રાજસ્થાનના પાલી જિલ્લાના સુમેલ ગામની વતની અને રાજકોટના ખોડીયારનગરમાં રહેતી યુવતીને તેના ગામના રાજસ્થાની યુવકે પ્રેમ ઝાળમાં ફસાવી લગ્નની લાલચ દેતા લગ્નના પંદર દિવસમાં જ છુટાછેડા દઇ પ્રેમી સાથે રહેવા આવ્યા બાદ ત્રણ માસ સુધી અવાર નવાર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવ્યા બાદ ખાનગી હોસ્પિટલમાં ગેર કાયદે ગર્ભપાત કરાવી લગ્ન ન કરી તરછોડી દીધાની યુનિર્વસિટી પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે મારવાડી યુવક, તેની માતા અને કાકી સામે ગુનો નોંધી તપાસ હાથધરી છે.
લગ્નના પંદર દિવસમાં જ છુટાછેડા લઇ પ્રેમીને પામવા આવેલી યુવતીને લગ્નની લાલચ દઇ ત્રણ માસ સુધી બળાત્કાર ગુજારી તરછોડી દીધી
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ 19 વર્ષની મારવાડી યુવતીને પેટમાં દુ:ખાવાની બીમારી સાથે સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાઇ હતી ત્યારે તબીબી તપાસ દરમિયાન તેણીને ગર્ભપાતની દવા પીવાના કારણે તબીયત લથડી હોવાનું જાહેર કર્યુ હતું.
યુવતીની પૂછપરછ દરમિયાન ચારેક વર્ષ પહેલાં પોતાના વતન સુમેલ ગામના પ્રહલાદ મુન્નારામ ભાટી સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. યુવતીના પિતા અને મોટા ભાઇ દસેક વર્ષથી ખોડીયારનગરમાં રહેતા હોવાથી પોતાના પિતાને ત્યાં રહેવા માટે આવી હતી દરમિયાન પ્રહલાદ ભાટી પણ રાજકોટના રૈયાધાર પર રહેવા આવતા બંને વચ્ચે ફરી મુલાકાત થતા યુવતીના પ્રેમ સંબંધની પરિવારને જાણ થતા યુવતીના રાજસ્થાનના જોધપુર નજીક મીઠાપુર કારીના મુકેશ રમેશ સાથે લગ્ન કર્યા હતા. યુવતીએ પોતાને પ્રહલાદ ભાટી સાથે પ્રેમ સંબંધ હોવાની વાત કરી પોતાને છુટાછેડા આપી દેવા જણાવતા લગ્નના પંદર દિવસમાં મુકેશે પોતાની પત્નીને છુટાછેડા આપી દેતા તેણી પોતાના પ્રેમી પ્રહલાદને ત્યાં રૈયાધાર પર રહેવા માટે આવી ગઇ હતી ત્યારે તેને લગ્ન વિના જ પત્નીની જેમ રાખી ત્રણ માસ સુધી અવાર નવાર મરજી વિરુધ્ધ દુષ્કર્મ આચરતા ગર્ભવતી બની હતી.
યુવતી કુવારી માતા બને તેમ હોવાથી પ્રહાલદની માતા સમદીબેન અને કાકી મનિષા ધરમરામે હોસ્પિટલ લઇ જઇ ગર્ભપાતની દવા ખવડાતા પોતાને ગર્ભપાત થયાનું જણાવ્યું હતું. યુનિર્વસિટી પોલીસે યુવતીની ફરિયાદ પરથી ત્રણેય સામે બળાત્કાર અને ગેર કાયદે ગર્ભપાત કરાવ્યા અંગેનો ગુનો નોંધી પી.એસ.આઇ. ડી.આર.રત્નુ સહિતના સ્ટાફે તપાસ હાથધરી છે.