વિરપુરથી રાજકોટ મિત્રના સ્ટુડીયોમાં મદીરાપાન કરવા આવેલા યુવાનને ભારે પડયું
રૈયા ચોકડી પાસે આવેલા એક સ્ટુડીયોમાં દારૂની મહેફીલ માણી રહેલા મિત્રો વચ્ચે ઝઘડો થતા વિરપુરના યુવાનનું અપહરણ કરી ગૌરીદડ ગામે મંદિર પાસે લઈ જઈ ચીપીયા વડે માર મારી બંને શખ્સો નાસી ગયા હતા. સ્થાનિકો દ્વારા ઘવાયેલા યુવાનને સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો હતો. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી તપાસ હાથધરી છે.
પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રૈયા ચોકડી પાસે ફિલ્મ સ્ટુડીયો ધરાવતા કુલદીપ ગઢવી અને તેના કેમેરામેન વિજય ચૌહાણને વિરપુરથી સંજય બાબુ સુરૂ નામનો ૩૨ વર્ષનો ગઢવી યુવાન રાત્રે મળવા આવ્યો હતો. સ્ટુડિયોમાં ત્રણેય દારૂની મહેફીલ માણતા હતા.
ત્યારે કુલદીપ ગઢવી અને સંજય ગઢવી વચ્ચે બોલાચાલી થતા કુલદીપ અને વિજયએ સંજયનું બાઈકમાં અપહરણ કરી ગૌરીદડ ગામે આવેલા મંદિર પાસે લઈ જઈ ચીપીયા વડે માર મારી ફેંકી દીધો હતો. સ્થાનિકોએ સારવાર અર્થે હોસ્પિટલમાં પહોંચાડયો હતો. આ બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસે અપહરણકારો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.