ભવિષ્યમાં ભીનો અને સુકો કચરો અલગ-અલગ નહીં રાખનારનો કચરો ટીપરવાન નહીં સ્વીકારે: રાજકોટને દેશનું નંબર વન સ્વચ્છ શહેર બનાવવા કોર્પોરેશને કમર કસી
‘અબ સ્વચ્છતા હી હમારી આદત’ અધિકારીઓ અને કર્મચારીઓના મોબાઈલમાં રીંગ ગુંજવા લાગી
રાજકોટને દેશનું નંબર વન સ્વચ્છ શહેર બનાવવા માટે કોર્પોરેશને કમરકસી છે. આ વખતે સ્વચ્છતા સર્વેક્ષણમાં ડોકયુમેન્ટેશન પણ સ્ટ્રોંગ કરવામાં આવશે. સાંજે મહાપાલિકાના અધિકારીઓ, સ્ટાફ અને સ્વચ્છતા જાગૃતિ માટે એક મીટીંગ બોલાવવામાં આવી છે. શહેરીજનો ભીનો અને સુકો કચરો અલગ-અલગ એકત્ર કરે તે માટે માહિતી આપવા માટે આગામી દિવસોમાં કોર્પોરેશનના ૧૨૦૦ જેટલા કર્મચારીઓ ડોર ટુ ડોર વિઝીટ કરી માહિતી આપશે. ભવિષ્યમાં ભીનો અને સુકો કચરો અલગ-અલગ એકત્ર ન કરનારનો કચરો ટીપરવાન પણ સ્વિકારશે નહીં તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવશે.
સ્વચ્છતા સર્વેક્ષણ આગામી દિવસોમાં શરૂ થનાર છે ત્યારે મહાપાલિકા દ્વારા આજે સાંજે કમિશનર દ્વારા કોર્પોરેશન અધિકારીઓ, સ્ટાફ મિત્રો અને સંસ્થાઓ સાથે એક મીટીંગનું આયોજન કરવામાં આવ્યું છે. લોકો ભીનો અને સુકો કચરો અલગ-અલગ એકત્ર કરે તે માટે વધુ આગ્રહ કરવામાં આવશે. બેંગ્લોર શહેરમાં ઘેર-ઘેર ગાર્બેજ કમ્પોઝડ છે. રાજકોટમાં હોટલ, હોસ્ટેલ માટે રૂલ્સ બનાવવામાં આવ્યો છે. આગામી દિવસોમાં મહાપાલિકાના ૧૨૦૦ જેટલા કર્મચારીઓ ઘેર-ઘેર જઈ ભીના અને સુકો કચરો અલગ-અલગ એકત્ર કરવા માટેનું માર્ગદર્શન આપશે તથા આ કામગીરીનું ૩૬ અધિકારીઓ દ્વારા નિરીક્ષણ કરવામાં આવશે. સ્વચ્છતા પર પુરતુ ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે.
મહાપાલિકાના અધિકારીઓ તથા કર્મચારીઓના મોબાઈલમાં હાલ ‘અબ સ્વચ્છતા હી અમારી આદત’નું સંગીત વગાડતી રીંગ ટોન ગુંજી રહી છે.
૭ માસમાં આધારકાર્ડમાં સુધારાની ૫૭,૪૮૮ અરજીઓ
જુલાઈ માસમાં સૌથી વધુ ૯૭૮૯ અરજીઓ આવી
કેન્દ્ર સરકાર દ્વારા જન્મથી લઈ મૃત્યુના દાખલા સુધીની મોટાભાગની સરકારી કામગીરીમાં આધારકાર્ડ ફરજીયાત કરી દેવામાં આવ્યું છે. શહેરમાં આધારને લગતી મોટાભાગની કામગીરી પૂર્ણ થઈ જવા પામી છે. હાલ સુધારાની અરજીઓ આવી રહી છે. છેલ્લા ૭ માસ દરમિયાન મહાપાલિકામાં આધારકાર્ડમાં સુધારાને લગતી ૫૭,૪૮૮ જેટલી અરજીઓ આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ મોટાભાગની અરજીઓનો નિકાલ કરી દેવામાં આવ્યો છે.
એપ્રિલથી ઓકટોબર સુધીના ૭ માસના સમયગાળામાં ૫૭,૪૮૮ અરજીઓ આવી છે. જેમાં એપ્રિલ માસમાં ૬૯૭૦ અરજીઓ, મે માસમાં ૮૯૩૧, જુન માસમાં ૮૨૭૬ અરજીઓ, જુલાઈ માસમાં ૯૭૮૯ અરજીઓ, ઓગસ્ટ માસમાં ૯૧૦૧, સપ્ટેમ્બર માસમાં ૬૬૭૨ અરજી અને ઓકટોબર માસમાં ૭૭૪૯ અરજીઓ આવી છે. હાલ શહેરના ત્રણેય ઝોન કચેરી ખાતે આવેલા સિવિક સેન્ટરમાં આધારને લગતી કામગીરી ચાલી રહી છે. ૭ માસ દરમિયાન આધારકાર્ડમાં સુધારો કરવા માટે આવેલી મોટાભાગની અરજીનો સંતોષકારક નિકાલ કરી દેવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.