Abtak Media Google News
  • શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં 37 મીમી, વેસ્ટ ઝોનમાં 38 મીમી અને ઇસ્ટ ઝોનમાં 22 મીમી પાણી પડ્યું: આજી ડેમમાં નવુ પાણી આવ્યું

રાજકોટ શહેરના આજે વહેલી સવારે સરેરાશ દોઢ ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. શહેરના હાથીખાના વિસ્તારમાં એક મકાનની દિવાલ ધરાશાયી થઇ જવા પામી હતી. આજી ડેમમાં નવા નીરની આવક થવા પામી હતી. આજે પણ મેઘાવી માહોલ જોવા મળી આવ્યો છે.

સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં છેલ્લા એકાદ સપ્તાહથી મેઘાનો મૂકામ જોવા મળી રહ્યો છે. સતત વરસાદથી જગતાત ખુશખુશાલ બની ગયો છે. રાજકોટમાં ગઇકાલે રવિવારે આખો દિવસ મેઘાવી માહોલ રહ્યો હતો. સતત ઝાપટા વરસ્યા રહ્યા હતા. દરમિયાન આજે વહેલી સવારથી મેઘરાજા ફરી વરસ્યા હતા. આજે સવારે શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં 37 મીમી વરસાદ પડ્યો હતો. (સિઝનનો કુલ 186 મીમી વરસાદ વરસી ગયો છે) શહેરના વેસ્ટ ઝોન વિસ્તારમાં 38 મીમી વરસાદ વરસી ગયો

હતો. (સિઝનનો 167 મીમી વરસાદ વરસી ગયો છે) જ્યારે ઇસ્ટ ઝોનમાં માત્ર 22 મીમી વરસાદ પડ્યો હતો. (સિઝનનો 148 મીમી વરસાદ વરસી ગયો છે) સવારના સમયે શહેરમાં મેઘરાજા મનમૂકીને વરસતા શાળા-કોલેજોએ જતા છાત્રાએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. અનેક વિદ્યાર્થીઓએ સ્વયંભૂ રજા રાખી દીધી હતી. અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હોવાની ફરિયાદ પણ ઉઠવા પામી હતી.

શહેરમાં સિઝનનો સાડા સાત ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે. હજી વાતાવરણ મેઘાવી છે. બફારાનું જોર યથાવત છે.

આજે સવારે શહેરના હાથીખાના શેરી નંબર-3માં મેઇન રોડ પર એક પચાસ વર્ષ પહેલાના જૂના અને જર્જરિત મકાનની દિવાલ ધરાશાયી થઇ ગઇ હતી. આ મકાનમાં ભાડુઆત તરીકે રહેતા કિશોરભાઇ કાંતીભાઇ ગોહેલ, જયદીપભાઇ દલપતભાઇ ટંકારિયા અને અશ્ર્વિનભાઇ છગનભાઇ ધોરીયાણી છેલ્લા ઘણા સમયથી અન્ય સ્થળે રહેવા જતા રહ્યા છે. મકાન માલિકનો કોઇ અતોપતો લાગ્યો નથી. વોર્ડ ઓફિસર અને ફાયર બ્રિગેડનો સ્ટાફ ઘટના સ્થળે ધસી ગયો હતો. મકાનની અંદર કોઇને અવરજવર નહીં કરવા તાકીદ કરવામાં આવી છે.

આજે સવારે પૂરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન આજી ડેમમાં નવુ 0.13 મીમી અર્થાત્ 6 એમસીએફટી પાણીની આવક થવા પામી છે. આ લખાય રહ્યું છે ત્યારે પણ શહેરમાં વરસાદ વરસી રહ્યો છે.

આજી-2 ડેમનો એક દરવાજો  ખોલાયો હેઠવાસના ગામોને નદી વિસ્તારમાં અવરજવર નહીં કરવા તાકીદ

રાજકોટ જિલ્લાના રાજકોટ તાલુકા પાસે આવેલો આજી-2 ડેમ તેની પૂર્ણ સપાટીએ ભરાતા રૂલ લેવલ જાળવવા 1 દરવાજો 0.15 મીટર સવારે 9.14 કલાકે ખોલવામાં આવ્યો છે. આથી પડધરી તાલુકાના અડબાલકા, બાઘી, દહીંસરડા, ડુંગરકા, ગઢડા, હરીપર, ખંઢેરી, નારણકા, સખપર તથા ઉકરડા ગામોના લોકોને નદી વિસ્તારમાં અવરજવર ન કરવા તાકીદ કરવામાં આવી છે. આ ડેમની હાલની સ્થિતિ ફુલ રિઝર્વિયર લેવલ 73.76 મીટર છે. જ્યારે લેવલ 72.5 મીટર છે. ઈનફ્લો 340 ક્યુસેક તથા આઉટ ફ્લો 339 ક્યુસેક છે.

ફરિયાદની રાહ ન જુવો: વરસાદ પાણીનો તત્કાલ નિકાલ કરો ચાલુ વરસાદે મ્યુનિ.કમિશનર દેવાંગ દેસાઇ ફિલ્ડમાં ઉતર્યા

આજે સવારથી વરસાદ શરૂ થયો હતો. રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર દેવાંગ દેસાઈ ખુદ ઈસ્ટ ઝોનના વિવિધ વિસ્તારમાં જઈ વરસાદી પાણીના નિકાલ અને વોટર લોગીંગ અંગે મુલાકાત કરી હતી. મ્યુનિસિપલ કમિશનર અને નાયબ કમિશનર સ્વપ્નિલ ખરે સાથે સિટી એન્જિનિયર વગેરે અધિકારીઓ સાથે રહીને ઈસ્ટ ઝોનમાં વોંકળા સફાઈ અને વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા અંગે નિરીક્ષણ કર્યું હતું.

મ્યુનિ. કમિશનર દેવાંગ દેસાઈએ આજે આજી જી.આઈ.ડી.સી. ખાતે આવેલ વોંકળાની મુલાકાત કરી વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા અંગે નિરીક્ષણ કર્યું હતું. ઉપરાંત દૂધસાગર રોડ ફારૂકી મસ્જીદ પાસે અને ભગવતીપરા ખાતે વોટર લોગીંગની સ્થિતિમાં પાણીના નિકાલ માટેની વ્યવસ્થા સુનિશ્ચિત કરાવી હતી. ઈસ્ટ ઝોનમાં વોર્ડ નં.18માં આવેલ રિદ્ધિ સિદ્ધિના નાલે પણ વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા અને સફાઈ અંગે નિરીક્ષણ કર્યું હતું.

આજે ચાલુ વરસાદ દરમ્યાન નાયબ કમિશનર સ્વપ્નિલ ખરે અને  ચેતન નંદાણી, સિટી એન્જિનિયર વગેરે અધિકારીઓએ વિવિધ વિસ્તારોમાં જઈને વરસાદી પાણીના નિકાલની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.

છેલ્લા 24 કલાકમાં રાજકોટ શહેરમાં વર્તમાન સ્થિતિમાં વિવિધ વિસ્તારોમાં કુલ-6 વૃક્ષો અને 20-ડાળીઓ પડયા જે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તાત્કાલિક દુર કરવામાં આવેલ. જેમાં સેન્ટ્રલ ઝોનમાં 3-વૃક્ષો (સ્વામિનારાયણ ચોક, પી.ડી.માલવીયા પાછળ અને બજરંગવાડી મેઈન રોડ) અને 5-ડાળીઓ, વેસ્ટ ઝોનમાં 11-ડાળીઓ અને ઈસ્ટ ઝોનમાં 3-વૃક્ષો (રણછોડનગર, કનકનગર બગીચો અને વોર્ડ નં.16ની વોર્ડ ઓફિસ) અને 4-ડાળીઓ પડેલ હતી. આ ઉપરાંત હાથીખાનામાં એક મકાનની દિવાલ પડવાની ફરિયાદ અને ગાંધીગ્રામ અને નિર્મલા રોડ ઉપર ઝાડ પડવાની ફરિયાદ આવતા ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગ દ્વારા જરૂરી કામગીરી હાથ ધરવામાં આવી.

પોપટપરાનું નાલુ પાણીમાં ગરકાવ કોર્પોરેશન દ્વારા તત્કાલ પાણી નિકાલની વ્યવસ્થા

આજે સવારે શહેરમાં પડેલા માત્ર દોઢ ઇંચ વરસાદમાં પોપટપરાનું નાલુ પાણીમાં ગરકાવ થઇ ગયું હતું. વાહન ચાલકો માટે નાલુ બંધ કરી દેવાની ફરજ પડી હતી. જો કે, મહાપાલિકા તંત્ર દ્વારા તાકીદે વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ વર્ષ ચોમાસાની સિઝનમાં સામાન્ય વરસાદમાં પણ કોર્પોરેશનનું પાણી મવાઇ ગયું છે. પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી ગઇ છે. પ્રથમ સવા ઇંચ વરસાદે શહેરનો 150 ફૂટ રિંગ રોડ પાણીમાં ગરકાવ થઇ ગયો હતો. જ્યારે આજે સવારે માત્ર દોઢ ઇંચ વરસાદમાં પોપટપરાનું નાલુ પાણી ભરાય જવાના કારણે બંધ કરી દેવામાં આવ્યું હતું.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.