તસ્કરો દસેક હજારની મત્તા અને સીસીટીવી કેમેરા ઉઠાવી ગયા: ત્રણ બુકાનીધારી તસ્કરોના ફુટેજ મળ્યા: વેપારીઓમાં ફફડાટ

શહેરના રૈયા ચોકડી નજીક આવેલા અંબિકા શોપિંગ સેન્ટરમાં આવેલી દસ જેટલી દુકાનો અને ઓફિસને તસ્કરોએ ગતરાતે નિશાન બનાવી તાળા તોડી હાથફેરો કરતા વેપારીઓમાં ફફડાટ મચી ગયો છે. તસ્કરોએ દસ જેટલી ઓફિસો અને દુકાનના શટર ઉચકયા પણ માત્ર દસેક હજારની મત્તા જ ચોરાઇ હતી. ગાંધીગ્રામ પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોચતા વેપારીઓએ કંઇ ખાસ ચોરાયું ન હોવાથી ફરિયાદ નોંધાવવાનું ટાળ્યું હતું.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગતરાતના ત્રણેક વાગ્યાના સુમારે અંબિકા શોપિંગ સેન્ટરના ગ્રાઉન્ડ ફલોર પર આવેલી બિલ્ડર શૈલેષભાઇ કામલીયાની ઓફિસના શટર ઉચકી તસ્કરોએ માલ સામાન વેર વિખેર કર્યો હતો પણ કંઇ ખાસ હાથ લાગ્યું ન હતું. તેમની બાજુમાં શિવપરામાં રહેતા વાલાભાઇ હકાભાઇ સબાડની બાબા ફાયનાન્સ ઓફિસના શટર ઉચકયા હતા.

દ્વારકેશ પાર્કમાં રહેતા અરવિંદભાઇ પીઠાભાઇ ભાટુની શ્યામ ગ્લાસ એન્ડ એલ્યુમિનિયમ સેકશનની પહેલાં માળે આવેલી ઓફિસને નિશાન બનાવા ખાખા ખોળા કર્યા હતા. તસ્કરોએ સાંઇ સિક્યુરિટી સર્વિસ, સિમેન્ટ એજન્સી પાર્થ સેલ્સ નામની દુકાન ઉપરાંત ભરતભાઇ જીવાભાઇ બાંભવાની જલારામ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સની ઓફિસના તાળા તોડયા હતા. જલારામ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સમાંથી અંદાજે સાતેક હજાર રોકડા અને ત્રણ સીસીટીવી કેમેરા ચોરી ગયા હતા. બાબા ફાયનાન્સની ઓફિસમાંથી પણ તસ્કરો સીસીટીવી કેમેરા ઉઠાવી ગયા હતા. શિવ બિલ્ડરની ઓફિસમાંથી સીસીટીવી કેમેરા અને સાત જેટલા સાદા મોબાઇલ ચોરી ગયાનું બહાર આવ્યું છે.

મોટી રકમની ચોરી ન થઇ હોવાથી અંબિકા શોપિંગ સેન્ટરના વેપારીઓએ પોલીસમાં ફરિયાદ નોંધાવવાનું માંડી વાળ્યું હતું. તેમ છતાં ગાંધીગ્રામ પોલીસ મથકના ઇન્ચાર્જ પી.આઇ. પ્રવિણભાઇ રામાનૂજ અને એ.એસ.આઇ. રામગર ગોસાઇ સહિતના સ્ટાફે સીસીટીવીના ફુટેજ મેળવી તપાસ કરતા રાતે ત્રણેક વાગે ત્રણ બુકાનીધારી શખ્સો ચોરી કરવા ઘુસ્યા હોવાનું બહાર આવ્યું હતું.

અંબિકા શોપિંગ સેન્ટરમાં ત્રણેય તસ્કરો વધુ ઓફિસના તાળા તોડી ચોરી કરે તે પહેલાં રાતે ત્રણેક વાગે સાઉન્ડ સિસ્ટમના વેપારી પોતાની દુકાને સ્પીકર મુકવા આવતા ત્રણેય તસ્કરો ભાગી ગયા હોવાનું બહાર આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.