કોંગ્રેસે ટિકિટ ફાળવણીમાં મુસ્લિમ ઉમેદવારોને અન્યાય કર્યો હોવાનો આક્ષેપ: આ લઘુમતિ આગેવાનો ભાજપમાં જોડાય તેવી સંભાવના
૨૦૧૯માં યોજાનારી લોકસભાની ચુંટણીની સેમીફાઈનલ સમાન ગણાતી રાજસ્થાન મધ્યપ્રદેશ સહિતના રાજયોની વિધાનસભાની ચુંટણી પહેલા દરેક પક્ષોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. ટીકીટ ન મળવાથી નારાજ નેતાઓ અને કાર્યકર્તાઓ પોતાના સ્વાર્થ માટે રાજીનામા આપીને પક્ષ પલ્ટા કરી રહ્યા છે. રાજસ્થાનમાં કોંગ્રેસે મુસ્લિમ ઉમેદવારોને પુરતી ટીકીટ ન આપી હોવાના આક્ષેપ સાથે પક્ષના લઘુમતિ મોરચાના વડા નિજામ કુરેશીએ રાજીનામું આપી દીધું છે. કુરેશીના સમર્થનમાં રાજયના લઘુમતિ મોરચાના ૩૫ જિલ્લાના અધ્યક્ષોએ રાજીનામા આપી દેતા રાજસ્થાન કોંગ્રેસમાં ચુંટણી પહેલા ભુકંપ આવી ગયો છે.
રાજસ્થાનની વસુંધરા સરકારની કામગીરી સામે લોકોમાં નારાજગી જોવા મળતી હોય ચુંટણી પહેલા થયેલા તમામ સર્વેમાં કોંગ્રેસને આગળ દોડી રહ્યાનું જોવા મળી રહ્યું છે. ત્યારે રાજયના નવા મુખ્યમંત્રી બનવા માટે સચિન પાયલોટ અને પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે. જેથી કોંગ્રેસ માટે ‘એક સાંધે તથા તેર તુટે’ જેવી સ્થિતિ નિર્માણ પામી છે. કોંગ્રેસના લઘુમતિ મોરચાના પ્રદેશ પ્રમુખપદેની રાજીનામું આપ્યા બાદ નિજામ કુરેશી બગાવતી શબ્દોમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ હવે કાર્યકર્તાઓની પાર્ટી રહી નથી અને પૈસા લઈને ટીકીટો વેંચવામાં આવી છે. ટીકીટ આપવામાં મુસ્લિમ ઉમેદવારોને અન્યાય કરીને તેમની અનદેખી કરવામાં આવી છે. કુરેશીએ હવે મુસ્લિમોનો ભાજપથી વાંધો નથી તેમ જણાવીને તેઓ પોતાની ટીમ સાથે ભાજપમાં જોડાઈ રહ્યાનો સંકેત આપ્યો હતો. કુરેશીએ પ્રદેશ અધ્યક્ષ સચિન પાયલોટ પર મુસ્લિમ સમાજને અન્યાય કરવાનો સીધો આરોપ મુકયો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજસ્થાનમાં કોંગ્રેસ કમિટીએ અત્યાર સુધીમાં ૧૮૪ બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. પહેલી યાદીમાં ૧૫૨ બેઠકોના ઉમેદવારોના નામ જાહેર કરાયા હતા. જેમાં ૨૯ એસસી, ૨૪ એસટી, બ્રાહ્મણ અને રાજપુત-૧૩, જાટ-૨૩ અને મુસ્લિમો ૯ હતા. જેમાં ૨૦ મહિલાઓ અને ૪૬ નવા ચહેરાઓ છે. જયારે બીજી યાદીમાં ૩૨ ઉમેદવારોના નામ જાહેર કરાયા છે. જેમાંથી ૧૫ ઉમેદવારો પક્ષના દિગ્ગજ નેતાઓના પરીવારજનો હતા. આ યાદીમાં ભાજપમાંથી કોંગ્રેસમાં ગયેલા માનવેન્દ્રસિંહનું નામ પણ છે. જેઓને જાલરાપાટન બેઠક પરથી મુખ્યમંત્રી વસુંધરા રાજે સામે મેદાનમાં ઉતાર્યા છે.