12 સપ્ટેમ્બર સુધી રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા: 14 સપ્ટેમ્બરથી બંગાળના ઉપાસગરમાં એક લો પ્રેશર સિસ્ટમ બનતા 20 સપ્ટેમ્બર સુધી વરસાદ વરસવાની આગાહી
આજથી આગામી 72 કલાકમાં રાજ્યમાં વરસાદની શક્યતા હોવાની આગાહી હવામાનનાજાણકાર અંબાલાલ પટેલે કરી છે. આગામી 72 કલાકમાં પૂર્વ ગુજરાતનાં ભાગોમાં વરસાદની ગતિવિધિ શરુ થશે. 12 સપ્ટેમ્બર સુધી રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તારીખ 10 થી 14 સપ્ટેમ્બરમા આરબ સાગરમાં એક સિસ્ટમ બનશે. 14 સપ્ટેમ્બરથી બંગાળના ઉપાસગરમાં એક લો પ્રેશર સિસ્ટમ બનતા 20 સપ્ટેમ્બર સુધીમાં રાજ્યના ભાગોમાં ફરી વરસાદની શક્યતા છે. મધ્યપ્રદેશના ભાગોમાં અને મહારાષ્ટ્રમાં પણ ભારેથી અતિભારે વરસાદ થતા પૂરની પણ શક્યતા વ્યકત કરાઈ છે.
રાજ્યના કેટલાક ભાગોમાં ભારે પવન સાથે વીજળીના કડાકા સાથે વરસાદ પડે તેવી સંભાવના છે. ભારે પવનથી ખેડૂતોએ પાક માટે સાવચેતી લેવા આગાહીકાર અંબાલાલ પટેલે સલાહ આપી છે. જેના કારણે સરદાર સરોવર ડેમમાં પાણીની આવક થશે. તો 12 સપ્ટેમ્બર સુધીમાં પંચમહાલ, દાહોદ, ગોધરામા ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તેમજ હિંમતનગર, ધનસુરા, બાયડમા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉપરાંત પાલનપુર, થરાદમાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તો દક્ષિણ ગુજરાતમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર રાજ્યના કેટલાક વિસ્તારોમાં 4 થી 8 ઇંચ વરસાદ પડી શકે છે. આ ઉપરાંત વડોદરા, ખેડા અને આણંદમા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
રાજ્યમાં પાંચમી સપ્ટેમ્બર સુધીમાં 81.85 ટકા વરસાદ નોંધાયો છે. આટલો વરસાદ હોવા છતાં રાજ્યના 21 જિલ્લામાં 91 ટકાથી વધુ વરસાદની ઘટ છે. જૂન-જુલાઇમાં સાડા 27 ઇંચ વરસાદે છેલ્લાં 96 વર્ષનો સૌથી વધુ વરસાદનો રેકોર્ડ સર્જ્યો હતો. પરંતુ ઓગસ્ટમાં વરસાદ રોકાઈ જવાથી ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા હતાં. રાજ્યમાં ઓગસ્ટ મહિનામાં સરેરાશ 9 ઇંચ વરસાદ થવો જોઇએ તેની સામે માત્ર દોઢ ઇંચ વરસાદ થતાં 89% વરસાદની ઘટ પડી છે. પોરબંદરમાં 99% ઓછા વરસાદ સાથે રાજ્યનો સૌથી વધુ ઘટ ધરાવતો જિલ્લો રહ્યો છે. રાજ્યમાં કચ્છમાં 136.19, ઉત્તર ગુજરાતમાં 67.96, મધ્ય ગુજરાતમા 66.19, સૌરાષ્ટ્રમાં 110.12, દક્ષિણ ગુજરાતમાં 73.74 ટકા વરસાદ થયો છે.
સરદાર સરોવર સહિત રાજ્યનાં 207 જળાશયોમાં ઓગસ્ટના અંતે કુલ 76.60% જળસંગ્રહ થયો છે. તે પૈકી 70.72% પાણીનો જથ્થો ઉપયોગમાં લઇ શકાય તેમ છે. અન્ય ઝોનના ડેમની સ્થિતિની વાત કરીએ તો હાલ ઉત્તર ગુજરાતના 15 ડેમમાં 74.27%, મધ્ય ગુજરાતના 17 ડેમમાં 45.36%, દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં 76.33%, કચ્છના 20 ડેમમાં 62.37%, સૌરાષ્ટ્રના 141 ડેમમાં 81.93% પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. જ્યારે સરદાર સરોવરમાં હાલ 84.05% પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. હવે ડેમની વોર્નિંગની વાત કરીએ તો હાલ રાજ્યમાં 90 ટકાથી વધુ ભરાયેલા 90 ડેમ હાઈએલર્ટ પર છે. જ્યારે 80 ટરાથી વધુ ભરાયેલા 25 ડેમ એલર્ટ પર છે. 70 ટકાથી વધુ ભરાયેલા 17 ડેમને વોર્નિંગ પર રાખવામાં આવ્યાં છે. જ્યારે 74 ડેમમાં 70 ટકા કરતાં ઓછું પાણી છે.w