રાજુલા જતાં પૂર્વે રાજકોટમાં એક કલાકનું રોકાણ: પત્રકાર પરિષદને સંબોધશે
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થતાની સાથે જ તમામ રાજકીય પક્ષોના નેતાઓના ગુજરાતમાં આંટાફેરા સતત વધી રહ્યા છે. દિલ્હીના મુખ્યમંત્રી અને આપના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ ગઇકાલથી પાંચ દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવ્યા છે. દરમિયાન આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી માદરે વતનની મૂલાકાતે આવી રહ્યા છે. આ ઉપરાંત રાજસ્થાનના મુખ્યમંત્રી અને ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસ દ્વારા નિયુક્ત કરવામાં આવેલા સિનિયર ઓબ્ઝર્વર એવા અશોક ગેહલોત કાલે રાજકોટની મૂલાકાતે આવી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. તેઓ અમરેલીના રાજુલા જતાં પહેલા રાજકોટમાં એક કલાકનું ટુંકુ રોકાણ કરશે અને અહિં એક પત્રકાર પરિષદને પણ સંબોધશે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસ દ્વારા ગઇકાલે ઉમેદવારોના નામની પ્રથમ યાદી જાહેર કરી દેવામાં આવતાની સાથે જ રાજ્યભરમાં ચૂંટણીનો માહોલ ધીમેધીમે બનવા લાગ્યો છે. હવે ઉમેદવારો જાહેર થયા બાદ પ્રચાર-પ્રસારની કામગીરી પણ પૂરજોશમાં કરી દેવામાં આવશે. આવતીકાલે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત રાજકોટની ટુંકી મુલાકાત લેશે અને પત્રકાર પરિષદમાં ચૂંટણીલક્ષી માહિતી પણ આપશે. તેઓના આગમન પૂર્વે આજે શહેર કોંગ્રેસના હોદ્ેદારોમાં જબ્બરી દોડધામ જવા પામી હતી.
શહેરની એક ખાનગી હોટેલમાં તેઓની પત્રકાર પરિષદ યોજાઇ તેવી સંભાવના જણાઇ રહી છે. રાજકોટમાં તેઓ અમૂક ટોચના નેતાઓ સાથે મૂલાકાત કરે તેવી શક્યતા પણ નકારી શકાતી નથી. એક કલાકના ટૂંકા રોકાણ દરમિયાન તેઓ હોટેલ ખાતે જ કેટલાક નેતાઓને મળશે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેરની ચાર બેઠકો માટે કોંગ્રેસ દ્વારા ગઇકાલે બે ઉમેદવારોના નામ ઘોષિત કરી દેવામાં આવ્યા છે. હવે રાજકોટ પૂર્વ વિધાનસભા બેઠક અને પશ્ર્ચિમ બેઠક માટે ઉમેદવારોના નામ ડિક્લેર કરવાનું બાકી છે. સંભવત: ગેહલોતની મુલાકાત બાદ કોંગ્રેસ દ્વારા સોમવારે ઉમેદવારોના નામની બીજી યાદી જાહેર કરી દેવામાં આવશે.
રાજુલા તાલુકાના આસરાણા ગામ પાસે આવેલા તેમજ ડુંગર રોડ પર બિરાજમાન હોડા વાળી ખોડીયાર માતાજીના સાનિધ્યમાં ધારાસભ્ય શ્રી અમરીશ ડેર પરિવાર દ્વારા આવતીકાલે તારીખ 6 11 2022 ને રવિવારના રોજ રાત્રે 8 થી 10 યોજાનાર સંતવાણી લોક ડાયરામાં કિર્તીદાન ગઢવી માયાભાઈ આહીર કલાકારો ને સંગાથે યોજાનાર સંતવાણી લોક ડાયરામાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત હાજરી આપવાના છે તેઓ આવતીકાલે બપોરે રાજુલા આવી જશે અને ત્યારબાદ કોંગ્રેસ કાર્યકરો સાથે ચૂંટણી અંગે રણનીતિ તૈયાર કરશે ત્યારબાદ તેઓ સંતવાણી લોકડાયરો માં પણ હાજરી આપશે તેવું ધારાસભ્ય અમરીશ ડેરના કાર્યાલય પરથી જાણવા મળેલ છે.