રાજીવ ગાંધી સ્વભાવથી ગંભીર પરંતુ આધુનિક વિચાર – વૈજ્ઞાનિક અભિગમ સાથે નિર્ણય લેવાની અદભૂત ક્ષમતા

રાજીવ ગાંધી  એક શક્તિ, એક વિચારધારા, એક દૃષ્ટિકોણ, એક પરિવર્તન અને માનવતાનું નામ છે. રાજીવ ગાંધી સ્વભાવથી ગંભીર પરંતુ આધુનિક વિચારો – વૈજ્ઞાનિક અભિગમ સાથે નિર્ણય લેવાની અદભૂત ક્ષમતા ધરાવતા હતા. રાજીવ ગાંધી વારંવાર કહેતાં કે ભારતની એકતાને કાયમ રાખવા એ જ મારો ઉદ્દેશ્ય છે. એકવીસમી સદીના ભારતનું નિર્માણ કરવું એ તેમનું પ્રમુખ મિશન હતું તેમજ ભારતને હાઈ-ટેકનોલોજીથી પરિપૂર્ણ કરવાનું તેમનું લક્ષ્ય હતું. જે આજે સફળ થતું અનુભવી શકીએ છીએ.

રાજીવ ગાંધી સત્ય, પ્રેમ અને કરુણાના ચાહક રહ્યાં. તેમને જાહેર જીવનમાં માનવીય મૂલ્યોને જાળવી રાખ્યા અને ક્યારેય દેશની પ્રજાને ખોટા વચન આપ્યા નહીં, હંમેશા જનકલ્યાણને ધ્યાનમાં રાખી યોજનાઓ અને સંસ્થાઓનું નિર્માણ સાકાર પણ કર્યું, એટલે જ રાજીવ ગાંધીનું નામ આજે પણ લોકોના હૃદયમાં અંકિત થયેલું છે.

વિશ્વમાં રાજીવ ગાંધીની એક એવા યુવા-રાજનેતા તરીકે ગણના થાય છે, જેમણે 40 વર્ષની વયે દેશનું નેતૃત્વ કર્યું  હોય. દેશમાં પેઢીગત પરિવર્તનના અગ્રદૂત રાજીવ ગાંધીને ભારતના ઇતિહાસમાં સૌથી મોટો જનાદેશ પ્રાપ્ત થયો. રાજીવ ગાંધી એવા રાજનીતિક પરિવાર સાથે સંબંધિત હતા, જેમની ચાર પેઢીઓએ સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન ભારતની સેવા કરી, તેમ છતાં રાજીવ ગાંધી રાજનીતિમાં પ્રવેશ કરવા ઈચ્છતા ન હતા, પરંતુ નિયતિએ તેમને રાજનીતિમાં પ્રવેશ કરાવી જ દીધો. આ પહેલાં બ્રિટનની કેમ્બ્રિજ યુનિવર્સિટી સંલગ્ન ટ્રિનિટ કોલેજ અને પછી લંડનની ઈમ્પીરિયલ કોલેજમાં અભ્યાસ કર્યો. રાજીવ ગાંધીને ફિલોસોફી કે પોલીટિક્સને બદલે સાયન્સ, એન્જિનિયરિંગ અને ટેકનોલોજીના પુસ્તકો વાંચવા વધુ પસંદ હતા. ઉપરાંત પશ્ચિમી અને હિન્દુસ્તાની શાસ્ત્રીય તથા આધુનિક સંગીત પસંદ હતું. રાજીવ ગાંધીને ફોટોગ્રાફી ઉપરાંત રેડિયો સાંભળવોનો શોખ હતો. રાજીવ ગાંધી પાયલોટ બનવા ઈચ્છતા હતા અને બાદમાં દિલ્હી ફ્લાઇંગ ક્લબની પરીક્ષા પાસ કરીને કોમર્શિયલ પાયલોટનું લાયસન્સ પ્રાપ્ત કર્યું હતું.

હમણાં જ ટોકિયો ઓલોમ્પિક સમાપ્ત થયો. ત્યારે એ પણ યાદ કરવું જરુરી છે કે નવેમ્બર 1982માં જ્યારે ભારતને એશિયન ગેઈમ્સનું યજમાન પદ મળ્યું, ત્યારે સ્ટેડિયમના નિર્માણ અને અન્ય બુનિયાદી સુવિધા ઉપલબ્ધ કરાવવાની જવાબદારી રાજીવ ગાંધીને સોંપવામાં આવી હતી, રાજીવ ગાંધીએ ક્ષમતા અને સમન્વયતાથી સફળતાપૂર્વક જવાબદારી નિભાવી હતી અને ભારતની ક્ષમતાનો દુનિયાને પરિચય કરાવ્યો હતો.

રાજીવ ગાંધી સંયમી વ્યક્તિ હતા, તેમની કોઈ પ્રકારની વ્યક્તિગત મહત્વકાંક્ષા હતી નહીં. ભારતનું કલ્યાણ એ જ તેમનો લક્ષ્ય હતું. 31 ઓક્ટોબર,1984ના રોજ તેમના માતાની ક્રૃર હત્યા થઈ, બાદમાં રાજીવ ગાંધીએ કોંગ્રેસનું પ્રમુખ પદ સંભાળ્યું અને દેશના વડાપ્રધાનની જવાબદારી સ્વીકારી. પરંતુ વ્યક્તિગત રુપથી એટલા દુખી હોવા છતાં રાજીવ ગાંધીએ સંતુલન, મર્યાદા અને સંયમની સાથે રાષ્ટ્રીય જવાબદારીનું શ્રેષ્ઠત્તમ રીતે નિર્વહન કર્યું.

ટૂંકમાં, એટલું જ કહેવું રહ્યું કે, 21મી સદીના સ્વપ્નદ્રષ્ટા રાજીવ ગાંધીની દુરન્દેશી નીતિએએ ભારતને એક મજબૂત અને પ્રગતિશીલ રાષ્ટ્ર બનાવ્યું. રાજીવ ગાંધી એક મહાન રાજનેતાની સાથે ઉમદા માનવી હતા, પ્રિય રાજીવજીને પુણ્યતિથી નિમિતે શત શત નમન ..

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.