ભાઈ અને ભાઉ વચ્ચે પીસાતા નીતિનકાકા: રાજીવ સાતવ
‘અચ્છે દિન’ની વાતોના દાવા પોકળ સાબિત થયા, લોકો જુના દિવસો જ પાછા માંગી રહ્યા છે: રાજીવ સાતવ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવે ‘અબતક’ સાથેની વિશેષ વાતચીતમાં કરી હતી. આ વાતચીત દરમિયાન રાજીવ સાતવે ખેડૂતોની આવક બમણી કરવાની ભાજપની વાત પર આકરા પ્રહારો કર્યા હતા. સાથોસાથ કૃષિ કાયદાઓ ખેડૂત વિરોધી હોવાનો પણ દાવો કર્યો હતો. તેમણે ખાસ ગુજરાત વિધાનસભાની ૮ બેઠકો પર યોજાનારી પેટાચૂંટણી અંગે પણ વિશેષ વાત કરી હતી. રાજીવ સાતવે વિધાનસભાની આઠેય બેઠક પર યોજાનારી પેટાચુંટણીમાં તમામ બેઠકો જીતવાનો વિજયી વિશ્ર્વાસ બતાવ્યો હતો સાથો સાથ ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, મહાનગરોની ચુંટણીમાં પણ કોંગ્રેસ બોકાશો બોલાવશે તેવો દાવો રાજીવ સાતવે કર્યો હતો.
રાજીવ સાતવે ભાજપ પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ભાજપ યેનકેન પ્રકારે સત્તામાં રહેવા કંઈ પણ કરવાથી પીછેહઠ કરતી નથી. ગત વિધાનસભાની ચુંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કોઈ મોટો તફાવત રહ્યો ન હતો જેનાથી ગભરાઈને ભાજપે તોડજોડની રાજનીતિ કરી કોંગ્રેસનાં આઠ ધારાસભ્યોને ખરીદી લીધા જેના કારણે પેટાચુંટણી યોજવાની ફરજ પડી પરંતુ પેટાચુંટણીમાં પ્રજા ભાજપને જાકારો આપી કોંગ્રેસને વિજયી બનાવશે.
પ્રશ્ર્ન:- ભાજપ માટે વકરો એટલો નફો?
જવાબ:- ભાજપની માનસિકતા હરહંમેશ માટે યેનકેન પ્રકારે સત્તામાં રહેવાની હોય છે ત્યારે કોઈપણ તુત અજમાવી ભાજપ ફાફા મારતું હોય છે. ભાજપે કોંગ્રેસનાં આઠ ધારાસભ્યોને પૈસાના જોરે વેચાતા લઈ લીધા છે. જે ભાજપની માનસિકતા સુચવે છે.
પ્રશ્ર્ન:- કોંગ્રેસની નબળાઈ કે ભાજપનો વહિવટ ગાબડા પાડે છે?
જવાબ:- કોંગ્રેસ હરહંમેશથી મજબુત પક્ષ રહ્યો છે. સત્તામાં હોય તો મજબુત સરકાર અને સત્તામાં ન હોય તો મજબુત વિપક્ષ તરીકે કોંગ્રેસ સામે આવ્યું છે પરંતુ ભાજપની ખરીદ વેચાણની રાજનીતિના કારણે ગાબડા પડતા હોય છે પરંતુ આ વિધાનસભાની ચુંટણીમાં પ્રજા ભાજપને જાકારો આપશે અને કોંગ્રેસને જંગી મતથી વિજય બનાવશે.
પ્રશ્ર્ન:- ભાજપ ખેડુતોની આવક બમણી કરવાની વાત કરે છે પરંતુ કોની આવક બમણી થશે?
જવાબ:- તેમણે ખેડૂતોના મુદ્દે કહ્યું હતું કે, છેલ્લા ૬ વર્ષથી ભાજપ ’અચ્છે દિન’ની વાત કરી રહી હતી અને હાલ લોકો-ખેડૂતો કહી રહ્યા છે કે અગાઉ જેવા દિવસો હતા તેવા જ રહેવા દો તો સારું. ભાજપના શાસનમાં પ્રજા ફકત હાલાકીનો સામનો લરી રહી છે. નોટબંદીથી હાલાકી, જીએસટીથી હાલાકી, કોરોના સંક્રમણ પર નિયંત્રણમાં સરકારની નિષ્ફળતા આ તમામ બાબતોમાં પ્રજાને ફક્ત અને ફક્ત હાલાકીનો જ સામનો કરવો પડ્યો છે. સૌથી વધુ હેરાનગતિનો સામનો ખેડૂતોને કરવો પડી રહ્યો છે. પાકવીમા સમયે ખાનગી કંપનીઓના જોડાણ વખતે ખેડૂતોને ફાયદો થશે તેવું કહેવામાં આવ્યું હતું પણ જમીનીસ્તરે ફક્ત ખાનગી કંપનીઓને જ ફાયદો થયો છે. સૌરાષ્ટ્રના ખેડૂતો પરેશાન છે, ગુજરાતના ખેડૂતો પરેશાન છે. જ્યારે ભાજપ કેન્દ્રમાં સતામાં ન હતી ત્યારે એવું કહેતી કે, જો કેન્દ્રમાં અમારી સરકાર આવશે તો અમે ખેડૂતોને સારા ભાવ આપીશું. હવે તો ભાજપ સતામાં છે પણ ક્યાંય ખેડૂતોને સારા ભાવ મળ્યા હોય તેવું મારા ધ્યાને આવતું નથી. જ્યારે ખેડૂત હેરાન – પરેશાન છે ત્યારે આ કાળો કાયદો લાવવાની જરૂરિયાત શું હતી ? જે રીતે મોબાઈલ નેટવર્કના તમામ અધિકાર જે રીતે એક જ ખાનગી કંપનીને આપવાનો નિર્ણય કરાયો તેવી જ રીતે આ કાયદાઓથી માર્કેટિંગયાર્ડની ભૂમિકા કાઢવી, ટેકાના ભાવની પ્રથા નાબૂદ કરીને ખેડૂતોને ખેત મજૂર બનાવવાનું કારસ્તાન કરવાની તૈયારી આ કૃષિ વિરોધી કાયદાના માધ્યમથી કરાઇ રહી છે. સરકારની આ કાળી વિચારધારા સામેની અમારી આ લડાઈ છે. ભાજપ ખેડૂત વિરોધી એજન્ડા લઇને ચાલી રહ્યું છે તે સ્પષ્ટ છે.
પ્રશ્ર્ન:- જ્ઞાતિવાદનું રાજકારણ આવતા દિવસોમાં કેવી રીતે અસર કરશે?
જવાબ:- કોંગ્રેસ કયારેય જ્ઞાતિ-જાતિના રાજકારણમાં માનતી નથી. કોંગ્રેસની વિચારધારા હરહંમેશથી સૌને સાથે રાખીને ચાલવાની છે. ભાજપ એવું કહે છે કે સૌનો સાથ, સૌનો વિકાસ પરંતુ જમીની સ્તરે વાસ્તવિકતા કંઈક અલગ જ છે. સાથ સૌનો લેવામાં આવે છે પરંતુ વિકાસ ફકત અમુક લોકોનો જ થાય છે જે જગજાહેર છે.
પ્રશ્ર્ન:- પેટાચુંટણીમાં પ્રજાનું મતદાન કયા આધારે થશે?
જવાબ:- પેટાચુંટણી યોજવાની જરીયાત ત્યારે પડી જયારે ભાજપે કોંગ્રેસનાં ૮ ધારાસભ્યોને વેચાતા લઈ લીધા. ભાજપે પ્રજાના નિર્ણય સાથે દ્રોહ કર્યો છે જે પ્રજા કયારેય સાખી નહીં લ્યે. પેટાચુંટણીમાં પ્રજામાં તમામ પાસાઓ-મુદાઓ અને ભાજપની કુટનીતિને ધ્યાને રાખીને મતદાન કરશે. અમને સંપૂર્ણ વિશ્ર્વાસ છે કે પેટાચુંટણીની તમામ આઠ બેઠકો પર કોંગ્રેસ વિજયી બનશે.
પ્રશ્ર્ન:- ગત વિધાનસભાની ચુંટણીમાં કઈ કચાશે કોંગ્રેસને પ્રજાના વિશ્ર્વાસથી વંચિત રાખ્યા?
જવાબ:- વિધાનસભાની પેટા ચૂંટણી સંદર્ભે તેમણે કહ્યું હતું કે, કોરોનાકાળમાં પણ રાજનીતિ કરવાથી ભાજપ ચૂકતી નથી. પેટા ચૂંટણી યોજવાની જરૂરિયાત ત્યારે પડી જ્યારે ભાજપે ધારાસભ્યોની ખરીદી શરૂ કરી. ભાજપે ૮ ધારાસભ્યોની ખરીદી કરી તેના કારણે પ્રજામાં રોષનો માહોલ છે. અમે પેટા ચૂંટણીમાં તમામ ૮ બેઠકો કબ્જે કરીશું જ પણ તેની સાથોસાથ તમામ મનપા, ગ્રામ પંચાયત અને જિલ્લા પંચાયત પણ કબ્જે કરીશું. તેમણે ૨૦૧૭માં કોંગ્રેસને મળેલી હાર વિશે કહ્યું હતું કે, વર્ષ ૨૦૧૭માં પણ પ્રજાએ અમારી પર વિશ્વાસ બતાવ્યો જ હતો પરંતુ પૈસાના પાવરથી પ્રજા પર પ્રભાવ અને દબાવ નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો તેના કારણે અમે સતામાં આવી શક્યા નહીં પરંતુ તેમ છતાં ભાજપ – કોંગ્રેસમાં ફક્ત ૧૦ બેઠકોનો જ તફાવત રહ્યો પણ આ વખતે અમે સવા સો પાર જરૂર થઈશું.
પ્રશ્ર્ન:- કોંગ્રેસમાં નેતાઓનો તુટો નથી અને કાર્યકરોની અછત છે તેવો અવાર-નવાર આક્ષેપ કરવામાં આવે છે તો પેટાચુંટણીમાં સંગઠન બાબતે કેટલી તૈયારીઓ?
જવાબ:- કોંગ્રેસમાં નેતાઓ ભરપૂર છે પણ કાર્યકરોની અછત છે તે મુદ્દે તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસ હરહંમેશથી કાર્યકરોનો જ પક્ષ રહ્યો છે, ક્યારેય નેતાઓનો પક્ષ રહ્યો જ નથી. નેતાઓનો પક્ષ તો અમારા ભાઈ વિજયભાઈ અને ભાઉ ચંદ્રકાન્તભાઉનો પક્ષ છે જ્યાં અમારા નીતિનકાકા ખૂબ પરેશાન છે.
પ્રશ્ર્ન:- મીડિયા સાથેનું અછૂતપણુ શું કોંગ્રેસને ફાયદો કરે છે?
જવાબ:- કોંગ્રેસના મીડિયા સાથેના ’અછૂતપણા’ અંગેના પ્રશ્નનો જવાબ આપવાનું રાજીવ સાતવે ટાળ્યું હતું.