46 વર્ષની વયે પુણેની હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ: રાહુલ ગાંધી સહિતના નેતાઓ શ્રદ્ધાંજલિ પાઠવી
ગુજરાત કોંગ્રેસના પ્રભારી અને રાજ્યસભાના સાંસદ રાજીવ સાતવનું રવિવારે નિધન થયું છે. રાજીવ સાતવ કોરોના વાઇરસથી સંક્રમિત થયા હતા અને તેમની પૂણેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. જોકે ત્યારબાદ તેઓ કોરોના વાઇરસથી મુક્ત થયા હતા આ દરમિયાન તેમને સાયટોમેગલ વાઇરસથી સંક્રમિત થયા હતા અને તેઓ વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા.
46 વર્ષના રાજીવ સાતવને મહારાષ્ટ્રના મરાઠવાડા અને વિદર્ભ વિસ્તારના મહત્વના નેતા ગણવામાં આવતા હતા. તેઓ 22 એપ્રિલે કોરોના વાઇરસથી સંક્રમિત થયા હતા.રાજીવ સાતવ હાલ કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ અને પાર્ટીના ગુજરાત પ્રભારી હતા. કોંગ્રેસની ઍક્સિક્યુટિવ કમિટીના ક્ધવીનર પણ હતા. સાતવનાં માતા રજની સાતવ કોંગ્રેસનાં ધારાસભ્ય અને રાજ્યસભાના સાંસદ પણ રહી ચૂક્યા છે.
રાજીવ સાતવ 2014ની લોકસભાની ચૂંટણીમાં મોદી લહેરની વચ્ચે હિંગોલી લોકસભા બેઠક પરથી વિજેતા બન્યા હતા. તેમને રાહુલ ગાંધીના નજીક માનવામાં આવતા. તેઓ 2019માં લોકસભાની ચૂંટણી નહોતા લડ્યા અને રાજ્યસભામાંથી ચૂંટાયા હતા. તેઓ અગાઉ યુશ કોંગ્રેસના પ્રમુખ રહ્યા હતા.રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું, “મારા મિત્ર રાજીવ સાતવના નિધનથી હું ખૂબ જ દુ:ખી છું. તુ એક શક્તિશાળી નેતા હતા જેઓ કોંગ્રેસના વિચારોને અંકિત કરનારા હતા. આ આપણા તમામ લોકો માટે ખૂબ જ મોટી ખોટ છે. તેમના પરિવારના દુ:ખમાં મારી સહાનુભુતિ છે.”ગુજરાતના કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા ટ્વીટ કર્યું, “રાજ્યસભાના સાંસદ અને ગુજરાત કોંગ્રેસના પ્રભારી સૌમ્ય અને સાલસ સ્વભાવ, સાદગી અને પક્ષ પ્રત્યે નિષ્ઠાવાન નેતૃત્વ હંમેશાં યાદ રહેશે. સાતવજીનું નિધન ખૂબ જ મોટી ક્ષતિ છે. ઇશ્વર આત્માને શાંતિ આપે અને પરિવારને આ દુ:ખના સમયમાં બળ આપે.” મહારાષ્ટ્રના વરિષ્ઠ નેતા શરદ પવારે ટ્વીટ કરીને કહ્યું, “કોંગ્રેસ નેતા અને કોંગ્રેસની ઍક્ઝિક્યુટીવ કમિટીના સભ્ય રાજીવ સાતવના અવસાનના સમાચાર આઘાતજનક છે. તેઓ યુવાન, ઉત્સાહી અને અભ્યાસુ નેતા હતા.”
“ગુજરાતની ચૂંટણીમાં તેમણે પાર્ટીએ આપેલી જવાબદારીઓ ઉપાડીને મહત્વનો ભાગ ભજવ્યો હતો. મહારાષ્ટ્રએ તેમના એક મહાન નેતાને ગુમાવ્યા છે. દિલથી શ્રદ્ધાંજલિ”