કોર્પોરેશનની આરોગ્ય શાખાને જાણે શિયાળો દેખાયો હોય તેવું લાગી રહ્યું છે. આજે અલગ-અલગ બે મીઠાઇના ધંધાર્થીઓને ત્યાંથી ખજૂરરોલ અને અડદીયાના નમૂના લઇ પરિક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. જ્યારે ફૂડ લાયસન્સ વિના પાનની પાંચ દુકાનોને નોટિસ આપવામાં આવી છે.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ કોર્પોરેશનની આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા આજે ગાંધીગ્રામ મેઇન રોડ પર એસ.કે. ચોકમાં જય જલારામ ફરસાણ એન્ડ સ્વીટ્સ માર્ટમાંથી શુદ્વ ઘીના અડદીયા અને આકાશવાણી ચોકમાં શિવશક્તિ કોલોનીમાં આવેલા બહુચરાજી નમકીન એન્ડ સ્વીટ્સમાંથી ખજૂરરોલના નમૂના લઇ પરિક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.
ફૂડ લાયસન્સ વિના ધમધમતી પાનની પાંચ દુકાનોને કડક તાકીદ
આ ઉપરાંત આજે સંતકબીર મેઇન રોડ પર ચેકીંગ દરમિયાન ખાણીપીણીની, પાનની અને ઠંડા-પીણાની 20 દુકાનોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે અંતર્ગત આશિર્વાદ પાન, ઠાકરધણી પાન એન્ડ કોલ્ડ્રીંક્સ, રવેચી પાન એન્ડ કોલ્ડ્રીંક્સ, ડીલાઇટ પાન એન્ડ કોલ્ડ્રીંક્સ અને રઘુવીર પાન એન્ડ કોલ્ડ્રીંક્સને ફૂડ લાયસન્સ મેળવી લેવા કડક તાકીદ કરવામાં આવી છે.