હૈદરાબાદની કંપનીની પંદર દિવસ પહેલાં ૧૭૧ બોકસ દવા અમદાવાદથી લાવ્યાની

કબુલાત: રૂ.૫૫ની પાંચ ટેબલેટ મેડિકલ સ્ટોરમાં રૂ.૭૫૦માં વેચાણ

શહેરમાં રૈયા રોડ પર આવેલા સહકાર એન્ટર પ્રાઇઝ ખાતે ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે દરોડો પાડી રૂ.૧૨ લાખની કિંમતની ગર્ભપાત માટેની દવાના ૧૭૧ બોકસ સાથે ચાર શખ્સોની ધરપકડ કરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગતરાતે ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ. એચ.એમ.ગઢવી, પી.એસ.આઇ. મહાવીરસિંહ જાડેજા, હેડ કોન્સ્ટેબલ પ્રતાપસિંહ ઝાલા, હરદેવસિંહ, ફિરોજભાઇ , યોગેન્દ્રસિંહ અને અમીતભાઇ ટુંડીયા સહિતના સ્ટાફ રૈયા ચોકડી પાસે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન સહકાર એન્ટરપ્રાઇઝ નામની દુકાનમાં દવાનો મોટો જથ્થો શંકાસ્પદ હોવાની મળેલી બાતમીના આધારે દરોડો પાડયો હતો.

vlcsnap 2019 01 03 14h13m51s122

પોલીસે રૂ.૧૨ લાખની કિંમતની ૧૭૧ બોકસ કોમ્બીપેક ઓફ માઇફપ્રીસ્ટોન એન્ડ મીસોપ્રોસ્ટોલ ટેબલેટ (પીએચએસઆઇ) કીટ નામની દવાનો જથ્થો મળી આવતા એરપોર્ટ પાસે રેસકોર્ષ પાર્કમાં રહેતા જતીન મહેન્દ્ર દેસાઇ, રેલનગર ભગવતી હોલ પાછળ રહેતા પંકજ ઘનશ્યામ બાવાજી, ગાંધીગ્રામ એસ.કે.ચોક પાસે જલારામ ફરસાણવાળી શેરીના નિમેશ કાંતીલાલ મહેતા અને યુનિર્વસિટી રોડ પર જલારામ સોસાયટીના ભાવીન વામન દેસાઇ નામના શખ્સોની અટકાયત કરી પૂછપરછ કરતા તેઓ પાસે દવા અંગેના કોઇ જાતના બીલ ન હોવાનું બહાર આવતા ચારેયની ધરપકડ કરી છે.

દવા અંગે ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે ખોરાક અને અવશધ નિયમન વિભાગને જાણ કરી દવા અંગેની માહિતી મેળવતા દવા ગર્ભપાત માટે ઉપયોગમાં લેવાતી હોવાનું અને લાયસન્શ વિના વેચી ન શકાય તેવું જણાવ્યું હતું.

કોમ્બીપેક ઓફ માઇફપ્રીસ્ટોન એન્ડ મીસોપ્રોસ્ટોલ ટેબલેટની હૈદરાબાદ કંપની હોવાનું અને ચારેય શખ્સોએ અમદાવાદના શખ્સ પાસેથી ખરીદ કરી હોવાની કબુલાત આપી છે. ગર્ભપાત માટેની પાંચ ટેબલેટ તેઓને રૂ.૫૦મા મળતી હોવાનું અને તેઓ મેડિકલ સ્ટોર સંચાલકોને રૂ.૫૫માં વેચાણ કરતા હોવાનું તેમજ મેડીકલ સ્ટોર સંચાલકો પાંચ ટેબલેટના રૂ.૭૫૦ વસુલ કરતા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. ગર્ભપાતની દવાનું ચારેય શખ્સો કેટલા સમયથી વેચાણ કરતા અને તેઓની સાથે અન્ય કોણ સંડોવાયું છે તે અંગેની વિગતો મેળવવા પોલીસે ચારેય શખ્સોની પૂછપરછ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.