તમામ હોદેદારોની સર્વાનુમતે બિન હરિફ વરણી: ઉપપ્રમુખ પદે યોગેશભાઈ પુજારા, સંયુકત મંત્રીઓ તરીકે રીટાબેન જોબનપુત્રા અને ડો. હિમાંશુભાઈ ઠકકરની વરણી
લોહાણા મહાજન રાજકોટના હોદેદારોની સર્વાનુમતે બીન હરીફ વરણી થઈ છે. જેમાં પ્રમુખ પદે રાજેન્દ્રભાઈ પ્રભુદાસભાઈ પોબારૂ ઉપપ્રમુખ પદે યોગેશભાઈ પુજારા, બે સંયુકત મંત્રીઓ તરીકે રીટાબેન જોબનપુત્રા અને ડો. હિમાંશુભાઈ ઠકકર તથા ઈન્ટરનલ ઓડીટર તરીકે ધવલભાઈ ખખ્ખરની વણી થઈ છે. ઉપરાંત ૨૧ સભ્યોની કારોબારી તથા ૧૧ અગીયાર સભ્યોની મંદિર સમિતિ સહિત કુલ ૧૨૫ સભ્યોની વરણી કરવામાં આવી છે.
સમગ્ર વિશ્વમાં લોહાણા જ્ઞાતિની સૌથી વધુ વસ્તી ધરાવતા રાજકોટમાં લોહાણા મહાજન સમિતિની ચૂંટણી બિનવિવાદ, બિનહરીફ, અને સર્વાનુમતે સંપન્ન થઈ છે તેના અનુસંધાને આજરોજ રાજકોટની ચૌધરી હાઈસ્કુલ ખાતે રાજકોટ લોહાણા મહાજન ટ્રસ્ટના રેકર્ડ ઉપરના મહાજન સમિતિના સદસ્યો તથા નવી ચૂંટાયેલ મહાજન સમિતિની એક સંયુકત બેઠક નામ. કોર્ટ દ્વારા નિમાયેલ આર્બીટ્રેટર કિરીટભાઈ ગણાત્રાના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી હતી.
જેમાં લોહાણા મહાજન રાજકોટના નવા હોદેદારોની સર્વાનુમતે બિન હરીફ વરણી કરવામાં આવી હતી. અધ્યક્ષ સ્થાનેથી આશી વચન આપતા પહેલા કિરીટભાઈ ગણાત્રાએ ડાયસ ઉપરથી સર્વાનુમતે ચૂંટાયેલા તમામ હોદેદારોના નામ જાહેર કરતા થોડીવાર માટે સમગ્ર હોલમાં ખુશી સાથે ઉતેજના વ્યાપી ગઈ હતી.વરણી થયેલ હોદેદારોમાં પ્રમુખ પદે રાજેન્દ્રભાઈ પ્રભુદાસભાઈ પોબા, ઉપપ્રમુખ પદે યોગેશભાઈ પુજારા, બે સંયુકત મંત્રીઓ તરીકે રીટાબેન જોબનપુત્રા (કોટક) અને ડો હિમાંશુભાઈ ઠકકર તથા ઈન્ટરનેશનલ ઓડીટર તરીકે ધવલભાઈ ખખ્ખરની વરણી ઉપરાંત ૨૧ સભ્યોની કારોબારી તથા ૧૧ અગીયાર સભ્યોની મંદિર સમિતિ સહિત કુલ ૧૨૫ સભ્યોની વરણી કરવામાં આવી હતી.
થયેલ તમામ વરણીઓને હાજર રહેલ સૌએ એક જ અવાજે તાળીઓના ગડગડાટ સાથે વધાવી લીધી હતી બિન હરીફ સર્વાનુમતે ચૂંટાયેલા પ્રમુખ તથા ઉપપ્રમુખની મુદત ૩ વર્ષ અને બે સંયુકત મંત્રીઓ તથા ઓડીટરની મુદત એક વર્ષની હોવાનું જાહેર કરવામાં આવ્યું હતુ.
બેઠકની શરૂઆતમાં પ.પૂ. જલારામબાપા તથા પૂ. રણછોડદાસજી મહારાજના ફોટા સમક્ષ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દિપ પ્રાગટય કરવામાં આવ્યું હતુ. આવા પવિત્ર વાતાવરણમાં શરૂઆત થયેલ આ મીટીંગમાં જૂના તથા નવા મહાજન સમિતિના તમામ સભ્યોએ જબ્બરદસ્ત એકતાના દર્શન કરાવી બિનહરીફ ચૂંટાયેલા મહાજન સમિતિના તમામ સભ્યોને તાળીઓના ગડગડાટ સાથે એકજ અવાજે વધાવી લીધા હતા. કદાચ આ ઘટના રાજકોટના લોહાણા સમાજમાં ઐતિહાસીક કહી શકાય. હોદેદારોના નામ જાહેર થતાની સાથે જ હોલની બારોબાર પણ ફટાકડાની તડાફડી મચી જવા પામી હતી અને સૌએ એક બીજાના મો મીઠા કરાવ્યા હતા.
સંયુકત બેઠકમાં વિદાય લેતા પ્રવર્તમાન કાર્યવાહક મહાજન પ્રમુખ શ્રીમતી કાશ્મીરાબેન નથવાણી, ચૂંટણી અધિકારી આર.સી.સી. બેંક, રાજકોટના સી.ઈ.ઓ ડો. પરસોતમભાઈ પીપરીયા તથા ચૂંટણી સમિતિના તમામ સભ્યો વિણાબેન પાંધી, હિરાભાઈ માણેક, નવિનભાઈ ઠકકર, રામભાઈ બરછા, એ.ડી. પારેલ તથા અનિલભાઈ વણઝારા પણ આ પ્રક્રિયા દરમ્યાન હાજર રહ્યા હતા નિષ્પક્ષ, પારદર્શક તથા બંધારણના અક્ષરસ: પાલન સાથે સફળતાપૂર્વક પૂર્ણ થયેલ ચૂંટણી સમગ્ર વિશ્વમાં ઐતિહાસીક બની ગઈ છે. તેવું હાજર રહેલ સૌએ જણાવ્યું હતુ.