આવેલા ગાંધીગ્રામના ગૌતમનગર વિસ્તારમાં એક લો-રાઈઝ બિલ્ડીંગમાં પાંચ પરિવારના 10 લોકો કોરોનાથી સંક્રમિત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. એક જ એપાર્ટમેન્ટમાં કોરોનાના 10 કેસો મળી આવતા આરોગ્ય શાખામાં જબરી દોડધામ મચી જવા પામી છે. આ એપાર્ટમેન્ટને માઈક્રો ક્ધટેન્મેન્ટ ઝોન હેઠળ આવરી લેવાની પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે. કોરોનાની ત્રીજી લહેર રાજકોટ માટે જાણે ઘાતક હોય તેવું લાગી રહ્યું છે. ગઈકાલે કોરોનાથી 9 વ્યકિતઓના મોત નિપજયા હતા. દરમિયાન આજે વધુ 11 લોકોને કાળમુખો કોરોના ભરખી ગયો છે જોકે અંતિમ રીપોર્ટ ડેથ ઓડિટ કમિટી દ્વારા જાહેર કરવામાં આવશે. એક તરફ કોરોનાને નાથવા માટે મહાપાલિકા દ્વારા પુરજોશમાં વેકસીનેશન ઝુંબેશ શરૂ કરવામાં આવી છે તો બીજી તરફ કોરોના પણ ગાંડોતુર બન્યો હોય તેવું લાગી રહ્યું છે. ગઈકાલે દિવસ દરમિયાન કોરોનાના 172 કેસો નોંધાયા હતા ત્યારે આજે બપોર સુધીમાં વધુ 85 કેસો નોંધાયા હોવાની જાહેરાત મહાપાલિકા દ્વારા કરવામાં આવી છે. શહેરમાં રીકવરી રેટમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે ત્યારે પોઝીટીવીટી રેટમાં સતત વધારો થઈ રહ્યો છે. ટેસ્ટીંગ બુથ પર રીતસર લોકોની લાઈનો લાગી છે. જુના રાજકોટ અને સામાકાંઠાની સરખામણીએ ન્યુ રાજકોટમાં કોરોનાનું સંક્રમણ વધુ છે.