ગેર કાયદે બાંધકામ તોડાવી નાખવાની ધમકી દઇ રૂ.૫ લાખ પડાવ્યા બાદ વધુ રૂ.૫ લાખ માગ્યા: ધારાસભ્ય અરવિંદ રૈયાણી સતત વિવાદમાં
કોર્પોરેટરમાંથી ધારાસભ્ય બનેલા સામાકાંઠ વિસ્તારના અરવિંદ રૈયાણી વિરૂધ્ધ વરરાજા સહિત જાનૈયાઓએ પોલીસ કમિશનર અને મહાપાલિકાના અધિકારીઓને રૂ.૫ લાખ પડાવ્યા બાદ વધુ રૂ.૫ લાખ નહી આપે તો વધારાનું બાંધકામ પડાવી નાખવાની ધમકી દીધાની ચોકાવનારી રાવ કરતા તંત્ર સ્તબ્ધ બની ગયું હતું. ધારાસભ્ય બન્યા બાદ સતત વિવાદમાં રહેતા અરવિંદ રૈયાણી વિરૂધ્ધના મોબાઇલમાં રેકોર્ડીંગના પુરાવા સાથે કરાયેલી રજૂઆતથી ભાજપના મોવડીઓ શોભ અનુભવી રહ્યા છે.
સામાકાંઠા વિસ્તારમાં આવેલી સોમનાથ સોસાયટીમાં રહેતા મુકેશભાઇ માવજીભાઇ કાકડીયા પોતાના પુત્રના લગ્ન પ્રસંગ હતો પણ તેઓને ધારાસભ્ય અરવિંદ રૈયાણીનો ત્રાસ હોવાથી વરરાજા અને જાનૈયા સાથે કોર્પોરેશન કચેરીએ ઘસી આવ્યા હતા.
સંત કબીર રોડ પર બનેલા ગેર કાયદે બાંધકામ અંગે કોર્પોરેશનના અધિકારીઓ છાવરી કાયદેસરની કાર્યવાહી ન કર્યાનો આક્ષેપ કરી પોતાને ખોટી રીતે નોટિસ અપાવી બાંધકામ તોડી પાડવાની ધમકી દઇ ધારાસભ્ય અરવિંદ રૈયાણી હેરાન કરતા હોવાનો આક્ષેપ કર્યો હતો.
મુકેશભાઇ કાકડીયાના આક્ષેપથી કોર્પોરેશનના ટીપી શાખાના સ્ટાફ ચોકી ઉઠયા હતા અને દોડધામ કરી હતી. બીજી તરફ મુકેશભાઇ કાકડીયાએ ધારાસભ્ય અરવિંદભાઇ રૈયાણી સાથે થયેલી ટેલિફોનીક વાત ચીતનું રેકોર્ડીંગ ધરી જવાબદાર અધિકારીઓની બોલતી બંધ કરી દીધી હતી. રેકોર્ડીંગમાં અરવિંદ રૈયાણીએ બાંધકામ બચાવવાના બદલામાં રૂ.૫ લાખ લીધા બાદ કોર્પોરેશનના અધિકારીઓના નામે રૂ.૫ લાખની માગણી કર્યાનો ઘટ્ટસ્ફોટ કરતા કોર્પોરેશનના અધિકારીઓ પોતાની સમસમી ગયા હતા.
મુકેશભાઇ કાકડીયા કોર્પોરેશનમાં રજૂઆત કર્યા બાદ પોલીસ કમિશનર કચેરીએ પહોચી ગયા હતા. ત્યાં પણ પોલીસ અધિકારીઓને ઉગ્ર રજૂઆત કરી હતી. મુકેશભાઇ કાકડીયાએ આપેલી લેખિત અરજીમાં ધારાસભ્ય અરવિંદ રૈયાણી દ્વારા મકાનના વધારાના બાંધકામનો પ્લાન પાસ કરાવી દઇ રૂ.૫ લાખ પડાવ્યા હોવાનો અને કોર્પોરેશનના અધિકારીઓને વધુ રૂ.૫ લાખ આપવા માટે ધારાસભ્ય રૈયાણીના સાગરીત દિનેશ અને મહેશ દ્વારા મકાન પડાવી નાખવાની ધમકી દીધાનો અરજીમાં આક્ષેપ કર્યો હતો.
ધારાસભ્ય રૈયાણીના સાગરીતોને મુકેશ કાકડીયાએ જણાવ્યું કે, ઘરે પ્રસંગ પુરો થયા બાદ વ્યવસ્થા કરી આપવાની ખાતરી આપી હતી તેમ છતાં કોર્પોરેશનમાં રૈયાણીના મળતીયાઓએ અરજી આપી ત્રાસ દેતા હોવાનો આક્ષેપ કર્યો હતો.
અરવિંદ રૈયાણી ધારાસભ્ય બન્યા બાદ બાજુમાં જ રહેતા બે ભાઇઓ પર હુમલો કર્યાની વીડિયો વાયરલ થતા પોલીસમાં ગુનો નોંધાયો હતો અને એક સપ્તાહ પૂર્વે જ ટ્રાન્સપોર્ટ સંચાલક બે ભાઇઓ પર અરવિંદ રૈયાણીના ભાઇ સુરેશ રૈયાણી અને માથાભારે ભૂપત ભરવાડે ફાયરિંગ કર્યાનું પોલીસમાં નોંધાયું હતું. જે અંગેની પોલીસ દ્વારા તપાસ ચાલી રહી છે ત્યાં મુકેશભાઇ કાકડીયાએ ધારાસભ્ય અરવિંદ રૈયાણીએ રૂ.૫ લાખ પડાવ્યાની અને વધુ રૂ.૫ લાખની માગણી કર્યાના ચોકાવનારા આક્ષેપ સાથે નવતર રીતે રજૂઆત કરતા ભાજપના મૌવડીઓ પણ શોભ અનુભવી રહ્યા છે.