31 ડિસેમ્બર નજીક આવી રહી છે ત્યારે બૂટલેગરો પ્યાસીઓની પ્યાસ બુઝાવા વિદેશી દારૂનો જંગી જથ્થો આગોતરો મગાવતા હોય છે. ત્યારે લોધીકાના રાવકી ગામે ગોડાઉનમાં વિદેશી દારૂનોમોટો જથ્થો બુટલેગરે છુપાવી 31 ડિસેમ્બરે વેચાણ કરે તે પહલા પોલીસે ગોડાઉનમાં દરોડો પાડી વિદેશી દારૂની 19200 બોટલ મીની ટ્રક, સ્કૂટર, દારૂનો જથ્થો મળી રૂા.22 લાખનો મુદ્દામાલ જપ્ત કરી રાજસ્થાની શખ્સની ધરપકડ કરી છે.
લોધિકાના રાવકી ગામના ગોડાઉન ભાડે રાખી વિદેશી દારૂનું કંટિંગ થાય તે પૂર્વે પોલીસ ત્રાટકી
વિદેશી દારૂ, ટ્રક, સ્કૂટર અને મોબાઈલ મળી કુલ રૂ.22 લાખનો મુદ્દામાલ કબજે : પીએસઆઈ કે.વી.પરમારની રાહબરીમાં લોધીકા પોલીસ દ્વારા કામગીરી હાથધરી
આ અંગે જાણવા મળતી વિગત મુજબ 31 ડિસેમ્બર નજીક આવી રહી છે ત્યારે રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ અને રાજકોટ જિલ્લા પોલીસ વડા એસપી જયપાલસિંહ રાઠોડે દારૂની હેરાફેરી અટકાવવા અને આરોપીઓ સામે કાયદેસર કાર્યવાહી કરવા સુચના આપી હોય, ડીવાયએસપી કે.જી. ઝાલાના માર્ગદર્શન હેઠળ લોધીકા પીએસઆઈ કે.વી. પરમાર અને તેની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન કોન્સ્ટેબલ હરેશભાઈ સોરાણી અને સાગરભાઈ ખટાણાને સંયુકત રીતે બાતમી મળી હતી કે રાવકી ગામે ઈન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં નયારા પેટ્રોલપંપ સામેના રસ્તે બંસીધર પારીના પ્લાન્ટની પાછળ જીજ્ઞેશ પ્રવિણ સોજીત્રાના ગોડાઉનમાં દારૂના મોટા જથ્થાની હેરફેર થઈ રહી છે.જેથી તુરંત પોલીસે દરોડો પાડતા જીજે 03 બી ડબલ્ટુ 1034 નંબરના દોસ્ત મીની ટ્રકમાં તેમજ ગોડાઉનમાં દારૂની પેટીઓ પડી હતી અહીં જીજે 03 એમએન 4654 નંબરનું એકસેસ સ્કૂટર પણ પડયું હતું. મીની ટ્રકનો ચાલક અનિલ આસુરામ બિશ્નોઈ (ઉ.23) અહીં હાજર મળી આવતા તેની પુછપરછ કરતા જાણવા મળેલ કે અનિલ રાજસ્થાનના ઝાલોર જિલ્લાના ચીતલવાના ગામનો રહેવાસી છે.
જ્યારે રાજસ્થાનના સાચોરના ડેડવા ગામના પ્રકાશ ઉર્ફે અનિલ શાહુએ આ દારૂનો જથ્થો સપ્લાય કર્યો હોવાનુ પૂછપરછમાં જાણવા મળ્યું હતું.જ્યારે પોલીસ દ્વારા દારૂનો જથ્થો, મીની ટ્રક, સ્કૂટર, 1 મોબાઈલ ફોન મળી રૂા.22,05,000નો મુદ્દામાલ પોલીસે કબજે કરી હાલ અનિલ અને પ્રકાશ ઉર્ફે અનિલ શાહુ સામે ગુનો નોંધ્યો છે.
ગોડાઉન ધારકની પુછપરછ કરાશે. તેની આમા કોઈ સંડોવણી છે કે કેમ?
તે ચકાસવામાં આવશે.જ્યારે આ કામગીરી પીએસઆઈ કે.વી. પરમારની રાહબરીમાં હેડ કોન્સ્ટેબલ ગણેશભાઈ કોટડીયા, માવજીભાઈ ડાંગર, ગોપાલભાઈ ધાધલ, કોન્સ્ટેબલ હરેશભાઈ સોરાણી, હિતેષભાઈ કળોતરા, ખોડાભાઈ મકવાણા અને સાગરભાઈ ખટાણા દ્વારા કરવામાં આવી હતી.