- બોગસ દસ્તાવેજ કૌભાંડમાં વધુ એક ઘટસ્ફોટ
- રૂ. 20 કરોડથી વધુ કિંમતના 1750 વારના પ્લોટમાં ડબલ બોગસ દસ્તાવેજ થઇ ગયાંનો ખુલાસો
રાજકોટ શહેરમાં બોગસ દસ્તાવેજ કૌભાંડ ધમધમી રહ્યાનું ગત સપ્તાહે સપાટી પર આવ્યા બાદ દાયકાઓ જૂના હસ્ત લેખિત દસ્તાવેજોમાં ચેડા કરી સબ રજીસ્ટ્રાર કચેરીનો સ્ટાફ જ આ કૌભાંડ ચલાવી રહ્યાનો ઘટસ્ફોટ થયો હતો. મામલામાં 17 જેટલાં બોગસ દસ્તાવેજ બન્યાનો ખુલાસો થતાં પોલીસે સબ રજીસ્ટ્રાર કચેરીના આઉટસોર્સીંગના સુપરવાઇઝર જયદીપ ઝાલાની ધરપકડ કરી દસ્તાવેજ બનાવવાનો માસ્ટર માઈન્ડ હર્ષ સોની અને વકીલ કિશન ચાવડાની શોધખોળ શરૂ કરી હતી. દરમિયાન આ ટોળકીએ વધુ એક બોગસ દસ્તાવેજ બનાવી નાખ્યાનું જાણવા મળી રહ્યું છે. જેમાં રૈયાની યુએલસી જમીનના બનાવટી દસ્તાવેજ ઉભા કરી તેનો સોદો કરી બીજો દસ્તાવેજ પણ બનાવી નાખ્યાનો ઘટસ્ફોટ થવા પામ્યો છે.
સમગ્ર કૌભાંડથી વાકેફ વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા અનુસાર રૈયાના સર્વે નંબર 200 થી 250 વચ્ચે આવતા એક સર્વે નંબરના પ્લોટ નંબર 7,8,9,10માં આવેલ 1750 વારના પ્લોટનો બોગસ દસ્તાવેજ ચાલુ વર્ષે એપ્રિલ માસ નજીક બનાવવામાં આવ્યો હતો. મહત્વની વાત એવી છે કે, ખરેખર આ પ્લોટ યુએલસી ફાઝલનો પ્લોટ હોવા છતાં સરકારી બાબુઓની મિલીભગતથી યુએલસીના પ્લોટના બનાવટી કાગળ હર્ષ સોની જેવા માસ્ટર માઈન્ડ હસ્તક મહાભારતના એક પાત્ર જેવું નામ ધરાવતા શખ્સે પોતાના પિતાના નામે બનાવડાવી લીધા હતા.
હવે આ ખેલ પૂરજોર ચાલ્યો હોય તેમ આ શખ્સે પિતાના નામે ચડાવી દીધેલા પ્લોટમાં પોતાના અને અન્ય ભાઈ-બહેનોના નામે પ્રોબેટ કઢાવી લીઘું હતું અને ત્યારબાદ તપતા સૂરજ જેવી વ્યક્તિ સાથે જમીનનો સોદો રૂ. 1. 05 લાખ પ્રતિ વારના ભાવે કર્યો હતો. ઉલ્લેખનીય બાબત છે કે, સોદો થયાં સમયે પ્લોટ સંભાળનારને કદાચ આ પ્લોટ યુએલસી ફાઝલનો પ્લોટ હોવાની જાણ ન હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર આ જમીનનો દસ્તાવેજ પણ કરી નાખવામાં આવ્યો હતો પણ પ્લોટ લખાવી લેનાર શખ્સને પ્લોટ યુએલસી ફાઝલનો હોવાની જાણ થઇ ગઈ હતી અને મિત્ર જેવા શખ્સે જ આ ખેલ પાડી દીધાનું જાણવા મળ્યું હતું. જે બાદ છેતરપિંડીનો ભોગ બનેલા શખ્સે અગાઉ રાજકોટ રહેતા પણ હાલ દુબઇ સ્થાયી થયેલા ’રૂખ’ જેવા વિધર્મી શખ્સ સાથે મળી નવો ખેલ રચ્યો હતો. બંનેએ યુએલસીના પ્લોટમાં દસ્તાવેજ કેમ થઇ શકે તેવી અરજી વહીવટી તંત્ર સમક્ષ કરાવી હતી. જેથી તપાસનો રેલો મહાભારતના પાત્ર જેવું નામ ધરાવતા શખ્સ સુધી પહોંચતા તેણે અરજી કરાવનાર અંગે તપાસ કરાવી હતી. જેમાં ’રૂખ’ જેવી વ્યક્તિનું નામ સામે આવતા અરજી પરત ખેંચી લેવા સમાધાનની બેઠકોનો દોર શરૂ થયો હતો અને રીહમણાં – મનામણા વચ્ચે અંતે 35 લાખ રૂપિયામાં સમાધાન થયું હતું.
હવે બીજી બાજુ વહીવટી તંત્રે આ અરજી અંગે તપાસના આદેશ આપી દીધા હોવાથી મુદ્દતો શરૂ થઇ ગઈ હતી અને ત્યારબાદ તંત્રે બીજો દસ્તાવેજ રદ્દ કરી દેતા પ્લોટ મૂળ ખાતેદારના નામે ચડી ગઈ હતી. હવે ખરેખર મૂળ ખાતેદાર તરીકે મહાભારતના પાત્ર જેવું નામ ધરાવતા શખ્સે પોતાના પિતાના નામે બોગસ કાગળો ઉભા કર્યા હતા. જેથી હજુ આ જમીનમાં બોગસ કાગળો ઉભા થયાનું વહીવટી તંત્રના રેકર્ડમાં જ હોવાનું જાણકારો જણાવી રહ્યા છે. જો વહીવટી તંત્ર તપાસ કરાવે તો સમગ્ર કૌભાંડ પરથી પડદો ઊંચકાઈ શકે તેમ છે.
બોગસ દસ્તાવેજ અંગે કરાયેલી અરજી પરત ખેંચવા રૂ. 35 લાખનો નૈવેદ્ય ?
સૂત્રોના જણાવ્યા અનુસાર રૈયાની કિંમતી જમીનમાં બોગસ દસ્તાવેજ બનાવી અન્ય એક શખ્સને વેંચી મારવામાં આવી હતી. હવે આ જમીન યુએલસી ફાઝલનો પ્લોટ હોવાની જાણ થઇ જતાં ખરીદનારે અન્ય એક શખ્સ સાથે મળીને વહીવટી તંત્રમાં અરજી કરાવી હતી.
જે અરજી પરત ખેંચાવી લઇ ભીનું સંકેલી લેવા રઘવાયા થયેલા ’દેવ’ જેવા શખ્સે અરજી પરત ખેંચી લેવા ’રૂખ’ જેવી વ્યક્તિને રૂ. 35 લાખનો નૈવેદ્ય ધર્યાનું સૂત્રો જણાવી રહ્યા છે. જો કે, આ બાબતમાં કેટલી વાસ્તવિકતા છે તે તપાસનો વિષય છે પરંતુ હાલ તો આ લોકમુખે ચર્ચાતી વાત જ કહી શકાય છે.