છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૫૦ તાલુકાઓમાં વરસાદ : લોધિકામાં પોણા ત્રણ, ધંધુકામાં પોણા બે, વઢવાણ- ધોળકામાં દોઢ, વલસાડમાં એક ઇંચ વરસાદ પડ્યો
સૌરાષ્ટ્ર કચ્છમાં આજથી વરસાદી માહોલ છવાયો છે.જેમાં આજે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. વધુમાં આવતીકાલથી દરીયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યકત કરી છે. જેને પગલે દરિયાકાંઠાના જિલ્લાઓમાં તંત્ર એલર્ટ થયું હોવાનું જાણવા મળ્યું છે.
ચોમાસાની શરૂઆતમાં જ મેઘરાજાએ સટાસટી બોલાવતા અનેક તાલુકાઓમાં સિઝનનો ૧૦૦ ટકાથી વધુ વરસાદ ખાબકી ગયો હતો. ત્યારબાદ મેઘરાજાએ વિરામ લીધો હતો. હવે ફરી મેઘરાજા ફરી રાઉન્ડ શરૂ કરવાના હોવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. જેમાં આજથી સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે આપી છે.
જે મુજબ પોરબંદર, જામનગર, દ્વારકા અને રાજકોટ સહિતના સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડશે. જ્યારે આવતીકાલથી ત્રણ દિવસ સૌરાષ્ટ્રના દરિયાકિનારાના જિલ્લાઓમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી આપી છે. જેમાં પોરબંદર, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગરમાં આવતીકાલથી ત્રણ દિવસ ભારે વરસાદ પડવાનો છે. ભારે વરસાદની સાથે ૪૦ કિમિ પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાવાની પણ શક્યતાઓ છે.
વધુમાં છેલ્લા ૨૪ કલાકના વરસાદના આંકડા જોઈએ તો ૫૦ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં ૧૧ તાલુકાઓમાં અડધા ઇંચથી લઈને પોણા ઇંચ સુધી વરસાદ નોંધાયો છે. બાકીના ૩૯ તાલુકાઓમાં ઝાપટા નોંધાયા છે. જેની વિગત જોઈએ તો રાજકોટના લોધિકામાં પોણા ત્રણ ઇંચ, ભાવનગરમાં સવા ઇંચ, ધંધુકામાં પોણા બે ઇંચ, વઢવાણમાં દોઢ ઇંચ, ધોળકામાં દોઢ ઇંચ, વલસાડમાં એક ઇંચ, ઉંમરપાડામાં પોણા એક ઇંચ, માતર, આમોદ અને સુરતમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે. આ સાથે મોરબી, ધ્રોલ, વિસાવદર, લીલીયા, પાલીતાણા, રાણાવાવમાં ઝાપટા નોંધાયા છે.
ઉંમરગામમાં વહેલી સવારે બે કલાકમાં બે ઇંચ
વલસાડના ઉમરગામમાં આજે વહેલી સવારે મેઘરાજાએ સટાસટી બોલાવી હતી. સવારે ૬થી ૮ દરમિયાન માત્ર બે જ કલાકમાં બે ઇંચ વરસાદ નોંધાયો હતો. આ સાથે વલસાડના પારડી, વાપી અને ચીખલીમાં સવારે ઝાપટા નોંધાયા હતા. જ્યારે સૌરાષ્ટ્રમાં આજે વહેલી સવારે ઉઘાડ રહ્યું હતું.