જન્મોત્સવની ઉજવણી માટે ખાસ નિર્માણ કરાયેલા સ્વામીનારાયણ નગરમાં ૧૧ દિવસ સુધી સર્જાશે ધર્મોલ્લાસ: કાલે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, કર્ણાટકના ગવર્નર વજુભાઈ વાળા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં મહોત્સવનું ઉદ્ઘાટન
રાજકોટના આંગણે પૂ.પ્રમુખ સ્વામી મહારાજનો ૯૮મો જન્મજયંતિ મહોત્સવ અને બીએપીએસ સ્વામીનારાયણ મંદિર રાજકોટનો દ્વિદશાબ્દી મહોત્સવ આવતીકાલથી શરૂ થવા જઈ રહ્યો છે. ૧૧ દિવસીય આ મહોત્સવ માટે માધાપર-મોરબી બાયપાસ રોડ પર ૫૦૦ એકર જમીનમાં વિરાટ સ્વામીનારાયણ નગરનું ભવ્યાતિભવ્ય નિર્માણ કરવામાં આવ્યું છે. આ સ્વામીનારાયણ નગરમાં ઉભા કરવામાં આવેલા અનેક આકર્ષણો નિહાળી ભાવીકો મંત્રમુગ્ધ થનાર છે. આવતીકાલે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, કર્ણાટકના ગવર્નર વજુભાઈ વાળા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં મહોત્સવનો ઉદ્ઘાટન સમારોહ યોજાનાર છે.
બીએપીએસ સ્વામીનારાયણ સંપ્રદાય દ્વારા દર વર્ષે પૂ.પ્રમુખ સ્વામી મહારાજનો જન્મોત્સવ ઉજવવામાં આવે છે. આ વર્ષે ૯૮માં જન્મોત્સવની ઉજવણી માટે રાજકોટની પાવન ધરાની પસંદગી કરવામાં આવી છે. આ ભવ્યાતિભવ્ય મહોત્સવ આવતીકાલથી તા.૧૫ સુધી યોજાનાર છે. જેના માટે ૫૦૦ એકર જમીનમાં સ્વામીનારાયણ નગરનું નિર્માણ કરવામાં આવ્યું છે. માધાપર-મોરબી બાયપાસ રોડ પાસે નિર્મીત સ્વામીનારાયણ નગરમાં અનેક આકર્ષણો ઉભા કરવામાં આવ્યા છે.
ભવ્ય કલાત્મક પ્રવેશ દ્વાર, પાંચ કલાત્મક મંદિરો, સંતો-મહંતો તેમજ મહાત્માઓની પૂર્ણ કદની પ્રતિમાઓ ધરાવતા સંત ઝખાઓ, સુંદર ઉપવન પૂ.પ્રમુખ સ્વામી મહારાજની ૨૭ ફૂટ ઉંચી પ્રતિમા, ૬ પ્રદર્શન ખંડો, લાઈટ એન્ડ સાઉન્ડ શો સહિતના આકર્ષણો નિહાળી ભાવીકો મંત્ર મુગ્ધ થવાના છે.
આવતીકાલે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, કર્ણાટકના ગવર્નર વજુભાઈ વાળા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં સાંજે ૫:૩૦ કલાકે મહોત્સવનું ઉદ્ઘાટન કરવામાં આવશે. ત્યારબાદ સાંજે ૭:૩૦ કલાકે ઉદ્ઘાટન સભા, પૂ.આદર્શજીવન સ્વામીનું પ્રવચન તેમજ ભિખુદાન ગઢવીનો કાર્યક્રમ યોજાશે. તા.૬ને ગુરૂવારે પ્રાંત: પૂજા દર્શન બાદ સાંજે ૭:૩૦ કલાકે વિરાટ મહિલા સંમેલન યોજાશે, તા.૭ને શુક્રવારે પ્રાંત પૂજા દર્શન બાદ સાંજે ૭:૩૦ કલાકે સંત પરમહિતકારી નૃત્ય નાટિકા યોજશે, તા.૮ને શનિવારના રોજ પ્રાંત પૂજા દર્શન બાદ પૂ.બ્રહ્મવિહારી સ્વામીનું પ્રવચન તેમજ સહાયક સન્માન સમારોહ યોજાશે, તા.૯ને રવિવારે પ્રાત પૂજા દર્શન બાદ સાંજે ૭:૩૦ કલાકે કિર્તીદાન ગઢવી અને ઓસમાણ મીરનો કાર્યક્રમ યોજાશે, તા.૧૦ થી તા.૧૨ સુધી પ્રાંત પૂજા દર્શન અને સ્વામીનારાયણ વિશ્વ શાંતિ મહાયજ્ઞ યોજાશે.
સાથે સાંજે ૭:૩૦ કલાકે તા.૧૦ના રોજ રાજકોટ સત્સંગ ગાથાની નૃત્ય નાટીકા, તા.૧૧ના વચનામૃત, દ્વિસત્તાબ્દી મહોત્સવ, ઉદ્ઘોષ સમારોહ અને તા.૧૨ના રોજ કિર્તન આરાધના યોજાશે. તા.૧૩ને ગુરૂવારે સાંજે ૫:૩૦ કલાકે પ્રાંત પૂજા દર્શન અને ભાગવતી દિક્ષા સમારોહ, સાંજે ૭:૩૦ કલાકે પૂ.આનંદસ્વપ સ્વામીનું પ્રવચન અને સાંઈરામ દવે તેમજ સુખદેવભાઈ ધામેલીયાનો કાર્યક્રમ, તા.૧૪ને શુક્રવારે સાંજે ૫:૩૦ કલાકે પ્રાંત પૂજા દર્શન અને રાજકોટ મંદિર દ્વિસત્તાબ્દી મહોત્સવ, પાટોત્સવ વિધિ તેમજ ઉત્મોત્તમ મહાભિષેક વિધિ અને સાંજે ૭:૩૦ કલાકે પૂ.બ્રહ્મ દર્શન સ્વામીનું પ્રવચન અને રાજભા ગઢવીનો કાર્યક્રમ, તા.૧૫ને શનિવારે પ્રાંત પૂજા દર્શન બાદ સાંજે ૫ થી ૮ કલાકે જન્મજયંતિ મહોત્સવ યોજાશે.