રાજ તિલક કી કરો તૈયારી, આ રહે હે વિજય રૂપાણી
માત્ર દેશ નહીં પરંતુ દુનિયાભરની નજર જેના પરીણામ પર મંડાયેલી હતી તેવી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતી સાથે ફરી એકવાર ભાજપની સરકાર બનશે. અનેક પડકારો વચ્ચે ગુજરાતમાં સતા જાળવી રાખવામાં ભાજપને સફળતા મળી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહના હોમટાઉનમાં ભાજપની જીત થતા દેશભરમાં ભાજપના કાર્યકરોમાં હર્ષોલ્લાસ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ગરવા ગુજરાતીઓએ વધુ એક વખત જાતીવાદ અને જ્ઞાતીવાદ આધારીત સ્વાર્થી રાજનીતિને જાકારો આપી વિકાસની રાજનીતિને અપનાવી છે. ગુજરાતમાં ફરી એક વખત મોદી મેજીક ફરી વળ્યું છે. રાજયની ૧૮૨ વિધાનસભાની બેઠકો પૈકી ૧૦૧ બેઠકો પર શાનદાર જીત હાંસલ કરી ભાજપ ગુજરાતમાં છઠ્ઠી વખત પુર્ણ બહુમત સાથેની સરકાર બનાવશે અને રાજયની વિકાસ યાત્રાને આગળ ધપાવશે.
ગુજરાત વિધાનસભાની ૧૮૨ બેઠકો માટે ૯ અને ૧૪ ડિસેમ્બર એમ બે તબકકામાં યોજાયેલા મતદાન બાદ આજે સવારે રાજયના ૩૩ જિલ્લાના ૩૭ સ્થળોએ એકી સાથે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. સૌપ્રથમ બેલેટ પેપરની ગણતરી કરવામાં આવી હતી. મતગણતરીના પ્રથમ બે કલાકમાં ભારે ઉતાર-ચડાવ જોવા મળ્યો હતો. પ્રારંભિક ટ્રેન્ડમાં થોડીવાર ભાજપ બહુમતી સાથે સરકાર બનાવી રહ્યું હોવાનું જણાતું હતું તો એક તબકકે કોંગ્રેસ પણ ૯૭ બેઠકો પર વિજય હાંસિલ કરી ગુજરાતમાં ૨૨ વર્ષના લાંબા અંતરાલ બાદ કોંગ્રેસને સતા સુખ મળે તેવું લાગતું હતું જોકે મતગણતરી જેમ-જેમ આગળ વધી તેમ-તેમ ભાજપ તરફી વાતાવરણ જામતું ગયું અને ગુજરાતમાં છઠ્ઠી વખત ભાજપ સરકાર બનશે તેવો એક તરફી ટ્રેન્ડ મળવા માંડયો. આ લખાય રહ્યું છે ત્યારે બપોરે ૩:૦૦ કલાકે તમામ ૧૮૨ બેઠકોની મતગણતરી ચાલી રહી છે. અમુક બેઠકોના પરીણામ પણ જાહેર થયા છે. પરીણામ અને ટ્રેન્ડ પર નજર કરવામાં આવે તો રાજયની ૧૮૨ બેઠકો પૈકી ૧૦૧ બેઠકો પર ભાજપના ઉમેદવારો વિજેતા બન્યા છે અથવા પોતાના નજીકના હરીફથી આગળ ચાલી રહ્યા છે. જયારે ૭૯ બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારો વિજેતા બન્યા છે અથવા આગળ ચાલી રહ્યા છે. જયારે બે બેઠકો પર અપક્ષ કે અન્ય રાજકીય પક્ષોના ઉમેદવારોને લીડ મળી રહી છે.
વર્ષ ૨૦૧૨માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને ૧૧૫ બેઠકો, કોંગ્રેસને ૬૧ બેઠકો અને અન્ય રાજકીય પક્ષોને ફાળે ૬ બેઠકો આવી હતી. ગત ચૂંટણીની સરખામણીએ ભાજપની બેઠક ચોકકસ ઘટી છે પરંતુ અનેક પડકારો વચ્ચે ભાજપ ગુજરાતમાં ૨૨ વર્ષ બાદ પણ સતા જાળવી રાખવામાં સફળ રહ્યું છે. જે ભાજપની સૌથી મોટી જીત છે. ૬૯ રાજકોટ પશ્ર્ચિમ વિધાનસભા બેઠક પરથી ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણી ઐતિહાસિક લીડ સાથે વિજેતા બન્યા છે તો મહેસાણા સીટ પરથી રાજયના નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલ પણ જીતી ચુકયા છે. ભાવનગર પશ્ર્ચિમ બેઠક પરથી ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી વિજેતા બન્યા છે. ૨૦૧૭ વિધાનસભાની ચૂંટણીમાં સતાધારી પક્ષ ભાજપ સામે એન્ટીઈન્કમબન્સી, પાટીદાર અનામત આંદોલન, ઓબીસી અને દલિત ફેકટર, ખેડુતોને મળતા અપૂરતા ભાવો, નોટબંધી, જીએસટી અને અતિવૃષ્ટિ બાદ સરકાર દ્વારા રાહત અને બચાવ કાર્યમાં દાખવવામાં આવેલી ઢીલ સહિતના પડકારો ભાજપ સામે હતા છતાં ભાજપે સતત છઠ્ઠીવાર ગુજરાતમાં સ્પષ્ટ બહુમતી હાંસલ કરવામાં સફળતા મેળવી છે. ગ્રામ્ય પંથકમાં ભાજપને ચોકકસ થોડો ફટકો પડયો છે પરંતુ શહેરી વિસ્તારોમાં મતદારો ભાજપને પડખે રહેતા ફરી રાજયમાં કમળ ખીલ્યું છે.
નરેન્દ્ર મોદીની ગેરહાજરીમાં ગુજરાતમાં પહેલીવાર મોટી ચુંટણી યોજાઈ રહી હોય જો આ ચૂંટણીમાં ભાજપ પરાજીત થાય તો વડાપ્રધાનના હોમટાઉનમાંથી ભાજપની પડતીની શ‚આત થાય અને દેશભરમાં આ એક નેગેટીવ મેસેજ જાય તેવી તમામ સંભાવનાઓ દેખાતા ખુદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ચુંટણીપ્રચારના અંતિમ દિવસોમાં ઝંઝાવતી પ્રચારની કમાન સંભાળી લીધી હતી અને ગુજરાતમાં અલગ-અલગ મત વિસ્તારોમાં ૩૫ થી વધુ જાહેર સભા સંબોધી હતી. જેનું પરીણામ આજે પ્રજા સમક્ષ છે. ગુજરાતમાં હજી મોદી મેજીક યથાવત હોવાનું વધુ એકવાર પુરવાર થઈ ગયું છે.
વિજયભાઈ રૂપાણી બનશે ફરી ગુજરાતના મુખ્યમંત્રી
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તારીખો જાહેર થયા પૂર્વે અને થયા બાદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહે એવી જાહેરાત કરી હતી કે ભારતીય જનતા પાર્ટી ગુજરાત વિધાનસભાની ચૂંટણી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં જ લડશે. ગુજરાતમાં ભાજપની જીત થશે તો વિજયભાઈ રૂપાણી ફરી મુખ્યમંત્રી અને નીતિનભાઈ પટેલ નાયબ મુખ્યમંત્રી બનશે. આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરીણામોની વિધિવત જાહેર થઈ ગઈ છે. જેમાં રાજયમાં છઠ્ઠીવાર પુર્ણ બહુમતી સાથે સરકાર બનાવવા તરફ જઈ રહ્યું છે ત્યારે રાજકોટના લોકપ્રિય નેતા વિજયભાઈ રૂપાણી ફરી ગુજરાતના મુખ્યમંત્રી બનશે અને રાજયની વિકાસયાત્રાને વેગ આપશે.
ગુજરાતમાં ભાજપ છઠ્ઠી વખત સરકાર બનાવશે
ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી સતત છઠ્ઠી વખત સ્પષ્ટ બહુમતી સાથે સરકાર બને તેવા સંકેતો પ્રાપ્ત થઈ રહ્યા છે. પ્રારંભિક ટ્રેન્ડમાં ભાજપ ૧૦૦થી વધુ બેઠકો જીતી રહ્યું છે. સૌપ્રથમ ગુજરાતમાં ભાજપે વર્ષ ૧૯૯૫માં કેશુભાઈ પટેલના નેતૃત્વમાં પ્રથમવાર સરકાર બનાવી હતી. ત્યારબાદ છેલ્લા ૨૨ વર્ષથી સતત ગુજરાતમાં કમળ ખીલી રહ્યું છે. ૧૯૯૮માં ફરી ભાજપે સ્પષ્ટ બહુમતી સાથે સરકાર બનાવી હતી ત્યારબાદ ૨૦૦૨માં નરેન્દ્રભાઈ મોદીની આગેવાનીમાં ગુજરાતમાં ભાજપની સરકાર બની હતી. ૨૦૦૭માં ફરી લોકોએ મોદી મેજીકને સાથ આપ્યો હતો અને રાજયમાં કમળ સોળે કળાએ ખીલી ઉઠયું હતું. ૨૦૧૨માં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ સામે પડયા હતા છતાં ભાજપે ૧૧૫ બેઠકો હાંસલ કરી તોતીંગ બહુમત સાથે સરકાર બનાવી હતી. ૨૨ વર્ષથી ગુજરાતમાં શાસન કરતી ભાજપ સરકાર સામે આ વખતે અનેક પડકારો હતા. જેમાં પાટીદાર અનામત આંદોલન, ઓબીસી ફેકટર, દલિત ફેકટર, નોટબંધી, જીએસટી સહિતના પડકારો સામે ભાજપ અડિખમ ઉભુ રહેવામાં સફળ રહે તેવું હાલ લાગી રહ્યું છે. એન્ટી ઈન્કમબન્સીને પણ ભાજપે જાણે મહાત કરી દીધી હોય તેવું લાગી રહ્યું છે. ૨૦૧૭ની ચૂંટણીમાં જીત હાંસલ કરી ગુજરાતમાં ભાજપ છઠ્ઠી વાર સરકાર બનાવે તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.