હવામાન વિભાગે રાજ્યમાં ભારે વરસાદ પડવાની આગાહી કરી છે ત્યારે સૌરાષ્ટ્રમાં આજે સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. રાજુલા પંથકમાં સતત મેઘરાજા મહેરબાન બન્યા હોય તેમ આજે વહેલી સવારથી જ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. રાજુલાના નવા આગરીયા, મોટા આગરીયા સહિત ગામોમાં ધોધમાર વરસાદ પડતા સ્થાનિક નદીઓમાં પૂર આવ્યા હતા.
વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. તેમજ ખાંભા પંથકમાં આજે સવારે ત્રણ ઇંચ વરસાદ વરસ્યો હતો. તાલાલા અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર 4 કલાકમાં 4 ઇંચ વરસાદ વરસતા રસ્તાઓ અને ખેતરો પાણી પાણી થઇ ગયા હતા. સુત્રાપાડામાં દોઢ ઇંચ અને વેરાવળ, ગીરગઢડામાં એક ઇંચ વરસાદ નોંધાયો છે.