ભારત તેરે ટૂકડે હોંગે હજારના નારા લગાવનારાઓને કોંગ્રેસ દૂધ પાઈ ઉછેરી રહી છે

ભાજપ અગ્રણી અને પક્ષના સૌરાષ્ટ્ર-કચ્છ પ્રવક્તા રાજુભાઈ ધ્રુવે કહેવાતી સંવિધાન બચાવો, દેશ બચાવો રેલીના નામે રાષ્ટ્રવિરોધી તત્વોને રાજકોટમાં એકત્ર કરવાના કોંગ્રેસી તત્વોના કૃત્યને પોતાનું રાજકીય અસ્તિત્વ ટકાવી રાખવાના હવાતિયાં સમાન ગણાવ્યું છે અને પોતાના અંગત હિત સાધવા માટે રાજકોટમાં રાષ્ટ્રવિરોધી અને ભાગલાવાદી તત્વોને નોતરી લોકોને ગેરમાર્ગે દોરવાના અને સામાજિક સમરસતા ડહોળવાના અત્યંત હીન પ્રયાસરૂપ ગણાવ્યું છે. ભારતીય લોકશાહીના પવિત્ર મંદિર સમાન સંસદ ઉપર ત્રાસવાદી હુમલો કરનાર અફઝલ ગુરુનું સપનું સાકાર કરવા માટે ભારત તેરે ટૂકડે હોંગે હઝાર જેવા દેશદ્રોહી નારા લગાવનાર તત્વોને કોંગ્રેસી તત્વો કયા મોઢે રાજકોટ શહેરમાં નોતરી લાવ્યા તેવો અણીયાળો સવાલ કરતાં  ધ્રુવે કહ્યું છે કે, પોતાના અંગત સ્વાર્થ અને રાજકીય રોટલા શેકવાની લ્હાયમાં માનવીનું કેટલી હદે પતન થાય છે તેનો નાદર નમૂનો આ રેલીએ પૂરો પાડ્યો છે. આવા દુષ્કૃત્યથી કોઈને નવાઈ લાગી નથી કેમકે, કોંગ્રેસના ગંદી રાજનીતિના પાઠ તો આવા તત્વોને ગળથૂથીમાં જ મળ્યા છે.

એક નિવેદનમાં  રાજુભાઈ ધ્રુવે ૧૯૫૬ના નેપાળના વિશ્વ બૌદ્ધ સંમેલનમાં ડો. બાબાસાહેબ આંબેડકરે કરેલા ઉચ્ચારણોને ટાંક્યા હતાં. બાબાસાહેબે સ્પષ્ટ કહ્યું હતું કે, સામ્યવાદ આ દેશને જંગલરાજ અને અરાજકતા ભણી ધકેલી દેશે; સામ્યવાદીઓ પોતાના વિરોધીઓની હત્યા કરતાં પણ ખચકાતા નથી, તેઓ અરાજક તત્વો છે અને તેઓને માત્ર હિંસાખોરી જ પસંદ પડે છે. દેશની જાગૃત પ્રજાએ સામ્યવાદીઓનું અસ્તિત્વ તો મિટાવી દીધું પરંતુ, કોંગ્રેસે ડાબેરીઓની ચાળ પકડી લીધી છે અને સામ્યવાદીઓને પણ વટલાવે એવી સમાજવિરોધી અને રાષ્ટ્રવિરોધી નીતિઓ અખત્યાર કરી છે. રેલીનું આયોજન કરનાર તત્વો ભલે કોંગ્રેસ સાથે તેઓને કોઈ લેવા દેવા નહીં હોવાના નાટકો કરે પરંતુ, કોંગ્રેસનું દૂષિત લોહી તેઓની નસ નસમાં વ્યાપેલું છે તે હકીકત તેમની સંવિધાન બચાવો, દેશ બચાવો રેલીમાં સુપેરે પ્રદર્શિત થઇ ગઈ છે. બંધારણ બચાવવાની વાત કરવી અને દેશના ટૂકડા કરવાનું કામ કરવું એવી કોંગ્રેસની હીન રાજનીતિનો પડઘો જ ઉપરોક્ત રેલીરૂપી દુષ્કૃત્યમાં પડ્યો છે.

એકસમયે ઉત્તરપ્રદેશને પોતાની બાપિકી જાગીર સમજી બેઠેલા મુલાયમ યાદવ પરિવાર અને તેમના પુત્ર અખિલેશ યાદવની સામે ખાણ-ખનન કૌભાંડની તપાસ માયાવતીએ માગી હતી, નીતિમતાથી સો ગાઉં દૂર રહેનાર માયાવતીની સામે પૂતળા કૌભાંડની તપાસ કરવાની માગણી અખિલેશ યાદવે કરી હતી, સત્તા માટે ગમે તે હદે નીચે ઉતરી જનાર ક્રૂર શાસક મમતા બેનર્જી સામે ચીટ ફંડ કૌભાંડની તપાસ મહાભ્રષ્ટ કોંગ્રેસે માગી હતી, અને નહેરુ-ગાંધી પરિવારનાં જમાઈ હોવાનો પૂરેપૂરો ગેરફાયદો ઉઠાવી લાખો કરોડ રૂપિયાની બેનામી સંપતિ ઉસેડનાર રોબર્ટ વાડ્રા સામે તપાસની માગણી કાગના વાઘ જેવા અરવિંદ કેજરીવાલે કરી હતી. આજે અખિલેશ, માયાવતી, કોંગ્રેસ અને કેજરીવાલ એકસંપ થઈને મોદીજી અને ભાજપ સામે હાકલા-પડકારા કરી રહ્યા છે અને મહાઠગબંધન રચી રહ્યા છે ત્યારે પ્રજાને તેઓ કેટલી હદે ભોળી સમજે છે તે હકીકત પુરવાર થાય છે. આવા અત્યંત સ્વાર્થી અને ભ્રષ્ટ તત્વોને સુપેરે ઓળખી લેવા ભાજપ અગ્રણી  ધ્રુવે નિવેદનના અંતમાં જનતાને હાકલ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.